વેર- વિખેર પ્રકરણ -૧૧
કાકુ, ઉંમર વધુ એમ અનુભવ વધુ એવું કોણે કહ્યું ? જીવનને ડબલ શિફ્ટમાં જીવો તો અનુભવ બેવડો થાય. અને હા, કાકુ, મારી પાસે મરવા માટે તમારા કરતાં વધુ સબળ કારણ છે !
કિરણ રાયવડેરા
‘કાકુ, તમે પત્નીથી કંટાળીને મરવાની ઈચ્છા કરો એવા નથી.’ ગાયત્રી અચકાતા- ખંચકાતા બોલી હતી.
‘બિલકુલ સાચી વાત. પત્ની મને આ રસ્તે તો મન જ ધકેલી શકે!’
‘તો પછી એવું શું છે, કાકુ ? તમે ક્ન્ફ્યુઝડ છો, ખુદ ગૂંચવાઈ ગયા છો, કંઈ ન સૂઝ્યું એટલે જીવનને પતાવવા નીકળી પડ્યા.’
ગાયત્રી હિંમતભેર બોલી ગઈ.
આ છોકરી મારી મજાક કરે છે કે શું ? ‘જો ગાયત્રી, મને મારું જીવન કેટલાંક વરસોથી આકરું લાગવા માંડ્યું હતું. એક ખાલીપો હતો, શૂન્યાવકાશ સર્જાઈ ગયો હતો. કોઈ મારું નથી એવું લાગતું હતું. કોઈ ઉદ્દેશ્ય બચ્યો નથી એવી પ્રતીતિ થતી હતી. બસ, પછી તો પ્રભાના કકળાટે અને ઘરના વાતાવરણે બળતામાં ઘી હોમ્યું એટલે જીવનથી કંટાળી ગયો.’
‘ને હાલી નીકળ્યા આપઘાત કરવા ?!’ ગાયત્રી ઉગ્ર સ્વરે બોલી ઊઠી :
‘તમે શું સમજો છો તમારા મનમાં ? કાકુ… તમે તો બાળક કરતાં પણ બદતર નીકળ્યા. તમે આટલા રૂપિયા કમાયા કેવી રીતે ? એક સફળ ઉદ્યોગપતિ કેવી રીતે બન્યા ? જીવનમાં કોઈ હેતુ, કોઈ ઉદ્દેશ્ય ન રહ્યો એટલે મરવા નીકળી પડ્યા ? વ્હોટ નોસેન્સ… અરે,જીવનમાં ઉદ્દેશ્ય ન હોય તો શોધવો પડે!’
જગમોહન ઉશ્કેરાઈ ગયો. એનું શરીર ઉત્તેજનાથી ધ્રૂજવા લાગ્યું. છોકરાએ પટક્યો હતો એના કરતાં વધુ જોરથી એણે ગ્લાસ ટેબલ પર અફળાવીને એ ઊભો થઈ ગયો. કાઉન્ટર પર રૂપિયા મૂકીને એણે ચાલતી પકડી.
‘અરે કાકુ, તમે તો વળી પાછા નારાજ થઈ ગયા. અરે, હું તો મજાક કરતી હતી. કાકુ, પ્લીઝ !’ જગમોહનનો હાથ પકડીને ગાયત્રીએ એને ઊભો રાખી દીધો.
ધાબાનો માલિક કોઈ ગ્રાહકને ઊંચા સ્વરે કહેતો હતો – ‘પતા નહીં, બાપ-લડકી કે બીચ ક્યા ઝઘડા હો ગયા.’
જગમોહન અને ગાયત્રી ક્ષોભપૂર્વક ચાલવા માંડ્યાં.
‘જો ગાયત્રી,’ થોડે દૂર આવીને જગમોહન ફરી અટક્યો, ‘તું મને બહુ જ ગમે છે. તારા જેવી ડાહી અને બુદ્ધિશાળી છોકરી મેં નથી જોઈ, પણ પ્લીઝ, તું મને માફ કરી દે… અને જો, આપણી બે કલાકની મુદતમાં દોઢ કલાક તો વીતી ગયો. મારે ફરી મેટ્રો સ્ટેશન પર પહોંચવાનું છે.’ ગુસ્સા પર કાબૂ રાખવામાં જગમોહનને પ્રયત્ન કરવો પડતો હતો.
‘કાકુ, મેટ્રો તો મારે પણ પહોંચવું છે, પણ તમને એમ નહીં જવા દઉં.’
