આમચી મુંબઈમહારાષ્ટ્ર

મહાયુતિની ‘લાડકી’, મહાવિકાસ આઘાડીની ‘ઓરમાઇ’


લાડકી બહેન બાદ લાડકા ભાઇ યોજના સામે વિપક્ષનો વાંધો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન તેમ જ નાણા પ્રધાન અજિત પવારે મહારાષ્ટ્રનું બજેટ રજૂ કર્યું તેમાં ગરીબ કલ્યાણ તેમ જ મહિલા અને ખેડૂતો માટે અનેક યોજનાઓની જાહેરાત કરવામાં આવી અને તેમાં પણ સૌથી વધુ ચર્ચા થઇ તે યોજના હતી મુખ્ય પ્રધાન લાડકી બહેન યોજનાની.

જોકે વિપક્ષે આ યોજના ફક્ત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી હોવાનું જણાવ્યું હતું અને તેનો જાહેરમાં વિરોધ કર્યો હતો. જોકે રાજ્યના બેરોજગાર યુવાનોની હાલાકીને સમજતા બુધવારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ લાડકા ભાઇ યોજના જાહેર કરી હતી, પરંતુ હવે વિપક્ષ દ્વારા આ યોજનાનો પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે.

રાજ્યના બારમું ધોરણ પાસ કરેલા બેરોજગાર યુવાનોને છ હજાર રૂપિયા, ડિપ્લોમા ધારક યુવાનોને આઠ હજાર રૂપિયા અને ગ્રેજ્યુએટ યુવાનો જેમની પાસે નોકરી ન હોય તેમને દસ હજાર રૂપિયા મહિને આપવાની લાડકા ભાઇ યોજના જાહેર કરવામાં આવી તેનો ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા અરવિંદ સાવંત દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: મહિલા મતદારોને લક્ષ્ય બનાવતી યોજનાઓ 2-3 મહિનામાં પૂરી થઈ જશે: ઉદ્ધવ ઠાકરે

અરવિંદ સાવંતે આ યોજનાને ચૂંટણીલક્ષી ગણાવતા જણાવ્યું હતું કે આ બધી જાહેરાતો ફક્ત ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહી છે અને ચૂંટણી માટેની સ્ટંટબાજી છે. મુખ્ય પ્રધાન ફક્ત જાહેરાતો કરી રહ્યા છે, પરંતુ આ યોજનાઓ અમલમાં લાવવા માટે નાણાભંડોળ ક્યાંથી લાવશે, તેવો સવાલ સાવંતે કર્યો હતો.

તેમણે સરકાર પર નિશાન સાધતા કહ્યું હતું કે રાજ્ય પર કરજ વધી રહ્યું છે ત્યારે આ યોજનાઓ માટે ભંડોળ ક્યાંથી લાવશે. સરકાર પાસે આપવા માટે નોકરીઓ નથી એટલે તેમણે પહેલાથી જ ચાલતી યોજનાઓની ફરી જાહેરાતો કરવી પડી રહી છે. સરકાર ફક્ત ભ્રષ્ટાચાર અને જાહેરાતો જ કરી રહી છે, એમ કહી સાવંતે સરકાર પર નિશાન સાધ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button