આમચી મુંબઈમહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર બીજેપી અધ્યક્ષના નિવેદને હોબાળો મચાવ્યો…

મુંબઈ: ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળે દ્વારા મહારાષ્ટ્રમાં પત્રકારો અને મીડિયાના વ્યક્તિઓ અંગે આપવામાં આવેલા નિવેદને હોબાળો મચાવ્યો છે. બાવનકુળેએ અહેમદનગરમાં ભાજપના કાર્યકરોને મીડિયા મેનેજમેન્ટ શીખવતી વખતે વાંધાજનક નિવેદનો આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે પત્રકારોને ઢાબા પર બોલાવો, તેમને ખવડાવો…જેથી 2024 સુધી કોઇ વિરોધી સમાચાર પ્રકાશિત ના કરે. આ નિવેદનની એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ છે. ત્યારબાદ બાવનકુળેએ કહ્યું હતું કે તેમના નિવેદનનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે.

ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળે મહાવિજય 2024 વિધાનસભા અધિકારી સંવાદ કાર્યક્રમમાં બોલી રહ્યા હતા. ત્યારે તેમણે કહ્યું હતું કે અમે આટલું સારું કામ કરીએ છીએ, પરંતુ તેઓ એવું કંઈક કરો કે જાણે ગામમાં બોમ્બ ફૂટ્યો હોય એમ લાગે બૂથ પર 4-5 પત્રકારો છે. તેમની યાદી બનાવો. તેમાં ઈલેક્ટ્રોનિક અને પ્રિન્ટવાળા લોકો પણ હશે. મહિનામાં એક વાર તેમને ઢાબા પર બોલાવો, તેમને ચા આપો. એટલે કે તેમને થોડા છાવરો જેથી કરીને 2024ના વિજય સુધી એક પણ વિરોધી સમાચાર ક્યાંય આવે નહી.

બાવનકુળે એ કહ્યું હતું કે મોદી સરકાર પાસે ઘણી નોંધપાત્ર સિદ્ધિઓ છે, પરંતુ તે પત્રકારો દ્વારા છુપાવવામાં આવી રહી છે. ભાજપના નેતાએ પત્રકારોના નામ લીધા ન હતા, પરંતુ ઈલેક્ટ્રોનિક મીડિયા અથવા પ્રિન્ટ સાથે સંકળાયેલા લોકો એ રીતે ઉલ્લેખ કર્યો હતો.

કોંગ્રેસના નેતા વિજય વડેટ્ટીવારએ બાવનકુળેની ટિપ્પણી પર તીખી પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે બધા જ પત્રકારો વેચાયેલા નથી. શું તમને લાગે છે કે પત્રકારો તમારા ટુકડાઓ પર જીવે છે? હું તમારા નેતાઓની અસ્વસ્થતા સમજી શકું છું. ટોચના સ્તરે અને સ્થાનિક સ્તરે આ બેચેની થાય એ સ્વાભાવિક છે કારણ કે તેઓ કોઇના અવાજને દબાવી શકતા નથી.

ભાજપના પ્રદેશ અધ્યક્ષના આ નિવેદન બાદ મહારાષ્ટ્રના પત્રકારો અને પત્રકાર સંગઠનોએ બાવનકુળેના નિવેદનની નિંદા કરી હતી. NCP સાંસદ સુપ્રિયા સુળેએ કહ્યું હતું કે ભાજપે ખુલ્લેઆમ જણાવવું જોઈએ કે લોકતાંત્રિક વ્યવસ્થા તેમને સ્વીકાર્ય છે કે નહીં. આવા બેજવાબદાર નિવેદનો માટે પત્રકારો અને જનતાની માફી માંગવી જોઈએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button