બાળ ઠાકરેના વિચારોને ટકાવવા માટે સત્તા પરિવર્તન કરનારા એકનાથ શિંદે ખરા રાષ્ટ્રભક્ત: જગદ્ગુરુ પરમહંસ આચાર્ય
મુંબઈ: અયોધ્યાના છાવણી પીઠાધિશ્ર્વર રાજગુરુ પરમહંસ આચાર્યે શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્ર્વરાનંદ દ્વારા એકનાથ શિંદે બાબતે કરેલું નિવેદન પક્ષપાતી હોવાનું જણાવ્યું હતું અને એકનાથ શિંદેને ખરા રાષ્ટ્રભક્ત ગણાવ્યા હતા.
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સાથે થયો વિશ્વાસઘાત, કોણે કહ્યું?
શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્ર્વરાનંદને આવું નિવેદન કરવા માટે મોટી દક્ષિણા મળી હશે, આથી જ તેમણે આવું પક્ષપાતી વલણ અપનાવ્યું છે, એવો મત રાજગુરુ પરમહંસ આચાર્યે વ્યક્ત કર્યો હતો.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સ્વ. હિંદુહૃદયસમ્રાટ બાળ ઠાકરેના સિદ્ધાંતો પર ચાલનારા નેતા છે. બીજી તરફ ઉદ્ધવ ઠાકરેએ સત્તાની લાલસામાં બાળ ઠાકરેના સિદ્ધાંતોને તિલાંજલી આપીને કૉંગ્રેસ સાથે અભદ્ર યુતિ કરી હતી. કૉંગ્રેસ સાથે હાથ મિલાવવાનો સમય આવશે તો હું મારી દુકાન બંધ કરી દઈશ એવું કહેનારા સ્વ. બાળ ઠાકરેના વિચારોને ઉદ્ધવ ઠાકરેએ પોતાની કૃતિ દ્વારા તિલાંજલી આપી હતી. તો બીજી તરફ એકનાથ શિંદેએ બાળ ઠાકરેના વિચારોનું અસ્તિત્વ બચી રહે તે માટે જરૂર પડ્યે સત્તા પરિવર્તન કરીને રાષ્ટ્રધર્મનું પાલન કર્યું છે. આથી મારી દૃષ્ટિમાં તેઓ જ ખરા રાષ્ટ્રભક્ત છે, એવો મત જગદ્ગુરુ પરમહંસ મહારાજે વ્યક્ત કર્યો હતો.