ઈન્ટરવલ

શું આ વખતે પણ બજેટ રડાવશે આમઆદમીને?

કવર સ્ટોરી -નિલેશ વાઘેલા

અંદાજપત્રમાં આ વખતે મધ્યમવર્ગને આવકવેરામાં રાહતની આશાના મિનારા વધુ ઊંચી સપાટી આંબી રહ્યાં હોવા છતાં, આ વખતે પણ ભારતના આમઆદમીને નાણાં પ્રધાન નિર્મલા સીતારામન નિર્દયતાનો પરિચય આપશે એવી આશંકા સેવાઇ રહી છે!!!

આપણે આ વિષયના પાછલા લેખમાં એવી આશા વ્યકત કરી હતી કે સરકાર મધ્યમવર્ગ પર ક્યારેય મહેરબાન બનવા માગતી નથી, પરંતુ અર્થતંત્રના ભલા માટે તેમ જ પાછલી લોકસભાની ચૂંટણીમાં પડેલા ફટકા સાથે સામે આવી રહેલી ચૂંટણીને ધ્યાનમાં રાખીને પણ સરકારે મજબૂરીમાં આમઆદમીને થોડી રાહત આપવી પડશે.

જોકે, આ સંદર્ભની સરકારી જાહેરાતો, સરકારના આમઆદમી સંદર્ભના ઓરમાયા જક્કી વલણ અને વિવિધ અર્થવિશ્ર્લેષકોના
મંતવ્યને જોતાં હવે એવું લાગે છે કે કાળઝાળ ફૂગાવા વચ્ચે પણ
કરરાહત સંદર્ભે મધ્યમ વર્ગને ફરીથી નિરાશાનો સામનો કરવો પડી
શકે છે.

આ વખતે તો નાગરિકો અને ઉદ્યોગ બંને વર્ગ, ખાસ કરીને ઓછી આવક ધરાવતા લોકો માટે રાહતની માગ અને ભલામણ કરી રહ્યા છે. જો કે, નિરીક્ષકો એવી શક્યતા વ્યક્ત કરી રહ્યાં છે કે સરકાર આ વખતે પણ રાજકોષીય અને આર્થિક વિકાસના બ્યૂગલ વગાડીને કરવેરાના લાભોને અભેરાઇએ ચડાવી શકે છે! સૌથી મોટી વોટ બેન્ક ગણાંતા ખેડૂતવર્ગ પર ખાસ મહેરબાની વરસાવશે!
સરકાર માત્ર લક્ષ્યાંકિત યોજનાઓ દ્વારા વૃદ્ધિ પર ફોકસ રાખવાની સૂફિયાણી વાતો કરશે. અર્થશાસ્ત્રીઓ હજુ ગ્રામીણ વપરાશી માગ વધારવા માટે કરવેરામાં રાહતની અસરકારકતા પર ચર્ચા કરી રહ્યા છે, પણ સરકારી તંત્રમાં આ અંગે કોઇ વિચારણાં ચાલી રહી હોય એવું જણાતું નથી.

આમઆદમી બાપડો બજેટની ઘોષણામાં આવકવેરામાં કપાતનાં સપનાં વર્ષ-દર-વર્ષ સતત જોતો રહે છે, પરંતુ વર્તમાન સરકારને માત્ર ઉદ્યોગ લોબી અને ખેડૂતો સિવાયના વર્ગ પ્રત્યે કોઇ અનુકંપા હોય એવું લાગતું નથી. આપણે ઇતિહાસ તપાસવા બેસીએ તો જાણવા મળે કે પગારદાર કરદાતાઓને હંમેશાં નિરાશા જ સાંપડી છે.

આ વખતે પગારદારોને રાહત આપવી જ પડે એવા તર્કબંઘ એકથી વધુ કારણો હોવા છતાં સરકાર એના મીજાજ પ્રમાણે ઇન્ફ્રાસ્ટકચર, રોડ, હાઇ વે, પોર્ટ અને રાજકોષીય શિસ્તને નામે નોકરિયાતોને નીચોવવાનું વલણ ચાલુ જ રાખતાં બજેટમાં નજીવા ફેરફારો કરે એવી આશંકા સેવાઇ રહી છે.

