અર્થતંત્રને સધ્ધર બનાવવું છે? તો લિપસ્ટિક ખરીદો!
વ્યંગ -ભરત વૈષ્ણવ
અર્થતંત્ર એ જટિલ તંત્ર છે. અર્થતંત્ર કુટિલ પણ બની રહે છે. અર્થતંત્રને નૈતિક કે અનૈતિક મૂલ્યો સાથે નાહવા-નિચોવવાનો સંબંધ હોતો નથી. વર મરો, ક્ધયા મરો , પરંતું ગોર મહારાજનું તરભાણું ભરો એ કહેવત લગ્નતંત્ર કે ગોરસમુહ કે વરક્ધયાના સંદર્ભમાં કહેવામાં આવી છે તેમ માનતા હો તો ખાંડ ખાવ છો. (ડાયાબિટીસ હોવ તો સ્વિટનર ખાવ છો તેમ માનવાની અમારા તરફથી છૂટ છે.) બજારમાં જે નાણું ફરે છે તેને અર્થશાસ્ત્રમાં નાણાંનો ચલણવેગ કહે છે. પાંચસો રૂપિયાની એક નોટબજારમાં સો વાર ફરે તો તે નોટનો ચલણવેગ પચાસ હજાર રૂપિયા થઇ જાય છે. આ સંદર્ભમાં ખોટો રૂપિયો અર્થતંત્રની ગતિની વધારે છે. સાચો રૂપિયો તિજોરીમાં પડ્યો રહેતો હોય તો અર્થતંત્ર માટે સાચો રૂપિયો પણ ખોટો પુરવાર થાય છે.
વરસાદ પડતાં નબળા રોડ બેસી જા્યા તેમ મંદીથી અર્થતંત્ર બેસી જાય છે, જે થીંગડા લગાવતા ઉભું થતું નથી. ગ્રાહક તરીકે ચીજવસ્તુના ભાવો ન વધે તેવી આપણી ઇચ્છા હોય છે. અલબત, ભાવવધારો-ફુગાવો અર્થતંત્ર માટે સંજીવની સાબિત થાય છે. સરકારી અર્થતંત્રમાં લાયસન્સરાજ, ઇન્સ્પેકશરરાજ, રેડ ટેપિઝમ જેવા બમ્પ અને સ્પિડબ્રેકર અર્થતંત્રની ગતિને નિયંત્રિત
કરી દે છે. કોઇના હાથપગ બાંધી સ્વિમિંગ પુલમાં તરવા ઉતારીએ એવી અર્થતંત્રની દશા થાય છે.
શેરબજાર બેકાબુ આખલાની જેમ ઊંચું જાય. સેન્સેકસ-નિફટીમાં રેકોર્ડબ્રેક વધારો થાય એટલે અર્થતંત્ર દુરસ્ત છે તેમ માની શકાય નહીં.
અર્થતંત્રમાં વિકાસને માપના માટે કેટલાક માપદંડ છે. દેશમાં કેટલા દવાખાના છે, વસતિ દીઠ કેટલા પોલીસ, ડૉકટર છે, માથાદીઠ આવક કેટલી છે, માથાદીઠ કેટલો વીજ વપરાશ છે, કેટલું માથાદીઠ દેવું છે, કેટલા કિલો લોટ, દાળ કેટવા ઇંડા, બટર, બ્રેડનો ઉપયોગ કરવામાં આવે છે, વ્યક્તિગત બાથરૂમ કેટલાં છે, આંતરમાળખાકીય સુવિધા કેવી છે તેના આધારે અન્ય દેશોની સરખામણીએ અર્થતંત્ર મજબૂત છે કે ચાઇનીઝ ચીજ જેવું તકલાદી છે તેની ખબર પડે છે.
અર્થતંત્ર મજબૂત છે કે તકલાદી તેની ચકાસણી માટે લિપસ્ટિક ઇન્ડેકસનો સહારો લેવામાં આવે છે એવું હું કહું તો તમે શું માનશો?
‘દિલ તો પાગલ હૈ’ની જેમ જ લેખક પાગલનો સરદાર છે એમ છડે ચોક કહેશોને?
