ઈન્ટરવલ

વેર- વિખેર- પ્રકરણ -૧૨

પૈસા સાથે સુખ આવે એ જરૂરી નથી અને પૈસાને સુખ માનવાની તો ભૂલ કરતી જ નહીં. એમ તો તને જોઈને એવો જ વિચાર આવે કે આવી સુંદર- યુવા- બુદ્ધિશાળી છોકરી, જીવનનો અંત લાવવાનું શા માટે નક્કી કરે?

કિરણ રાયવડેરા

‘સર જગમોહન દીવાન બોલ કે કોઈ આદમી આયા હૈ… ઈમરજન્સી કેસ લે કે…’
બીજી જ પળે એ કારકુનનો ચહેરો પડી ગયો. ડીને જે પણ કહ્યું હોય એની એ જડસુ ક્લાર્ક પર જાદુઈ અસર થઈ.

‘સર, માફ કીજીયેગા…’ કહીને પેલો તો એની જગ્યાએથી ઊછળ્યો.

છોકરાને તુરત જ પોતાના હાથમાં લઈને એણે સામે રહેલા એક સ્ટ્રેચર પર સુવડાવ્યો. દૂર ઊભેલી એક નર્સને બોલાવીને સ્ટ્રેચરને તાબડતોબ ઑપરેશન થિયેટર પર લઈ જવા કહ્યું. પછી ઈન્ટરકોમમાં એક નંબર ડાયલ કરીને બોલ્યો- ‘ડોકટર કુલકર્ણી, તમે તાત્કાલિક ઑપરેશન થિયેટર પહોંચે, એક ઈમરજન્સી કેસ છે. ડો. ચૌધરી પણ પહોંચે છે.’

બધું જ પલકવારમાં બની ગયું. એક જુનિયર ડોકટર દોડતો દોડતો આવીને સ્ટ્રેચરને લિફ્ટ તરફ લઈ જવામાં નર્સની મદદ કરવા લાગ્યો. ચાલતાં ચાલતાં જ એ સ્ટેથોસ્કોપથી બાળકના ધબકારા તપાસવા લાગ્યો.

ડીન ડો. ચૌધરી પણ સામેથી આવતા દેખાયા :
‘સોરી, જગમોહન… તે મને ફોન કરી દીધો હોત તો હું પોતે ઓ.ટી. રેડી રાખત ને…’

જગમોહન પાસેથી ડો. ચૌધરી દુર્ઘટનાનું વિશે જાણી લીધું . ડો. ચૌધરીએ એને સાંત્વન આપ્યું અને ક્લાર્કની ઉદ્ધતાઈ બદલ માફી માગી. ક્લાર્ક તો ડો. ચૌધરીને જોઈ જાણે અલોપ થઈ ગયો હતો.
‘તમે બંને મારી ચેમ્બરમાં બેસી શકો છો. હું થોડી વારમાં તમને રિપોર્ટ આપું છું.’ ડો. ચૌધરીએ કહ્યું.

‘નો… ઈટ ઈઝ ઓ.કે… અમે ઓ.ટી.ની બહાર ઊભા રહેશું .’ જગમોહને કહ્યું.

જગમોહને અને ગાયત્રી બંને ડો. ચૌધરીને ઓપરેશન થિયેટરમાં દાખલ થતા જોઈ રહ્યાં.

છોકરો બચી જાય તો સારું. બંનેના મનમાં એક જ વિચાર ઘોળાતો હતો.

જગમોહને પોતાના હાથ સામે જોયું. બંને હાથ લોહીથી ખરડાયેલા હતા. ગાયત્રીને હાથ દેખાડીને એ બોલ્યો: ‘એવું લાગે છે જાણે હું રંગે હાથે પકડાયો હોઉં.’