આમ છતાં અત્યંત મોંઘવારીના વાતાવરણમાં ટેક્સ કાપ માટે ભારતના મધ્યમ વર્ગમાંથી ફરી એકવાર અવાજો વધ્યા છે. આ વખતે, તે માત્ર આમ આદમી જ નથી, પરંતુ કોર્પોરેટ ઈન્ડિયા એટલે કે ભારતના અગ્રણી ઉદ્યોગો અને કંપનીઓએ પણ વ્યક્તિગત સ્તરે કર રાહતની હાકલ કરી છે.

અગ્રણી ઉદ્યોગ પ્રતિનિધિઓએ સૂચન કર્યું છે કે નાણા પ્રધાન નિર્મલા સીતારામન ૨૩ જુલાઈએ જ્યારે તેઓ આ નાણાકીય વર્ષ માટેનું સંપૂર્ણ અંદાજપત્ર જાહેર કરે ત્યારે તેમણે સૌથી નીચા સ્લેબમાં હોય તેવા લોકો માટે આવકવેરામાં રાહતનો વિચાર અમલમાં મુકાવો જોઇએ.

ટોચના ઉદ્યોગપતિઓ પણ માને છે કે, આવકવેરાના દરોમાં રાહત ભારતના સુસ્ત વપરાશના સ્તરને વધારવામાં મદદ કરી શકે છે જે બદલામાં કંપનીઓના નફાના સ્તરને અને આખરે એકંદર અર્થતંત્રને વેગ આપી શકે છે.

સામાન્ય ચૂંટણીઓમાં ભાજપની અપેક્ષા કરતાં ઓછી બેઠકોની જીત અને મહારાષ્ટ્ર જેવા મહત્ત્વનાં રાજ્યોમાં આગામી વિધાનસભા ચૂંટણીને પગલે ટેક્સ સ્લેબમાં ફેરબદલની અપેક્ષાઓને પણ વેગ મળ્યો છે. મોટાભાગના કરદાતાઓ ચાહેે છે કે કર દરોમાં બ્લેન્કેટ કટ સિવાય, ભારતમાં ફૂગાવાના દરને જોતાં કલમ ૮૦-સીમાં મુક્તિનું સ્તર વધવું જોઈએ.

જ્યારે હાલની કર-વ્યવસ્થાને અવ્યવસ્થિત રાખવામાં આવી છે, ત્યારે કેન્દ્રએ ૨૦૨૦માં તદ્દન નવા કર માળખાની જાહેરાત કરી હતી, જેમાં ગણતરીઓ સરળ બનાવવામાં આવી હતી અને મોટાભાગની કરમુક્તિઓ દૂર કરવામાં આવી હતી.

વર્ષ ૨૦૨૧માં આવકવેરામાં કોઈ રાહત આપવામાં આવી નહોતી અને ૨૦૨૨માં પણ પરિસ્થિતિ સમાન રહી હતી. ૨૦૨૩માં સરકારે નવી આવકવેરા પદ્ધતિને ડિફોલ્ટ વિકલ્પ બનાવ્યો, જેમાં મૂળભૂત મુક્તિ મર્યાદા રૂ. ૨.૫ લાખથી વધારીને રૂ. ત્રણ લાખ કરવામાં આવી અને નવા શાસનમાં સ્લેબ બદલાઈ ગયા.

આ પદ્ધતિમાં, જેમ કે, ત્રણ લાખ રૂપિયા સુધીની કમાણી કરનારાઓ પર કોઈ ટેક્સ નથી. ત્રણ લાખથી વધુ અને ૫ાંચ લાખ રૂપિયા સુધીની આવક પર રિબેટ પાત્રતા સાથે ૫ાંચ ટકા ટેક્સ લાગશે. છ લાખથી વધુ અને નવ લાખ રૂપિયા સુધીની આવક પર ૧૦ ટકાના દરે આવકવેરો લાગુ થાય છે.

