વિધાન સભ્ય અપાત્ર ઠેરવવા મામલે આગામી સુનાવણી 13મી ઓક્ટોબરના
મુંબઈઃ વિધાન સભ્ય અપાત્ર ઠેરવવા મામલે આજે વિધાન પરિષદમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. બંને પક્ષ દ્વારા દલીલો રજૂ કરવામાં આવી હતી. એક સાથે અરજી કરવા મુદ્દે અને પુરાવા રજૂ કરવા બાબતે બંને જૂથ વચ્ચે મતભેદ હતા અને એના પર વિધાન સભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે આજે ચૂકાદો આપવાનું મુલતવી રાખ્યો છે. હવે આગળની સુનાવણી સમયપત્રક નક્કી કરીને 13મી ઓક્ટોબરના કરવામાં આવશે. શિંદે જૂથના તરફથી વકીલ અનિલ સાખરેં અને ઠાકરે પક્ષ વતીથી વકીલ દેવદત્ત કામતે દલીલો રજૂ કરી હતી.
એક સાથે અપીલ કરો એવી અમારી માગણી છે તો એવું કેમ કરવામાં આવતું નથી? દાખલ કરવામાં આવેલી અપીલનો વિષય એક જ છે અને એટલે સુનાવણી હાથ ધરવાનું સરળ બનશે, એવી દલીલ ઠાકરે જૂથના વકીલ દેવદત્ત કામતે કરી હતી. જ્યારે એક સાથે અરજી કરવા બાબતે શિંદે જૂથ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. બધી અપીલ પર એક સાથે સુનાવણી કરવાને બદલે અલગ અલગ સુનાવણી કરવામાં આવે એવી દલીલ શિંદે જૂથના વકીલ અનિલ દ્વારા કરવામાં આવી હતી.
એટલું જ નહીં શિંદે જૂથના વકીલ અનિલે વધુમાં એવું પણ જણાવ્યું હતું કે અમને હાલમાં શેડ્યુલ 10 લાગુ થતી નથી.
શિવસેના પક્ષ અને ચિન્હ ઈલેક્શન કમિશન દ્વારા અમને આપ્યું છે. અપીલ અલગ અલગ હોય તો પણ દરેક વિધાન સભ્યોના મંતવ્ય અંગત રીતે સાંભળવામાં આવે.
દરમિયાન વિધાન સભ્ય અપાત્ર ઠેરવા પ્રકરણે સૌથી મહત્ત્વની માહિતી સામે આવી રહી છે અને એવી આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે આ વર્ષે આ મામલે ચૂકાદો આવે એ અઘરું છે, કારણ કે પ્રસ્તાવિત સમયપત્રકમાં દસ્તાવેજોની તપાસણી, સાક્ષીઓ નોંધવા અને ફરી ઉલટ તપાસ વગેરેનો સમાવેશ થાય છે. આ બધી પ્રક્રિયામાં આશરે ત્રણેક મહિનાનો સમય લાગે એવી પૂરેપૂરી શક્યતા છે. ડિસેમ્બરમાં શિયાળુ સત્ર શરૂ થશે એટલે સુનાવણી થવાની શક્યતા ખૂબ જ ઓછી છે અને આ જ કારણે આ મામલે આ વર્ષે નિવેડો આવે એવું લાગતું નથી.