શરદ પવાર અને કૉંગ્રેસના નેતાઓનું મરાઠા અનામત પરનું વલણ અસ્પષ્ટ: બાવનકુળે
નાગપુર: મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ મંગળવારે કહ્યું હતું કે શરદ પવાર અને કૉંગ્રેસ નેતાઓ મરાઠા સમાજને અનામત ઓબીસી ક્વોટામાંથી આપવી જોઈએ કે નહીં તે મુદ્દે અસ્પષ્ટ છે.
નાગપુરના એરપોર્ટ પર પત્રકારો સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે એનસીપીના નેતા છગન ભુજબળની શરદ પવાર સાથે મરાઠા અનામત પર ચર્ચા કરવા માટેની મુલાકાત બધી જ રીતે યોગ્ય હતી અને તેનો હેતુ રાજ્યમાં સામાજિક સુસંવાદિતા સ્થાપિત કરવાનો છે.
રાજ્યની બધી જ રાજકીય પાર્ટીઓ અને રાજ્ય વિધાનમંડળના બધા જ સભ્યો મરાઠા સમાજને નોકરીઓ અને શિક્ષણમાં આરક્ષણ મળવું જોઈએ એ બાબતે સહમત છે, એમ તેમણે કહ્યું હતું.
બાવનકુળેએ કહ્યું હતું કે શરદ પવાર અને કૉંગ્રેસના નેતાઓનું વલણ મરાઠા સમાજને ઓબીસી ક્વોટામાંથી અનામત આપવી જોઈએ કે નહીં તે બાબતે અસ્પષ્ટ છે.
એનસીપી રાજ્યની 288 બેઠકો પર સર્વેક્ષણ કરાવી રહી છે તે બાબતે પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે દરેક પાર્ટીને પોતાની રીતે સર્વેક્ષણ કરવાનો અધિકાર છે.
આ પણ વાંચો : કર્ણાટકમાં કૉંગ્રેસે ઓબીસી ક્વોટા મુસ્લિમોને આપ્યો, ભાજપ હરિયાણામાં આવું થવા દેશે નહીં: અમિત શાહ
મહાયુતિની એક જ ફોર્મ્યુલા છે કે દરેક બેઠકને જીતવા અથવા જાળવી રાખવા માટે બનતા પ્રયાસ કરવાના છે. કોને કઈ બેઠક મળે છે તેના કરતાં બેઠક જીતવી વધારે મહત્ત્વનું છે. અમે સારો દેખાવ કરીશું અને વિજય મેળવીશું, એમ તેમણે કહ્યું હતું.
નવાબ મલિક આગામી વિધાનસભાની ચૂંટણી લડશે કે નહીં તે અજિત પવારે નક્કી કરવાનું છે એમ પણ તેમણે કહ્યું હતું.