ઉત્તર પ્રદેશના રાજકારણમાં નવાજૂનીના એંધાણ : નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યની જે. પી. નડ્ડા સાથે મુલાકાત
લખનઉ: લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ ઉત્તર પ્રદેશની રાજનીતિ સૌથી વધુ ચર્ચાનું કેન્દ્ર રહી છે. જો કે આ દરમિયાન ઉત્તર પ્રદેશના ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ (keshav prasad maurya) દિલ્હીમાં બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા (j. p. nadda) સાથે મુલાકાત કરી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર કેશવ પ્રસાદ મૌર્ય અને નડ્ડા વચ્ચે ઉત્તર પ્રદેશની વર્તમાન રાજકીય સ્થિતિને લઈને ચર્ચા કરવામાં આવી હતી. જો કે હાલ ભૂપેન્દ્ર ચૌધરી પણ દિલ્હીમાં જ છે અને ટૂંક સમયમાં તેઓ પણ જે. પી. નડ્ડા સાથે મુલાકાત કરે તેવી શક્યતાઓ છે.
ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથને મુખ્યમંત્રી પદેથી હટાવવાની ચાલી રહેલ ચર્ચાઓને સમયે કેશવ મૌર્ય અને નડ્ડા વચ્ચે થયેલી થયેલી બેઠક ઘણી સૂચક મનાય રહી છે. તાજેતરમાં જ મળેલી બેઠકોમાં યોગી આદિત્યનાથ અને કેશવ મૌર્ય વચ્ચેના મતભેદો સામે આવ્યા હતા. હાલ યોગી આદિત્યનાથ અધિકારીઓ સાથે બેઠક કરી રહ્યા છે. લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં ભાજપને કડવી હારનો સામનો કરવો પડ્યો છે અને આદિત્યનાથ હાલ ભાજપને મળેલી હારની સમીક્ષા કરવા માટે ભાજપના નેતાઓ સાથે પણ બેઠકો કરી રહ્યા છે.
યોગી આદિત્યનાથ અને કેશવ પ્રસાદ મૌર્ય વચ્ચેના ખટાશભર્યા સબંધો કોઇથી અજાણ્યા નથી. બંને નેતાઓ વચ્ચેના સંબંધો વણસ્યા હોવાના અહેવાલ છે. પરંતુ 2024ની લોકસભા ચૂંટણી બાદ ભાજપની અંદરનો વિખવાદ સામે આવ્યો છે. હાલમાં જ ભાજપના ઘણા નેતાઓએ યોગી આદિત્યનાથની સરકાર પર સવાલો ઉઠાવ્યા છે. અરવિંદ કેજરીવાલે પણ જેલમાંથી બહાર આવ્યા બાદ યોગી આદિત્યનાથને ટૂંક સમયમાં મુખ્યમંત્રી પદ પરથી હટાવી દેવામાં આવશે તેવી આગાહી કરી હતી.
2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથના ચહેરા પર ચૂંટણી લડી હતી અને ભાજપે 2022માં સતત બીજી વખત સરકાર બનાવી છે. યોગી આદિત્યનાથને ફરી બીજી વખત મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. આ એક એવી ઘટના હતી કે જ્યારે લગભગ 37 વર્ષ બાદ કોઈ પાર્ટીએ બીજી વખત સરકાર બનાવી હોય. કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠકને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે.