(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: વૈશ્ર્વિક ઇક્વિટી માર્કેટના સકારાત્મક સંકેત સાથે સ્થાનિક સ્તરે જાહેર ક્ષેત્રની બેન્કોની આગેવાનીએ નીકળેલી લેવાલી અને વિદેશી ફંડોના નવા નાણાં પ્રવાહના જોરે સેન્સેક્સે ૮૦,૬૫૦ની અને નિફટી ૨૪,૫૫૦ની સપાટી વટાવી નવી વિક્રમી સપાટી હાંસલ કરી છે.
સપ્તાહના પહેલા સત્રમાં ૩૦ શેરો ધરાવતો સેન્સેક્સ ૧૪૫.૫૨ પોઈન્ટ અથવા ૦.૧૮ ટકા વધીને ૮૦,૬૬૪.૮૬ પોઇન્ટની નવી વિક્રમી ટોચે સ્થિર થયો છે. દિવસ દરમિયાન, આ બેન્ચમાર્ક ૩૪૩.૨ પોઈન્ટ અથવા ૦.૪૨ ટકા વધીને ૮૦,૮૬૨.૫૪ પોઇન્ટની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો.
એ જ રીતે, એનએસઇનો પચાસ શેર ધરાવતો બૃહદ બેન્ચમાર્ક નિફ્ટી ૮૪.૫૫ પોઈન્ટ અથવા ૦.૩૫ ટકા વધીને ૨૪,૫૮૬.૭૦ પોઇન્ટની સર્વકાલીન ટોચે બંધ રહ્યો હતો. દિવસ દરમિયાન, તે ૧૩૨.૯ પોઈન્ટ અથવા ૦.૫૪ ટકા વધીને ૨૪,૬૩૫.૦૫ પોઇન્ટની નવી રેકોર્ડ ટોચ પર પહોંચ્યો હતો.
સેન્સેક્સના શેરોમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનો શેર ટોપ પર્ફોમર બન્યો હતો, આ બેન્કે વિવિધ મુદત માટે એમસીએલઆર આધારિત ધિરાણ દરોમાં વધારો કરવાની જાહેરાત કર્યાના અહેવાલોને પગલે તેનો શેર ૨.૫૫ ટકા વધ્યો હતો.
એનટીપીસી, અલ્ટ્રાટેક સિમેન્ટ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, બજાજ ફાઇનાન્સ, ટાટા મોટર્સ, મારુતિ અને આઇટીસી અન્ય મુખ્ય વધનાર શેર હતા. બીજી તરફ, એશિયન પેઇન્ટ્સ, ટાટા સ્ટીલ, એક્સિસ બેન્ક, જેએસડબ્લ્યુ સ્ટીલ, ટેક મહિન્દ્રા અને ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસિસ ટોપ લૂઝર્સ શેરોની યાદીમાં હતા.
અગ્રણી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કંપનીમાંની એક એવીપી ઈન્ફ્રાકોન લિમિટેડની પેટાકંપની એવીપી આરએમસીએ ૧૨ જુલાઈ, ૨૦૨૪ના રોજ એવીપી આરએમસીએ, ત્રીજા રેડી મિક્સ કોંક્રિટ (આરએમસી) પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે. અત્યાધુનિક પ્લાન્ટ ધારાપુરમ, પલાની, ઓડનચત્રમ, ઉદુમલાઈપેટ અને કંગેયમ સહિતના મુખ્ય પ્રદેશોની નક્કર માગને અસરકારક રીતે પૂરી કરવા માટે તૈયાર છે. આ સપ્તાહે મૂડીબજારમાં મેઇનબોર્ડમાં એક જ ભરણું આવી રહ્યું છે. સેનસ્ટાર લિમિટેડ ૧૯મી જુલાઈએ રૂ. ૫૧૦ કરોડના ભરણાં સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. પ્રાઈસ બેન્ડ રૂ. ૯૦થી રૂ. ૯૫ છે. બીડ અને ઓફર ૨૩મી જુલાઈએ બંધ થશે. મીનીમમ બીડ લોટ ૧૫૦ શેરનો છે. કંપની ૪૯ દેશમાં નિકાસ કરે છે. શેર બીએસઈ અને એનએસઈ પર લીસ્ટ થશે.
બજારના જાણીતા એનાલિસ્ટે જણાવ્યું હતું કે, આગામી કેન્દ્રીય બજેટને લગતી સકારાત્મક અટકળો અપેક્ષાઓ, વિદેશી સંસ્થાકીય રોકાણકારોનો મજબૂત આંતરપ્રવાહ અને આઇટી ક્ષેત્રના અપેક્ષા કરતાં વધુ સારા પરિણામોને કારણે ભારતીય બજારમાં તેજીનો માહોલ જળવાઇ રહ્યો છે.
આ ઉપરાંત જાહેર ક્ષેત્રની બેન્કોના પ્રારંભિક પરિણામોએ પીએસયુ ઇન્ડેક્સમાં મજબૂત તેજીને કારણભૂત બનાવ્યું છે. પીએસયુ બેન્કોમાં ઇન્ડિયન ઓવરસીઝ બેન્કના શેરોમાં ૭.૩૫ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. કેનેરા બેંક, પંજાબ નેશનલ બેંક, યુકો બેંક, બેંક ઓફ બરોડા અને યુનિયન બેંકના શેરમાં પણ સારો સુધારો જોવા મળ્યો હતો.
બ્રોડર માર્કેટમાં તાજેતરમાં વેલ્યુએશનની ચિંતા વચ્ચે લેવાલીનું જોમ સહેજ ઘટી ગયું છે, જોકે, સોમવારના સત્રમાં બીએસઇ મિડકેપ ઇન્ડેકસ ૦.૯૫ ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સ ૦.૨૧ ટકા ઊછળ્યો હતો. સેકટરલ ઇન્ડેક્સમાં ઓઇલ અને ગેસ ૨.૩૨ ટકા, એનર્જી (૧.૬૧ ટકા), રિયલ્ટી (૧.૪૦ ટકા), યુટિલિટીઝ (૧.૦૯ ટકા) અને હેલ્થકેર (૧ ટકા)માં સુધારો જોવા મળ્યો હતો.
ઈન્ડસ્ટ્રીયલ, આઈટી, ટેક અને કેપિટલ ગુડ્ઝ ઇન્ડેક્સમાં પીછેહઠ નોંધાઇ હતી. કુલ ટ્રેડેડ શેરોમાંથી ૨,૦૩૫ જેટલા શેર વધ્યા હતા, જ્યારે ૨,૦૦૫ ઘટ્યા હતા અને બાકીના ૧૨૮ મૂળ સ્થાને પાછાં ફર્યા હતા. નિફ્ટીના ક્ષેત્રીય સૂચકાંકોમાં, નિફ્ટી પીએસયુ બેન્ક ઇન્ડેક્સ ૩.૧૧ ટકા વધીને લીડ ગેનર બન્યો હતો. જ્યારે નિફ્ટી સીપીએસઇ ઇન્ડેક્સ ૧.૫૬ ટકા સુધર્યો હતો. બેન્ક ઓફ મહારાષ્ટ્રએ નાણાકીય વર્ષ ૨૦૨૫ના જૂન ક્વાર્ટર માટે ૪૭ ટકાના ઉછાળા સાથે રૂ. ૧,૨૯૩ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યા બાદ તેના શેરમાં ૫.૫૬ ટકાની તેજી નોંધાવી હતી. બેન્કે તેની બેડ લોનમાં ઘટાડો અને વ્યાજની આવકમાં સુધારો દર્શાવ્યો હોવાથી પણ સેન્ટિમેન્ટમાં સુધારો હતો.
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની રેલીમાં ગોળીબાર થયા બાદ વૈશ્ર્વિક બજારામોં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. એશિયન બજારોમાં, સિઓલ અને શાંઘાઈ એક્ચચેન્જના ઇન્ડેક્સ ઊંચી સપાટીએ સ્થિર થયા હતા જ્યારે હોંગકોંગનો હેંગસેંગ ઇન્ડેક્સનેગેટીવ ઝોનમાં ગબડ્યો હતો. યુરોપિયન બજારો મધ્યસત્ર સુધી નેગેટીવ ઝોનમાં અથડાતા રહ્યાં હોવાના અહેવાલો હતા. શુક્રવારે યુએસ બજારો પોઝિટિવ ઝોનમાં બંધ થયા હતા.
બીએસઈ સેન્સેક્સમાં સમાવિષ્ટ ૩૦ સ્ક્રિપ્સમાંના મુખ્યત્વે સ્ટેટ બેન્ક ૨.૫૫ ટકા, એનટીપીસી ૨.૨૩ ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ્સ ૧.૯૮ ટકા, મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૦.૯૬ ટકા, આઈટીસી ૦.૮૩ ટકા, બજાજ ફાઈનાન્સ ૦.૮૨ ટકા, તાતા મોટર્સ ૦.૭૮ ટકા, મારુતિ ૦.૬૮ ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક ૦.૬૭ ટકા અને કોટક બેન્ક ૦.૫૯ ટકા વધ્યા હતા.
જ્યારે એશિયન પેઈન્ડ્સ, ૧.૪૪ ટકા, તાતા સ્ટીલ ૧.૧૩ ટકા, એક્સિસ બેન્ક ૦.૪૪ ટકા, ટેક મહિન્દ્ર, ૦.૪૩ ટકા, તાતા ક્ધસલ્ટન્સી ૦.૪૦ ટકા, ઈન્ફોસિસ ૦.૨૮ ટકા અને નેસ્લે ૦.૨૫ ટકા ઘટ્યા હતા. એક્સચેન્જના ડેટા અનુસાર વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)એ શુક્રવારે રૂ. ૪,૦૨૧.૬૦ કરોડની ઇક્વિટી ખરીદી હતી. ગ્લોબલ ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૧૮ ટકા વધીને ૮૫.૧૫ ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. દરમિયાન શુક્રવારે બીએસઇ બેન્ચમાર્ક ૬૨૨ પોઈન્ટ અથવા ૦.૭૮ ટકા ઉછળીને ૮૦,૫૧૯.૩૪ પોઇન્ટ પર સેટલ થયો હતો. નિફ્ટી ૧૮૬.૨૦ પોઈન્ટ અથવા ૦.૭૭ ટકા વધીને ૨૪,૫૦૨.૧૫ પર પોઇન્ટ પર સેટલ થયો હતો.