આ કારણથી જાહેરાતના હોર્ડિંગ્સના નિયમોનું પાલન રેલવેને ફરજિયાત કરવું પડશે
મુંબઈ: રેલવે પ્રશાસને શહેરમાં જાહેરાત બોર્ડ (Hordings policy)ના કદ અંગે મુંબઈ મહાનગરપાલિકાની નીતિઓ અને આદેશોનું પાલન કરવું પડશે એવી સ્પષ્ટતા સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવી છે.
ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી તરીકે મુંબઈ મહાનગરપાલિકા દ્વારા 15 મે, 2024ના રોજ જારી કરવામાં આવેલી નોટિસનું કડક પાલન રેલવે પ્રશાસને કરવું પડશે એવો નિર્દેશ સુપ્રીમ કોર્ટે આપ્યો છે. આ નિર્દેશને કારણે પાલિકા અને રેલવે વચ્ચે જાહેરખબરના મુદ્દે થયેલા વિવાદમાં પાલિકાનો હાથ ઊંચા કરી લીધા હતા.
મધ્ય રેલવે તેમજ પશ્ચિમ રેલવેની હદમાં નિયમ ચાતરીને મોટા કદના એટલે કે 40 બાય 40 ફૂટથી મોટા કદના સર્વ જાહેરખબર હોર્ડિંગ રેલવે પ્રશાસન તાત્કાલિક ધોરણે દૂર કરે એવી નોટિસ પાલિકાએ આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ 2005ની કલમ 30 (2) (વી) અનુસાર તેમજ મુંબઈ ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના ચેરમેન તરીકે એડિશનલ મ્યુનિસિપલ કમિશનર ડો. અશ્વિની જોશીએ 15 મેના રોજ જારી કરી હતી.
મુંબઈની ભૌગોલિક સ્થિતિ અને દરિયા કિનારાને અડીને આવેલા વિસ્તારને ધ્યાનમાં રાખીને હવામાન અને પવનની સ્થિતિ જોઈને પાલિકા પ્રશાસન 40 ફૂટ બાય 40 ફૂટથી વધુ કદ ધરાવતા જાહેરાતના બોર્ડ લગાવવાની મંજૂરી નથી આપતું. તેમ છતાં રેલવે પ્રશાસનની હદમાં ગેરકાયદે સાઇઝના જાહેરાતના બોર્ડ લગાવવામાં આવે છે.
રેલવે પ્રશાસને અત્યાર સુધી પાલિકાની જાહેરાત નીતિનો અમલ નથી કર્યો. પાલિકા અને રેલવે વચ્ચેનો વિવાદ કોર્ટમાં પહોંચ્યો હતો. ઘાટકોપરની દુર્ઘટના બાદ આ વિવાદમાં ગંભીર વળાંક આવ્યો હતો. આ અંગે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવતા હવે રેલવેએ પાલિકા પ્રશાસનની નીતિ અપનાવવી પડશે.