પીલીભીતથી વારાણસી સુધી ગોમતીના કાંઠેથી અતિક્રમણ અને પ્રદૂષણો દૂર કરવામાં આવશે…
પીલીભીતઃ ભારતની કેટલીક પ્રદૂષિત નદીઓમાં યમુના બાદ ગોમતી નદીને ઉલ્લેખ કરવામાં આવે છે. તેનું મુખ્ય કારણ છે નદીના કાંઠે વસેલા શહેર લખનઉ, વારાણસી, સીતાપુર અને પીલીભીત છે. આ તમામ શહેરોમાં ગોમતી નદીનું પાણી પહોંચે છે પરંતુ આ શહેરોમાં સૌથી વધારે ધાર્મિક સ્થળો આવેલા હોવાના કારણે અહી લોકો બારેમાસ આવતા હોય છે અને આ કારણથી પણ નદી પ્રદૂષિત થાય છે અને કિનારાના વિસ્તારોમાં દબાણ વધે છે.
લખનઉ શહેરમાં આવેલો ગોમતી નદીનો કિનારો પ્રદૂષણ અને ગંદકીના કારણે જાણે સાવ નિર્જીવ બની ગયો છે. ત્યારે નદી કાંઠાના વિસ્તારોનો વિકાસ કરવાનો સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંતર્ગત પીલીભીતથી વારાણસી સુધી નદીની બંને બાજુના 100 મીટર વિસ્તારને પૂરના મેદાન તરીકે જાહેર કરવામાં આવ્યો છે.
જિલ્લાના મધોટાંડા વિસ્તારમાં ગોમતીના ઉદગમથી વારાણસી સુધી જતી ગોમતી નદીમાં સતત વધી રહેલા અતિક્રમણ અને પ્રદૂષણને રોકવા માટે પર્યાવરણવાદીઓ દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસો હવે ફળી રહ્યા છે. ગોમતી નદીનું ઉદ્ગગમ સ્થાન પીલીભીતમાં છે અને વારાણસીના સૈયદપુર કેથીમાં ગંગા નદીમાં જોડાય છે. અંદાજે 960 કિ.મી. લાંબી નદીના કિનારે ઘણી જગ્યાએ અતિક્રમણ વધી ગયું છે.
જેના કારણે ગોમતી નદી પ્રદૂષિત થઈ રહી છે, અને જ્યારે ગોમતી નદી ગંગામાં ભળે છે, ત્યારે તે ગંગાને પણ પ્રદૂષિત કરે છે. આવી સ્થિતિમાં પર્યાવરણ પ્રેમીઓ લાંબા સમયથી કડક નિયમો બનાવવાની પેરવી કરી રહ્યા હતા. જેની અસર હવે જોવા મળી રહી છે. ગોમતી નદીની બંને બાજુએ 100 મીટરની ત્રિજ્યાને પૂરના મેદાન તરીકે જાહેર કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે પહેલા આ રેન્જ માત્ર 50 મીટરની હતી. જો કે અગાઉ થઈ ગયેલા અતિક્રમણ સામે કોઈ ચોક્કસ કાર્યવાહી કરવામાં આવી ન હતી.
ઉલ્લેખનીય છે કે ફ્લડ પ્લેન ઝોન એ કોઈપણ નદીનો તે વિસ્તાર છે, જ્યાં કોઈપણ પ્રકારનું બાંધકામ, અતિક્રમણ, વ્યાપારી અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓ અને પ્રદૂષણ ફેલાવતી પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ છે. સાથે જ આ વિસ્તારમાં પહેલાથી જ રહેલા અતિક્રમણ વગેરે પણ દૂર કરવામાં આવશે. આ કામગીરીની જવાબદારી જિલ્લાના સિંચાઈ વિભાગ દ્વારા કરાવામાં આવશે.