એર ફોર્સના કાફલામાં C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટનો સમાવેશ
નવી દિલ્હી: ભારતને ફ્રાન્સનું C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ મળ્યું છે, જેની સોમવારે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ધાર્મિક વિધિ કર્યા બાદ એરફોર્સના કાફલામાં સામેલ કર્યું હતું, તેનાથી સેનાની લોજિસ્ટિક્સ અને અન્ય ક્ષમતાઓને વેગ મળશે.
એર ચીફ માર્શલ વીઆર ચૌધરીની હાજરીમાં હિંડન એરફોર્સ બેઝ ખાતે આ ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો અને સંરક્ષણ પ્રધાનને એરક્રાફ્ટની ઇન્ડક્શન કી (ચાવી) સોંપી હતી. આવા જ 15 વધુ એરક્રાફ્ટ ફ્રાન્સથી આવશે અને 40 મિલિટ્રી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ભારતમાં જ ટાટા કંપની દ્વારા બનાવવામાં આવશે.
આજે (સોમવારે) સવારે વાયુસેનાના હિંડન એરબેઝ ખાતે ભારત ડ્રોન શક્તિ-2023 કાર્યક્રમમાં વિવિધ ક્ષમતાઓના ડ્રોનનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજનાથ સિંહ, કેન્દ્રીય પ્રધાન જનરલ વિજય કુમાર સિંહ (નિવૃત્ત), એરફોર્સ ચીફ એર ચીફ માર્શલ વીઆર ચૌધરી હાજર રહ્યા હતા. અહીં 50 કિલોથી 100 કિલો વજન વહન કરવાની ક્ષમતા ધરાવતા ડ્રોનનું અદ્ભુત પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ડ્રોનનો ઉપયોગ ખેડૂતોની ખેતીમાં, એક જગ્યાએથી તબીબી સહાય પૂરી પાડવા, યુદ્ધ દરમિયાન બોમ્બ વિસ્ફોટ કરવા અને સરહદ પર સૈનિકોની આગળની ચોકીઓ સુધી ખોરાક અને લોજિસ્ટિક્સ સામગ્રી પહોંચાડવા માટે કરવામાં આવે છે.