એ જ રીતે, આ સ્લેબ વ્યવસ્થા હેઠળ ૧૨ લાખથી વધુ અને ૧૫ લાખ રૂપિયા સુધીની આવક પર ૨૦ ટકાના દરે ટેક્સ લાગે છે. ૧૫ લાખથી વધુની કરપાત્ર આવક ધરાવતા લોકો માટે ૩૦ ટકા આવકવેરો દર લાગુ છે.

પ્રસાર માધ્યમોના અહેવાલોએ સૂચવ્યું છે કે નાણાં મંત્રાલયે તેની હિતધારકોેની બેઠકમાં ભારતના ઓછી આવક ધરાવતા વ્યક્તિઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને, વપરાશી માગની વૃદ્ધિને વેગ આપવા માટે કરવેરાના દર ઘટાડવા અથવા નવો સ્લેબ ઉમેરવા જેવા કરવેરા પગલાં પર વિચાર કર્યો હતો.

સમાચાર સંસ્થા રોઇટર્સના અહેવાલ અનુસાર, અધિકારીઓએ સંભવત: ૨૦૨૦માં જાહેર કરાયેલા નવા ટેક્સ પ્રણાલીમાં ફેરફાર કરવા અંગે ચર્ચા કરી છે, જેમાં રૂ. ૧૫ લાખ સુધીની આવક પર ૫ાંચથી વીસ ટકા ટેક્સ લાગે છે, જ્યારે રૂ. ૧૫ લાખથી વધુની કમાણી પર ૩૦ ટકા ટેક્સ લાગે છે.

જો કે, અર્થશાસ્ત્રીઓ માને છે કે સરકાર આ તબક્કે કરવેરાના લાભો આપવાનું વલણ ધરાવતી નથી. સરવાળે એવા જ સંકેત મળી રહ્યાં છે કે, સરકાર ધ્યાન રાજકોષીય નિયંત્રણ અને આર્થિક વિકાસને નામે આમઆદમીનો શ્ર્વાસ રુંધાતો રાખશે અને મધ્યમ કે નોકરિયાત વર્ગને નિરાશ કરવાની પરંપરા આગળ વધારશે.

આવકવેરાનો ઘટાડો ખૂદ સરકારના હિતમાં છે!
સરકાર વપરાશી માગમાં લગભગ ૫૦૦ અબજ રૂપિયા (અંદાજે છ અબજ ડોલર) કરતાં વધુ મૂલ્યના ઉમેરા માટે આગામી અંદાજપત્રમાં કેટલાક પગલાં લેવા વિચારણાં કરી રહી છે, જેમાં સાત વર્ષમાં પ્રથમ વખત ઓછી આવક ધરાવનારા વર્ગ માટે કરવેરામાં કાપનો સમાવેશ થવાની સંભાવના છે. અલબત્ત, ઉક્ત યોજનાની વિગતો પર હજુ પણ કામ ચાલી રહ્યું છે અને વડા પ્રધાન કાર્યાલયની મંજૂરી બાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે. જોકે, સરકારનો સાત વર્ષનો રેકોર્ડ જોતા એવું પણ બની શકે કે સરકાર આમઆદમીને માત્ર આભાસી લાભ આપે અથવા એક હાથેથી આપીને બીજા હાથેથી લઇ લે, એવી સંભાવના પણ જણાઇ રહી છે!આમ સરળ શબ્દોમાં કહીએ તો સરકાર બંને હાથમાં લાડવા મેળવવા માટે મજબૂરીમાં ટેક્સ સ્લેબમાં ફેરફાર કરી શકે છે. એકતરફ લોકોના હાથમાં વધુ પૈસા આવવાથી વપરાશ ખર્ચ થશે અને બીજી તરફ પ્રત્યક્ષ અને પરોક્ષ વેરાની વધુ આવકમાં વધારો થશે. આમ સરકારી આવકમાં કર ઘટાડાથી ભલે નુકસાન થઈ શકે છે, તેમ છતાં સરકારની ચોખ્ખી આવક પોઝિટિવ રહેશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…