‘ના, એવું લાગે છે જાણે તમારા હાથમાં વરસો બાદ કોઈ ઉદ્દેશ્ય આવ્યો હોય… વિચારો, છોકરાને બદલે કદાચ તમારા જ લોહીથી તમારું આખું શરીર ખરડાયેલું હોત… પણ વિધિના ખેલ જુઓ.’
‘ખરેખર, ગાયત્રી, વિધિએ કેવી વિચિત્ર રમત આદરી છે. નીકળ્યો હતો મારું લોહી રેડવા અને હાથમાં લાગ્યું આ છોકરાનું રક્ત…’

જગમોહન થાકી ગયો હતો. ઘણાં વરસો બાદ એ આટલો બોજ ઊંચકીને ચાલ્યો હતો- ના, દોડ્યો હતો.સીડી ચડતી વખતે કે વજન ઊંચકતી વખતે એને એની વધતી જતી ઉંમરનો અહેસાસ થયો. એટલે બને તેટલી સીડી ચડવાનું એ ટાળતો… પણ આજે પરસ્થિતિ જુદી હતી. આજે વરસો બાદ આટલું વજન ઊંચકીને પણ એ હાંફ્યો ન હતો. અલબત્ત , થાક્યો જરૂર હતો, પણ થકાનમાં તો ઘણાં કારણ હતાં. કાલ રાતનો ઉજાગરો હતો, પણ થાકની સાથે સંતોષની લાગણીનો પણ હતી.

‘કાકુ, આઈ એમ પ્રાઉડ ઑફ યૂ… મારા કાકુ તમારા જેવા જ હોય… વાહ, તમે છોકરાને ઉપાડયો એજ ક્ષણથી મને વિશ્ર્વાસ બેસી ગયો હતો કે હવે એ બચી જશે. એક પળ માટે એમ લાગતું હતું જાણે તમારામાં ભગવાનનો વાસ થયો.’

ગાયત્રીની ભીની આંખો વધુ ભીની થતી હતી. ‘ગાયત્રી, હું ઘરેથી મરવા નીકળ્યો હતો, કોઈનું ખૂન કરવા નહીં. એ છોકરાએ મારા પગ પાસે દમ તોડ્યો હોત તો હું આટલા જબરદસ્ત ગુનાનો ભાર લઈને મરી પણ ન શકું. એટલે તું કહી શકે છે કે મેં જે કર્યું એ મારા સ્વાર્થ માટે કર્યું, મારી જાતને અપરાધની ભાવનાથી બચાવવા કર્યું.’

‘જે પણ હોય… હવે એ બચી જાય તો સારું.’

‘યસ, લેટ અસ હોપ ગાયત્રી, આપણે ખુદ મરવાનો વિચાર કરી શકીએ પણ કોઈ નાનકડી જિંદગીને પણ મરતાં ન જોઈ શકીએ.’

‘કાકુ, મેં પહેલાં પણ કહ્યું હતું કે તમે એક ખૂબ સારા માણસ છો. આખી જિંદગી રાહ જોઈએ તો પણ તમારા જેવા સારા માણસનો ભેટો ન થાય.’
‘હા, પણ તારી સાથે તો ભેટો થઈ ગયો. અને કેવો વિચિત્ર મેળાપ થયો! તને મળ્યોે છું ત્યારથી કંઈ ને કંઈ બનતું આવે છે. તું છોકરી નથી, આફતનું એક નાનકડું પાઉચ છો ! ’
ગાયત્રી હસી પડી પણ પછી એ બંને હોસ્પિટલના ઑપરેશન થિયેટરની બહાર ઊભાં છે એ યાદ આવતાં છોભીલી પડી ગઈ.

‘ઓહ, આઈ એમ સોરી…’
ત્યાં જ ઓ.ટી.નો દરવાજો ખૂલ્યો. એક નર્સ નીકળીને એમની પાસેથી ઝડપથી પસાર થઈ ગઈ.
ગાયત્રી એને પૂછવા જતી હતી પણ જગમોહને એને વારી:
‘કોઈ અર્થ નહીં સરે.. એ કંઈ નહીં બોલે…’ જગમોહન બોલ્યો.

‘કાકુ, તમે ખરેખર આટલા વગદાર માણસ છો? આ હોસ્પિટલનો ડીન તમારી સાથે કેવો નરમઘેંશ થઈને વાત કરતો હતો.’

જગમોહન ચૂપ રહ્યો.
‘કાકુ, મને ખરેખર નવાઈ લાગે છે કે તમારા જેવો શ્રીમંત, રોફદાર માણસ જીવન ટૂંકાવવાનો નિર્ણય શા માટે લે?’