‘બટ માય ડિયર, હરગિજ એવું નથી. લિપસ્ટિકના નામે ઓળખાતી સ્ટિકના આંટા ફેરવો એટલે લાલ, ગુલાબી , પર્પલ કલરની લિપસ્ટિક દેખાય.કવિ માધવ રામાનુજની કવિતાની પંક્તિની માફક માનૂનીઓ બાવળના બડૂકા જેવા કોમળ કરથી લિપસ્ટિક હળવે હળવે હાથે ઋુજુતાથી મુલાયમ પીંછાની જેમ હોઠ પર ફેરવે. (હાય હાય લિપસ્ટિકનું નસીબ. ઇર્ષા આવે છે!)
લિપસ્ટિક લગાવતી વખતે અધરકોણ (કાટકોણ, ત્રિકોણ, ષષ્ઠકોણની માફક અધરકોણ. અધરકોણ એટલે હોઠના ખૂણા!) લાંબા – ટૂંકા કરે . સેલ્ફી લેતી વખતે હોઠ વાંકાચૂંકા કરી ચૂંઇંગ એવો અવાજ કરવામાં આવે છે.
આવી આ ટચૂકડી લિપસ્ટિકથી દેશના અર્થતંત્રનો ગ્રોથ કે ફોલ નક્કી કરી શકાય એ માની શકાય એવું નથી. આમ છતાં ,તમને જાણીને નવાઇ લાગશે કે ચાલીસથી ચાર લાખ રૂપિયે મળતી લિપસ્ટિક ઇન્ડસ્ટ્રીનું વોલ્યુમ ૪૯,૫૬૮.૮૮ મિલિયન રૂપિયા છે.ભારતમાં નવ ટકાના દરે લિપસ્ટિક
ઇન્ડસ્ટ્રી ગ્રોથ કરે છે. જગતમાં ૯,૦૦,૦૦,૦૦,૦૦૦ નંગ (૯૦૦ મિલિયન નંગ ) લિપસ્ટિકનું વેચાણ થાય છે! જો પુરુષો પણ જો પોતાના હોઠ પર લિપસ્ટિક ફેરવવાનું શરૂ કરે તો તો લિપસ્ટિક ઇન્ડસ્ટ્રી આસમાને પહોંચશે! ‘એસ્ટી લોડર ના સીઇઓ ફેબ્રેજીયો ફ્રેડાએ અર્થતંત્રમાં મંદી દરમિયાન લિપસ્ટિકના વધેલા વેચાણના વલણને આધાર લઇ ‘લિપસ્ટિક ઇન્ડેકસ’ બનાવ્યો હતો.મંદી દરમિયાન ન જાણે કેમ, આશ્રર્યજનક રીતે લિપસ્ટિકની ખરીદી વધી જાય છે.
મંદીમાં મોટા પ્રમાણમાં મોંઘા સૌંદર્ય પ્રસાધનની ખરીદીના સ્થાને નાના જથ્થામાં ખરીદી કરવાનું વલણ સ્થાપિત થાય છે. બીજી તરફ, તેજીમાં લિપસ્ટિકની ખરીદી સ્થિર દરે વધે છે.
બોલો, મંદી ભગાવવાનો ઉપાય મળી ગયો કે નહીં? અર્થતંત્ર નાભિ શ્ર્વાસ પર હોય ત્યારે અર્થતંત્રને દુરસ્ત કરવા મહિલાઓ છૂટા હાથે લિપસ્ટિક ખરીદ કરવા માંડે . ઘરમાં લિપસ્ટિક પડી હોય તેનું શું ? વેલ્, દેશના અર્થતંત્રનો સવાલ હોય ત્યારે આવી રીતે મગજ નહીં વાપરવાનું દિવસમાં એકવાર લિપસ્ટિક લગાવતા હો તો અર્થતંત્રના સમ આપીને દર અડધી કલાકે નહીં , પરંતુ અડધી મિનિટે કે કાચી સેક્ધડે લિપસ્ટિક લગાવો ‘લિપસ્ટિક ઇન્ડેકસ’ એટલો વધારો કે બેરોનિટરવો પારો બેરોમિટર તોડીને આકાશમાં છલાંગ લગાવે! હવે આપણું ‘સ્લોગન રહેશે કે લેડિઝો, કોરે હોઠ પર લિપસ્ટિક લગાવ અર્થતંત્ર બચાવ!’
જય લિપસ્ટિક ઇન્ડેકસ !