શ્રીલંકાના ભૂતપૂર્વ ક્રિકેટરની પત્ની-બાળકોની સામે ગોળી મારીને હત્યા
કોલંબો: શ્રીલંકાના ગૉલ શહેરમાં નજીક અંબાલાનગોડા નગરમાં ભૂતપૂર્વ શ્રીલંકન ક્રિકેટર અને અન્ડર-19 ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન ધામ્મિકા નિરોશાનાની મંગળવારે રાત્રે હત્યા કરવામાં આવી હતી. 41 વર્ષનો નિરોશાના ઘરની બહાર હતો ત્યારે આ જીવલેણ ઘટના બની હતી.
નિરોશાના પર રાત્રે હુમલો થયો ત્યારે તેની પત્ની અને બે બાળકો ઘરમાં જ હતા. બધા ઘરમાં જ હતા અને નિરોશાના ઘરની બહાર હતો ત્યારે એક અજાણી વ્યક્તિએ નિરોશાનાને નિશાન બનાવ્યો હતો. પોલીસે હુમલાખોરને શોધી રહી હતી અને સઘન તપાસ શરૂ કરી દેવામાં આવી હતી. હુમલા પાછળનો ઇરાદો શું હતો એ પણ બહાર નહોતું આવ્યું.
નિરોશાનાને શ્રીલંકા વતી નહોતું રમવા મળ્યું, પરંતુ તેના સમયમાં તે ડોમેસ્ટિક ક્રિકેટમાં ટૅલન્ટેડ ઑલરાઉન્ડર તરીકે ઓળખાતો હતો. તે રાઇટ-આર્મ ફાસ્ટ બોલર અને બૅટર હતો.
આ પણ વાંચો : ભારત સામેની સિરીઝ પહેલાં જ શ્રીલંકાના ઑલરાઉન્ડરે કૅપ્ટન્સી છોડી
2001થી 2004 દરમ્યાન તેણે 20 ડોમેસ્ટિક મૅચમાં 300 રન બનાવ્યા હતા અને 19 વિકેટ લીધી હતી. 2000ની સાલમાં તેણે શ્રીલંકા અન્ડર-19 ટીમમાં ડેબ્યૂ કર્યું હતું અન્ડર-19 ટેસ્ટ તથા વન-ડે ક્રિકેટ પણ રમ્યો હતો. તે શ્રીલંકાની અન્ડર-19 ટીમનો કૅપ્ટન હતો ત્યારે ઉપુલ થરંગા અને ફરવીઝ માહરુફ જેવા જાણીતા શ્રીલંકન ખેલાડીઓ તેની કૅપ્ટન્સીમાં રમ્યા હતા. પીઢ ઑલરાઉન્ડર ઍન્જેલો મૅથ્યૂઝ સાથે પણ નિરોશાના રમ્યો હતો.