‘કેમ? પૈસા સાથે સુખ આવે એ જરૂરી નથી અને પૈસાને સુખ માનવાની તો ભૂલ કરતી જ નહીં. એમ તો તને જોઈને એવો જ વિચાર આવે કે આવી સુંદર, યુવા બુદ્ધિશાળી છોકરી, જીવનનો અંત લાવવાનું શા માટે નક્કી કરે?’

‘કેમ, નાની વયની વ્યક્તિને દુ:ખ ન હોય એવું કોણે કહ્યું? પણ કાકુ, એટલું ચોક્કસ કે હું હંમેશાં તમારા જેવી વ્યક્તિની રાહ જોતી રહી, જે મારો હાથ પકડીને મને દોરે… તમે આવ્યા તો પણ છેલ્લે છેલ્લે…’

‘એમ તો તું પણ મને વહેલી મળી હોત તો…’

જગમોહન આગળ બોલે એ પહેલાં જ ઓ.ટી.નો દરવાજો ખૂલ્યો. સફેદ એપ્રનમાં સજ્જ ડો. ચૌધરી બહાર આવ્યા :
‘વેલડન, જગમોહન, તમે એક બાળકની જિંદગી બચાવી… છોકરાનાં મા-બાપ તને દુઆ આપશે. હજી બેહોશ છે. દોઢ-બે કલાકમાં હોશ આવી જશે.’
‘ડોકટર, અમારું અહીં રહેવું જરૂરી છે?’ જગમોહને પૂછયું :
‘અમે એક જરૂરી કામે નીકળ્યાં છીએ, જો તમને વાંધો ન હોય તો અમે રજા લઈએ. મારી ઑફિસે ફોન કરી દેશો તો કામથ અહીંનો હિસાબ સેટલ કરી આપશે.’

‘અરે એ શું બોલ્યા? જગમોહન, તારા ઉપકારો હજી હું ભૂલ્યો નથી પણ એક રિકવેસ્ટ કરું? છોકરો હોશમાં આવશે તો અમે શું કહેશું? એક વાર એને મળીને જાઓ તો સારું લાગશે. એટલીસ્ટ, એ એની જિંદગી બચાવનારનો ચહેરો તો જોઈ શકશે.’

ગાયત્રીએ તરત જ જગમોહનનો હાથ દબાવ્યો ને ડોકટરની વાતમાં સૂર પુરાવ્યો :
‘ડોકટરજી સાચું જ કહે છે. એવી પણ શું ઉતાવળ છે? આપણે બે કલાકમાં કામ પતાવવાનું હતું. હવે ચાર કલાક થશે. શો ફરક પડે છે! તમારું- આપણું કામ તો પતશે જ…’ ગાયત્રી વચમાં બોલી.
‘યસ, જગમોહન, મારી પણ એ જ ઈચ્છા છે. જો બહુ નુકસાન ન થતું હોય તો.’

જગમોહને ધારદાર નજરે ગાયત્રી સામે જોયું. આ છોકરી શું કરવા બેઠી છે? અહીંનું કામ તો પતી ગયું છે તો પછી છોકરાની સામે આપણી ભલમનસાઈનું પ્રદર્શન કરવાનો શું અર્થ! પણ હવે જીદ કરીને નીકળી જવું અજુગતું લાગશે. મેટ્રો સ્ટેશન પર પહોંચતા બીજા બે કલાક મોડું થશે, એણે વિચાર્યું.

‘તમને વાંધો ન હોય તો મારી ચેમ્બરમાં બેસો.’ ડો. ચૌધરી વાક્ય પૂરું કરે એ પહેલાં જ જગમોહન બોલી ઊઠ્યો :
નહીં, અમે હોસ્પિટલના કાફેમાં બેઠાં છીએ… છોકરો હોશમાં આવે તો કહેવડાવજો…. અને હા, પોલીસ કેસ…’
‘નો વે, જગમોહન, મેં અહીં બધાને સૂચના આપી દીધી છે. તમે બિલકુલ ચિંતા નહીં કરતા.’

