ટીનએજને લઈને કેમ ‘કોમા’માં જીવે છે સમાજ?
ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી – શ્ર્વેતા જોષી-અંતાણી
સવારના સાડા સાત વાગ્યા હતા. સ્કૂલ જવા તૈયાર થયેલી નીરા દબાતા પગલે મમ્મીના બેડરૂમ પાસે પહોંચી. હળવેથી દરવાજો સરકાવી જોયું તો રૂમનો બધો સામાન વેરવિખેર પડ્યો છે. ધીમે-ધીમે એ નીચે ડ્રોઈંગ રૂમમાં આવી તો પપ્પા સોફા પર બેભાન થયા હોય એવી રીતે ઊંઘી રહ્યા હતા. નિરાશ નીરા પોતાના રૂમમાં પાછી ફરી. સવારથી એને પણ થોડા ચક્કર આવી રહ્યા હતા. શરીર થાક અને નબળાઈથી તૂટી રહ્યું હતું. સ્કૂલ નહીં જાય તો મમ્મી-પપ્પા ઉઠતાવેંત બરાડા પાડશે એની પાક્કી ખાતરી હોય એણે ગુલ્લકમાંથી સો રૂપિયાની નોટ કાઢી અને યુનિફોર્મના પોકેટમાં રાખી દીધી. બેગ ગોઠવી સ્કૂલ બસ પકડવા માટે જઈ રહી હતી ત્યાં જ દરવાજાની બરાબર વચ્ચે સરોજ ગોઠવાય ગઈ:
નીરા બેટા, નાસ્તામાં આલુપરાઠા બનાવ્યા છે. ચાલ,પહેલા એ ખાય લે. બસ આવવાને તો હજુ ઘણીવાર છે. ‘નીરાએ ઊંડી, ઉદાસ નજરે સરોજ સામું જોયું. ના આંટી, મને આજે ભૂખ નથી’ કહી બહાર નીકળવા લાગી. સરોજે ધરાર ટિફિન બોક્સ એની બેગમાં નાખ્યો ના નાખ્યો ત્યાં નીરા સ્કૂલ જવા નીકળી પડી.
સરોજ વિચારવા લાગી, ‘આ બાપડી મા-બાપના રોજના ઝગડા જોતી તેર વર્ષની ઉંમરમાં પણ કેટલી મોટી બની ગઈ છે.’
સરોજ છેલ્લા દસેક વર્ષથી નિહાર-નિમ્મીને ત્યાં કામ કરતી. બન્ને મલ્ટીનેશનલ કંપનીમાં ઉચ્ચ હોદ્દાઓ પર કાર્યરત. નીરા એમનું એક માત્ર સંતાન. કોઈપણ ચીજની ક્યારેય કમી નહીં, પણ બન્ને એકબીજાને એક નજરે પણ સાંખી શકતા નહીં. બન્ને વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ડિવોર્સ માટેના ઝગડા સતત ચાલી રહ્યા હતા અને એમાં પણ દીકરીની જવાબદારી કોણ ઉઠાવશે એ માટે તો ગમે ત્યારે ઘરમાં યુદ્ધ મેદાન રચાય જતું. બિચારી નીરા રોજ ઘેર આવી પોતાના રૂમમાં પુરાય જતી. એક સરોજ હતી કે જેની સાથે કંઈક વાત એ કરતી રહેતી. બાકી તો સાવ એકલી એકલી કંટાળતી.
નીરા આમને આમ તેર વર્ષની થઈ ચૂકેલી. સરોજનું મગજ વિચારતું રહ્યું અને હાથ કામ કરતા રહ્યા. નિહાર-નિમ્મી પણ પોતપોતાની રીતે ઓફિસ ચાલ્યા ગયા. લગભગ બારેક વાગ્યે સ્કૂલથી ફોન આવ્યો કે ‘તમે જલ્દી હોસ્પિટલ પહોંચો નીરાને ઈજા થઈ છે.’ હોસ્પિટલ પહોંચતા જ ખબર પડી કે સીડી પરથી પડવાને લીધે નીરા અત્યારે આઇસીયુમાં છે અને એના ઓપરેશનની તૈયારી ચાલી રહી છે. માથામાં લાગેલા ઊંડા ઘાનું ઓપરેશન થયું, પણ નીરા કોમામાં સરી પડી.
નિહાર-નિમ્મી સ્તબ્ધ બની ગયાં. જીવનમાં પહેલીવાર દીકરી પર ધ્યાન ગયું. એવો ઝટકો લાગ્યો કે એની કળ વળવી મુશ્કેલ થઈ પડી.
