પુણેમાં બહેનપણી સાથે દારૂની પાર્ટી કર્યા બાદ સગીરાની આત્મહત્યા
પુણે: પુણેમાં બહેનપણી સાથે દારૂની પાર્ટી કર્યા બાદ 16 વર્ષની સગીરાએ ઘરમાં ગળાફાંસો ખાધો હોવાની ઘટના સોમવારે બની હતી. બીજી તરફ બહેનપણી પણ બેભાન અવસ્થામાં મળી આવતાં તેને સારવારાર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પોલીસે આ પ્રકરણે એડીઆર દાખલ કર્યો હોઇ સગીરાની આત્મહત્યા પાછળનું કારણ જાણી શકાયું નહોતું.
મૃતકની ઓળખ તનિષા શાંતારામ મનોરે તરીકે થઇ હોઇ તે યેરવડાના લક્ષ્મીનગર વિસ્તારમાં રહેતી હતી. તેની માતા શાકભાજી વેચે છે. 11મા ધોરણમાં ભણતી તનિષાએ સોમવારે પોતાના ઘરમાં બે બહેનપણી સાથે દારૂની પાર્ટી કરી હતી. બાદમાં રાતના તનિષાની બહેનપણીએ પડોશમાં રહેનારા છોકરાને ફોન કરીને બોલાવ્યો હતો. છોકરો તનિષાના ઘરે આવ્યો હતો અને તેણે બારીમાંથી ડોકિયું કરતાં તનિષા ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી.
તનિષાને નીચે ઉતાર્યા બાદ તેને ભાનમાં લાવવા તેના ચહેરા પર પાણી મારવામાં આવ્યું હતું. ત્યાર બાદ ઘટનાની જાણ તેની માતાને કરવામાં આવી હતી. તનિષાના સારવારાર્થે નજીકની હોસ્પિટલમાં લઇ જવાઇ હતી, જ્યાં તેને મૃત જાહેર કરાઇ હતી. દરમિયાન તનિષાની એક બહેનપણી ઘરે બેભાન અવસ્થામાં મળી આવી હતી. એ સમયે તે દારૂના નશામાં હતી અને તેને બાદમાં સસૂન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરતાં તનિષાએ તેની બહેનપણી સાથે દારૂની પાર્ટી કરી હોવાનું સામે આવ્યું હતું.