‘થેન્ક યુ… ડોકટર.’ કહી ચૌધરી સાથે બંને હાથ મિલાવીને છૂટાં પડયાં. બંને બહાર નીકળ્યાં ત્યારે રિસેપ્શનમાં બેઠેલા ક્લાર્કે એક જોરદાર સલામ મારી. ગાયત્રી એનું હાસ્ય ખાળી ન શકી.
‘તો કાકુ, ધાબાની ચા ના ફાવી એટલે હવે કાફેની કોફી પીએ…’ ગાયત્રી લુચ્ચું હસતાં બોલી.

જગમોહન ગંભીર રહ્યો.

આટલાં વરસો સુધી જિંદગીભર હાથતાળી આપી, અને હવે છેલ્લે મૃત્યુ પણ હાથ મિલાવવા તૈયાર નથી. અંત પાછળ ઠેલાતો રહે છે… પણ એમ હું હતાશ થઈને પ્લાન પડતો મૂકી દઉં એવો નથી. જોઉં છું મારી અને કુદરત વચ્ચેની આ રમતમાં કોણ જીતે છે. આ ફાંટાબાજ કુદરત કેટલી વાર મને બચાવશે એ હું જોઉં છું. એને ખબર નથી કે આ જગમોહન દીવાનનો નિર્ણય છે.
જગમોહન દીવાનની અંદર રહેલાં બિઝનેસમેને હુંકાર કર્યો.

‘ચાલ ગાયત્રી, કાફેમાં જઈને થોડું ખાઈ પણ લઈએ.’ હવે જ્યારે કોઈ વિકલ્પ નથી તો પરિસ્થિતિને સ્વીકારવામાં જ ડહાપણ છે એવું વિચારીને જ જગમોહન બોલ્યો.
‘હા, ભૂખ તો મને પણ લાગી છે. સવારથી નાસ્તો નથી કર્યો.’

‘તું તો બોલ જ નહીં. સવારના પાણી પીવાની છેલ્લી ઈચ્છા કરી ત્યારથી બધી મુસીબત ઊભી થઈ છે.’ જગમોહને કૃત્રિમ ગુસ્સો કરતાં કહ્યું.

‘જુઓ… જુઓ કાકુ, તમે મારી છેલ્લી ઈચ્છા પૂરી કરવાનું પ્રોમિસ આપ્યું હતું.’
‘ઓકે… ઓકે… ચાલ, પેટપૂજા પણ કરીએ. મરવા માટે પણ શક્તિની જરૂર પડશે ને!’

‘હા કાકુ, મારાથી તો ખાલી પેટે કોઈ કામ ન થાય, મરવાનું કામ પણ નહીં.’ ગાયત્રીએ હળવી ટીખળ કરતાં કહ્યું.

બંને હોસ્પિટલની ભોંયતળિયે આવેલી કાફેમાં ઘૂસ્યાં. પેશન્ટોના અમુક સગાંસંબંધીઓ છૂટાછવાયા બેઠાં હતાં.

ખૂણાના એક ટેબલ પર બંને ગોઠવાયાં. બે પ્લેટ ચીઝ સેન્ડવીચ અને કોફીનો ઓર્ડર આપીને જગમોહને આજુબાજુ નિરીક્ષણ કર્યું. એને દૂરથી રિસેપ્શનમાં બેઠેલો ક્લાર્ક દોડતો આવતો દેખાયો.
‘સા’બ, આ ફોર્મમાં છોકરાંના બાપનું નામ લખવું પડશે… એમાં ઘરવાળાની સહી પણ જોઈશે.. ઑપરેશન પહેલાં જ આ વિધિ થઈ જવી જોઈએ… પણ…’

જગમોહન અને ગાયત્રી એકબીજાને જોવા લાગ્યાં. ‘અરે પણ આ તો અકસ્માતનો કેસ છે… એનાં મા-બાપ કોણ છે એની અમને થોડી ખબર છે!’ જગમોહન અકળાઈને બોલ્યો, તમે ચૌધરીને પૂછો.’