સરોજ તો આઘાતમાં સરી પડેલી. રોજ માંડમાંડ હોશ સંભાળી બિચારી કામે ચડતી. એક દિવસ હિંમત કરીને એણે કહી દીધું કે, હવે મારાથી અહીં કામ થશે નહીં. આ ઘર નીરાની સીસકારીઓથી ભરેલું છે. નાનપણથી એકલા એકલા સહમી રહેતી એને મેં જોઈ છે.
ઘરમાં રોજ છુપાયને રોતી રહેતી એની હું સાક્ષી છું. મને ક્યારેક મન થઈ આવતું કે એને લઈને ભાગી જઉં, પણ એવી હિંમત નહોતી.
કાશ! એ કેળવી લીધી હોત તો નીરા આજે હોસ્પિટલના બિછાને જીવન-મરણ વચ્ચે ઝોલા ના ખાતી હોત. નિહાર-નિમ્મી પાસે કહેવા માટે કંઈ બચ્યું નહોતું. નીરાના રૂમમાં જવાની હિંમત પણ થતી નહોતી, પણ નિમ્મીને એની સ્કૂલબેગમાંથી એક ડાયરી મળેલી, જે ખોલવાની પહેલીવાર એણે હિંમત કરી. એમાં લખ્યું હતું : ..મમ્મી-પપ્પા તમને હું ગમતી નથી.
તમે મને ક્યારેય ગળે વળગાડીને વ્હાલ નથી કરતા. હું જ્યારે મામા-માસી, ફોઈના ઘેર જઉં છું ત્યારે એ બધા જે રીતે મને વ્હાલ કરે છે એ જોઈને મને એમ થાય કે તમે કેમ મારી સાથે આ રીતે નથી રહેતા? તમને કેમ મારા માટે સમય નથી?
પપ્પા, મારે તમારી સાથે બહાર જવું હોય છે. તમને ત્યારે કેમ એવું થાય છે કે તમારી પાસે ફાલતુ ચીજ માટે સમય નથી? મમ્મી, મારે કેટલી બધી વાતો કરવી હોય છે, પણ તારી પાસે એવી નવરાશ નથી. મારે અહીંથી દૂર જતું રહેવું છે. એટલું દૂર કે જ્યાં તમારી રાડા-રાડીનો અવાજ ના આવતો હોય. હું જો મોટી હોત તો સાચે જ ચાલી જાત. હું તમને બન્નેને ખૂબ ચાહું છું, પણ તમે મને કેમ વ્હાલ નથી કરતા?
નીરાની ડાયરી છાતી સરસી ચાંપી નિમ્મી ધ્રુસ્કે-ધ્રુસ્કે રોઈ પડી. આ વાત માત્ર નીરાની નહીં એ દરેક ટીનએજરના ઘરની છે જ્યાં મા-બાપ હંમેશાં ઝગડતા રહે છે. આવા વાતાવરણમાં તરુણોની મનોસ્થિતિ ભાગ્યેજ સાબુત રહી શકે છે. મોટાભાગે તરુણ તૂટીને વિખેરાય જાય છે. જો તમે સારો ઉછેર નથી કરી શકતા તો બાળકને જન્મ આપવાનો અધિકાર પણ તમને નથી.
સારો ઉછેર માત્ર પૈસા, ભૌતિક સુખ-સગવડ અને સુવિધાઓથી નથી આવતો એ ધ્યાન રાખવું. તરુણની ભાવનાત્મક જરૂરિયાતોના સમયે તમે એની કેટલા નજીક છો એના પર ઘણો મદાર રહે છે. કારણ કે, તરુણ પોતાનું ધ્યાન રાખવા સક્ષમ નથી હોતા. મોટાભાગે એ જાત તરફ બહુ બેદરકાર હોય છે. ભલે શારીરિક ઉંમરથી મોટા થઈ ચૂક્યા હોય, પણ મા-બાપની કાળજીની જરૂરિયાત આ ઉંમરે એને સૌથી વધારે હોય છે. એ સમયે નીરા માફક નબળા પડેલા તરુણો ટકી શકતા નથી.
આ તો ઠીક છે કે નીરાને અકસ્માત નડ્યો, પણ અમુક તરુણ આત્મહત્યાનો સહારો લઈ લેતા પણ અચકાતા હોતા નથી.
ખેર, નીરા તો કદાચ કોમામાંથી બહાર આવી જશે, પરંતુ ટીનએજને લઈને જે આખો સમાજ કોમામાં જીવે છે એમને ક્યારે જાગૃતિ આવશે?