નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટને(Supreme Court) બે નવા જજો મળ્યા છે. જેની બાદ સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશોની(Judges)સંખ્યા પૂર્ણ થઈ ગઈ છે. જસ્ટિસ એન. કોટીશ્વર સિંહ અને જસ્ટિસ આર મહાદેવનને સુપ્રીમ કોર્ટના જજ તરીકે બઢતી આપવામાં આવી છે. કેન્દ્રીય કાયદા અને ન્યાય રાજ્ય પ્રધાન અર્જુન રામ મેઘવાલે મંગળવારે સુપ્રીમ કોર્ટના નવા ન્યાયાધીશોની નિમણૂકની જાહેરાત કરી હતી. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ નિમણૂકોની જાહેરાત કરી.
ન્યાયાધીશોની કુલ સંખ્યા ફરીથી 34 થઈ જશે
જસ્ટિસ એન. કોટીશ્વર સિંહ અને જસ્ટિસ આર મહાદેવને હજુ શપથ લેવાના બાકી છે. એકવાર શપથગ્રહણ પૂર્ણ થયા પછી મુખ્ય ન્યાયાધીશ સહિત સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશોની કુલ સંખ્યા ફરીથી 34 થઈ જશે. જે અદાલતમાં ન્યાયાધીશોની મંજૂર મહત્તમ સંખ્યા છે. હાલ જમ્મુ અને કાશ્મીરના મુખ્ય ન્યાયાધીશ એન કોટીશ્વર સિંહ સુપ્રીમ કોર્ટમાં નિયુક્ત થનારા મણિપુરના પ્રથમ ન્યાયાધીશ બનશે. જસ્ટિસ મહાદેવન હાલમાં મદ્રાસ હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ન્યાયાધીશોની નિમણૂક કરી
કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, “ભારતના બંધારણ દ્વારા આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને અને મુખ્ય ન્યાયાધીશ સાથે ચર્ચા કર્યા પછી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નીચેના લોકોને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્ત કર્યા છે.” તેમણે પોતાના ટ્વીટ સાથે એક પોસ્ટ શેર કરી છે, જેમાં જસ્ટિસ એન. કોટીશ્વર સિંહ અને જસ્ટિસ આર મહાદેવનના નામ સામેલ છે. આમાં એ પણ ઉલ્લેખ છે કે તેઓ હાલમાં કઈ હાઈકોર્ટના જજ છે.
કોણ છે જસ્ટિસ કોટીશ્વર સિંહ?
જસ્ટિસ કોટીશ્વર સિંહ ફેબ્રુઆરી 2023થી જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ છે. તે મૂળ મણિપુરના છે. જસ્ટિસ કોટીશ્વરનો જન્મ 1 માર્ચ, 1963ના રોજ ઈમ્ફાલમાં થયો હતો. તેમના પિતાનું નામ એન. ઇબોટોમી સિંહ છે. જ્યારે માતાનું નામ એન. ગોમતી દેવી છે. જસ્ટિસ કોટીશ્વરના પિતા ગુવાહાટી હાઈકોર્ટના જજ રહી ચૂક્યા છે. સ્વર્ગસ્થ ઇબોટોમી સિંહ મણિપુરના પ્રથમ એડવોકેટ જનરલ પણ હતા.
કોણ છે જસ્ટિસ મહાદેવન?
જસ્ટિસ મહાદેવન મે 2024થી મદ્રાસ હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ છે. તેમણે મદ્રાસ લો કોલેજમાંથી કાયદાની ડિગ્રી મેળવી. તેમણે 1989માં વકીલ તરીકે હાઈકોર્ટમાં કામ કરવાનું શરૂ કર્યું. તેમની પાસે 25 વર્ષનો અનુભવ છે. તેમણે તમિલનાડુ સરકાર માટે વધારાના સરકારી સલાહકાર (ટેક્સ) તરીકે અને મદ્રાસ હાઈકોર્ટમાં ભારત સરકાર માટે સ્થપાયેલી સ્થાયી સલાહકાર અને વરિષ્ઠ પેનલ કાઉન્સેલ તરીકે કામ કર્યું છે. તેમને 2013માં હાઈકોર્ટમાં જજ તરીકે બઢતી આપવામાં આવી હતી.