દિલ્હી બાદ તમિલનાડુમાં પણ વીજળી થઇ મોંઘી
રાજધાની દિલ્હી બાદ હવે તામિલનાડુમાં પણ વીજળીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. તમિલનાડુની સ્ટાલિન સરકારે વીજળીના બિલમાં 4.83%નો વધારો કર્યો છે. નવા વધેલા દરો અનુસાર હવે 0 થી 400 યુનિટ સુધી વાપરવા માટે લોકોએ 4.60 પૂરિયાને બદલે 4.80 રૂપિયા બિલ ચુકવવું પડશે.
વધારવામાં આવેલા ભાવો અનુસાર, 401 યુનિટથી 500 યુનિટનો ઉપયોગ કરવા માટે, ગ્રાહકે 6 રૂપિયા 15 પૈસાથી લઈને 6 રૂપિયા 45 પૈસા પ્રતિ યુનિટ ચૂકવવા પડશે. તે જ સમયે, 501 યુનિટથી 600 યુનિટનો ઉપયોગ કરવા માટે 8 રૂપિયા 15 પૈસાને બદલે હવે 8 રૂપિયા 55 પૈસા ચુકવણી કરવી પડશે.
સરકારે 601 થી 800 યુનિટ વીજળીનો ઉપયોગ કરતા લોકો માટે પણ ભાવમાં ફેરફાર કર્યો છે. હવે 601 થી 800 યુનિટ વીજળી વપરાશ માટે 9 રૂપિયા 20 પૈસાના બદલે 9 રૂપિયા 65 પૈસા ચૂકવવા પડશે. આ સાથે 801 યુનિટથી 1000 યુનિટ સુધીના વપરાશ માટે 10 રૂપિયા 20 પૈસાના બદલે 10 રૂપિયા 70 પૈસા ચૂકવવા પડશે. તે જ સમયે, 1000 થી વધુ યુનિટ્સ માટે તમારે 11 રૂપિયા 80 પૈસા ચૂકવવા પડશે. આ નવો ટેરિફ 1 જુલાઈથી અમલમાં મૂકવામાં આવ્યો છે.
નોંધનીય છે કે દિલ્હીમાં પણ ગત મહિનાથી લોકોના વીજળીના બિલમાં વધારો કરવામાં આવ્યો છે. અહીં મે મહિનાથી વીજળીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આ વધારો હાલમાં તો 1 મેથી 3 મહિના માટે લાગુ કરવામાં આવ્યો છે. આ પછી, વીજળીના દરો નક્કી કરતી ડીઇઆરસી, વીજ કંપનીઓની અરજી અનુસાર આદેશ આપશે. BSESની બે કંપનીઓ BRPL અને BYPLના વિસ્તારોમાં વીજળી મોંઘી થઈ ગઈ છે.
દિલ્હીમાં BYPLદ્વારા વીજ વિતરીત વિસ્તારોમાં 6.15 ટકા અને BRPL વિસ્તારોમાં 8.75 ટકાનો વધારો થયો છે. આ સિવાય ત્રીજી ડિસ્ટ્રિબ્યુશન કંપની ટાટા પાવર દિલ્હી ડિસ્ટ્રિબ્યુશન લિમિટેડે વીજળીના દરોમાં કોઈ વધારો કર્યો નથી. BYPLનો વિસ્તાર પૂર્વ અને મધ્ય દિલ્હીના ભાગોને આવરી લે છે અને BRPLનો વિસ્તાર દક્ષિણ દિલ્હી અને પશ્ચિમ દિલ્હીના વિસ્તારોને આવરી લે છે. વીજળીના દરોમાં આ વધારો પાવર પરચેઝ એડજસ્ટમેન્ટ કોસ્ટ એટલે કે PPAC હેઠળ કરવામાં આવ્યો છે.