આપણું ગુજરાત

આગામી પાંચ દિવસ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી; 7 જિલ્લામાં રેડ એલર્ટ

અમદાવાદ: રાજ્ય પર વરસાદી સિસ્ટમની અસરના ભાગરૂપે આગામી પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી વચ્ચે આજે સમગ્ર રાજ્યમાં 61 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. આજેપણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. આજે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી ગુજરાતનાં અનેક જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે.

આજે બપોર બાદ રાજકોટમાં ભારે વરસાદ પડ્યો હતો. શહેરના યુનિવર્સિટી રોડ, નાના મૌવા, યાજ્ઞિક રોડ, કાલાવડ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. શહેરમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરતાં બે કલાકમાં દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના લીધે અનેક વિસ્તારોમાં પાણી ભરાય જવાથી વાહનચાલકોને મુશ્કેલી સર્જાય હતી.

આ પણ વાંચો : ધસમસતી શેત્રુંજીઃ ૧૬ કલાકમાં પાણીની સપાટી આટલી વધી

સૌરાષ્ટ્રમાં થઈ રહેલી મેઘમહેર અંતર્ગત અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકામાં વરસાદ પડ્યો હતો. ધોધમાર પડેલા વરસાદથી રસ્તાઓ પાણી પાણી થયા હતા અને રસ્તા પરથી નદીના પ્રવાહ વહેતા હોય તેવા દૃશ્યો જોવા મળ્યા. વડિયા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. અનીડા, બાટવા દેવળી, બરવાળા બાવળ, દેવળકી સહિતના ગામોમાં મેઘમહેર થઈ હતી.

જુનાગઢ જિલ્લાના માંગરોળ, માળીયા હાટી સહિતના તાલુકામાં વરસાદ પડ્યો હતો. માળીયા હાટીના તાલુકાની મેઘલ નદીમાં પૂરની સ્થિતિ છે જ્યારે માણાવદર મામલતદાર કચેરી પર વીજળી પડી હતી. કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદથી ગ્રામ્ય પંથકના રસ્તાઓ પ્રભાવિત થયા છે. ગીર સોમનાથના વેરાવળ તાલાલામાં વરસાદ નોંધાયો છે. હાલ સમગ્ર ગીર વિસ્તારમાં સારો વરસાદ પડી રહ્યો છે.

આગામી પાંચ દિવસ ભારે:
આગામી પાંચ દિવસ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે ભારે રહેવાના છે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, સુરત, દમણ દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્રના જુનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને રાજકોટમાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. હવામાન વીભાગે દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. જ્યારે અમદાવાદ સહિત અન્ય જિલ્લાઓમા યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button