‘સા’બ, હું બડા સા’બને પૂછવા નહીં જાઉં. મારા પર તો ખૂબ જ ભડકી ગયા છે. હમણાં હું એમની સામે આવીશ તો મને નોકરીમાંથી કાઢી મૂકશે.’ પેલો નીચું જોઈને બોલ્યો.
જગમોહને ફોર્મ હાથમાં લીધું અને બાપની જગ્યાએ પોતાનું નામ લખીને ને ફોર્મ પરત કર્યું.

‘કાકુ, તમને પોતાનું નામ આપતાં ભય ન લાગ્યો?’

‘ગાયત્રી, એ લોકો મારું શું બગાડી લેશે! મારી ભૂલ માટે મને ફાંસીએ લટકાવી દેશે? મારે તો એ જ જોઈએ છે. એક વાર અંત નિશ્ર્ચિંત હોય અને કોઈ પણ પરિણામ માટેની તૈયારી હોય પછી ડરનો પ્રશ્ર્ન જ નથી રહેતો.’
‘હંમમ, વાત સાચી છે. કોઈ પણ ખરાબ પરિણામ સ્વીકારવાની તૈયારી હોય તો ડર અદૃશ્ય થઈ જાય.’
‘અને ગાયત્રી, હજી પણ આપણે ત્યાં પૈસાથી ઘણા પ્રોબ્લેમ હલ થઈ જાય છે.’

‘તો તમારો પ્રોબ્લેમ કેમ હલ ન થયો?’ ગાયત્રનો એ હુમલો અણધાર્યો હતો. જગમોહન પણ એક વાર સડક થઈ ગયો.

‘હા, ગાયત્રી, તારી વાત ભલે કડવી લાગે પણ એની સચ્ચાઈ તો મારે સ્વીકારવી જ પડશે કે હું મારા પ્રોબ્લેમનો ઉકેલ ન શોધી શક્યો. પૈસાથી ઘણીબધી સમસ્યાનો તોડ નીકળતો હશે પણ…’ જગમોહને વાક્ય પૂરું ન કર્યું.

‘કાકુ, એક વાત પૂછું?’

જગમોહને હકારમાં માથું હલાવ્યું.

‘કાકુ, જીવનની નવેસરથી શરૂઆત કરવાનો વિચાર ક્યારેય ન આવ્યો?’

‘હા, આવ્યો, ઘણી વાર વિચાર્યું કે આ જિંદગી ઉપરવાળાની ભેટ છે, આપણે કોઈની ગિફ્ટને કદી ફેંકી દેવાનો વિચાર કરીએ? તો પછી જીવનને પણ શા માટે ફેંકી દેવું? પણ ગાયત્રી, પ્રત્યેક વાર હું હાર્યો અને છેલ્લે છેલ્લે તો વિશ્ર્વાસ બેસી ગયો કે હવે કોઈ રસ્તો બચ્યો નથી.’
‘ઓ. કે. કાકુ, સમજી ગઈ પણ સાંભળો. આપણી વચ્ચે એક સમજૂતી કરીએ.’

‘મારા મા..! .’ જગમોહન અકળાઈને બોલ્ય :
‘હવે તું કોઈ રમત રમવાની વાત નહીં કરતી.’

‘ના… ના… કાકુ, સાંભળો તો, આ કોઈ રમત નથી. હું માત્ર એ કહેવા માગું છું કે હવે જ્યાં સુધી આપણે મેટ્રો સ્ટેશન નથી પહોંચતા ત્યાં સુધી આપણે મરવાની-આપઘાતની વાત નહીં કરીએ. ઓ કે મંજૂર?’

ગાયત્રીએ પોતાનો જમણો હાથ જગમોહન તરફ લંબાવ્યો. જગમોહન વિચારમાં પડી ગયો.

ગાયત્રીની વાત ખોટી તો નથી જ. વારંવાર એક ને એક વાત કરીને શું ફાયદો?

‘કાકુ, હમણાં સુધી આપણે બોલબોલ કરતાં રહ્યાં પણ આપણા મકસદમાં ફાવ્યાં નહીં. હવે એક વાર એ વિષય પર વાત ન કરીને જોઈ લઈએ. બની શકે કે આપણી

મુરાદ જલદી પૂરી થઈ જાય! (ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button