અંતે વિરોધ સામે સરકારે નમતું જોખી GMERS હસ્તકની કોલેજોમાં કર્યો ફી ઘટાડો
ગાંધીનગર: ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી (GMERS) હસ્તકની 13 મેડિકલ કોલેજોની ફીમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વિવિધ સંગઠનો અને રાજકીય પક્ષોએ સરકારને આ ફી વધારા મામલે ઘેરવામાં આવી હતી. આ બાદ સરકારે GMERS હસ્તકની 13 મેડિકલ કોલેજોની ફીમાં ઘટાડો કરવામાં આવ્યો છે. સરકારી ક્વોટામાં 1.75 લાખ જ્યારે પ્રાઇવેટ ક્વોટામાં 5 લાખ રૂપીયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. સરકારની કેબિનેટ બેઠકમાં લેવાયેલા ફી ઘટાડાના નિર્ણયની માહિતી સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે આપી હતી.
ગુજરાત સરકાર દ્વારા ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી (GMERS) હસ્તકની 13 મેડિકલ કોલેજોની ફીમાં ધરખમ વધારાઓ કરવામાં આવ્યો હતો. મેડિકલ કોલેજોની સ્વનિર્ભર બેઠકો, મેનેજમેન્ટ ક્વોટાની બેઠકો અને NRI ક્વોટાની બેઠકોની ફીમાં વધારો કરવામાં આવ્યો હતો. જેમાં સ્વનિર્ભર બેઠકોની ફી રૂ. 3.30 લાખથી વધારીને રૂ. 5.50 લાખ રૂપિયા કરી દેવામાં આવી હતી.
જ્યારે મેનેજમેન્ટ ક્વોટાની ફી રૂ. 9.07 લાખથી વધારીને રૂ. 17 લાખ અને NRI ક્વોટાની ફી રૂ. 22 હજાર યુએસ ડોલરથી વધારીને રૂ. 25 હજાર યુએસ ડોલર કરવામાં આવી હતી. સ્વનિર્ભર બેઠકોની ફીમાં 67 ટકા, મેનેજમેન્ટ ક્વોટાની બેઠકોની ફીમાં 87 ટકા અને એનઆરઆઈ ક્વોટાની બેઠકોની ફીમાં 14 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો.
જો કે આ ફી વધારા મામલે ગુજરાત સરકારને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. સરકર દ્વારા કરવામાં આવેલા ફી વધારાને લીધે મેડિકલ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વાલીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા અનેક રજૂઆતો કરવામાં આવી હતી અને ત્યારબાદ ઇંડિયન મેડિકલ એસોસિયેશન દ્વારા પણ મુખ્યમંત્રીને પત્ર લખી આ ફીમાં ઘટાડો કરવાની માંગ કરવામાં આવી હતી. ગુજરાત કોંગ્રેસે પણ આ મામલે ખૂબ વિરોધ કર્યો હતો. શક્તિસિંહ ગોહિલે સરકાર પર આકરા આરોપો કરીને તોતિંગ ફી વધારાને ઘટાડવા માટે મુખ્યપ્રધાન અને આરોગ્યપ્રધાનને પત્ર લખ્યો હતો.