‘ગાયત્રી, તું શું ઈચ્છે છે મારી પાસેથી ? હું એ હોટલમાં નથી બેસવાનો. મને ગૂંગળામણ થાય છે.’
‘કેમ, મારા બાપ બનવામાં વાંધો છે ?’ ગાયત્રી થોડા લાડ સાથે બોલી, પછી ફરી ગંભીર થઈ જતાં કહ્યું, ઓ.કે… આપણે ચાલતા રહીએ. પણ તમે મને છોડીને નહીં જાઓ.’ ગાયત્રીના અવાજમાં ફરી યાચનાનો ભાવ ભળ્યો હતો.
બંને સાથે ચાલવા લાગ્યાં.
‘ગાયત્રી, તું જ મને કહે કે હું બાળક જેવો લાગું છું ? શું મારામાં બુદ્ધિ નથી ? મને સાચાખોટાનું ભાન નથી?’
જગમોહન ફરી ઉત્તેજિત થઈ રહ્યો હતો. ગાયત્રી ચૂપ રહી.
‘ગાયત્રી, તેં વાત શરૂ કરી છે એટલે તારે જવાબ તો આપવો પડશે.’
‘કાકુ, હું કંઈ કહીશ તો તમને ખરાબ લાગશે. જોકે, હકીકત એ છે કે તમે એક જિદ્દી, અતિ લાડથી બગડેલા બાળક જેવા છો જે જીવનને પોતાના જ દૃષ્ટિકોણથી જુએ છે.’
ગાયત્રીએ ત્રાંસી આંખે જગમોહનના ભાવ કળવાની કોશિશ કરી. જગમોહન બીજી બાજુ જોતો હતો.
‘કાકુ, માફ કરજો ખરાબ લાગ્યું હોય તો… પણ તમે તમારી જાતને ખૂબ પ્રેમ કરો છો. આપણે બધા આપણી જાતને ચાહીએ છીએ પણ તમે જરા વધુ પડતો પ્રેમ કરો છો તમારી જાતને. માનસશાસ્ત્રની દૃષ્ટિએ આ સ્થિતિને એક રોગ તરીકે ઓળખવામાં આવે છે.’
‘તું તો એવી રીતે વાત કરે છે જાણે તું પોતે મોટી સાઈકિયાટ્રિસ્ટ હો… ૨૩ વરસની ઉંમરે જીવનનો તારો કેટલો અનુભવ !’ જગમોહન ખિજાઈ ગયો હતો :
‘અને બધી સમસ્યાનો જો તારી પાસે ઉકેલ છે તો પછી તું શા માટે આપઘાત કરવા નીકળી પડી ?’
‘કાકુ, ઉંમર વધુ એમ અનુભવ વધુ એવું કોણે કહ્યું ? જીવનને ડબલ શિફ્ટમાં જીવો તો અનુભવ બેવડો થાય. અને હા, કાકુ, મારી પાસે મરવા માટે તમારા કરતાં વધુ સબળ કારણ છે ! તમારા જેવું બાલિશ કારણ નથી. તમે તો ખૂબ નબળા અને ભાવુક નીકળ્યા , કાકુ.’
જગમોહને એક વેધક નજર ગાયત્રી તરફ ફેંકી અને પછી ત્યાંથી ચાલવા માંડ્યો. જતાં જતાં બોલતો ગયો:
‘જો ગાયત્રી, જિંદગીની છેલ્લી પળોમાં મારું અપમાન થાય એવું હું નથી ઈચ્છતો. હવે હું જાઉં છું. મેટ્રો સ્ટેશન પર પહોંચીશ ત્યાં જ બે કલાક પૂરા થઈ જશે. બાય બાય… હવે આવતા જન્મે મળીશું.’
‘કાકુ, જુઓ તમારી વાતથી જ પુરવાર થાય છે કે તમે તમારી જાતને ખૂબ ચાહો છો’ જગમોહનની પાછળ દોડતાં ગાયત્રી બોલી :
‘નહીંતર સત્ય સાંભળીને તમે ભડકી ન ગયા હોત. તમારા જેવી વ્યક્તિ ખોટી હોઈ જ ન શકે એવું તમે માની બેઠા છો. બાકી કાકુ, પ્રભા તો દરેક વ્યક્તિને જીવનમાં એક યા બીજા વેશમાં મળે છે. તમે ઉતાવળ ના કરો.’
જગમોહન પર ગાયત્રીના શબ્દોની કોઈ અસર ન થઈ હોય એમ ચાલતો રહ્યો. પાછળ જોયા વિના એણે હાથ હલાવીને ‘બાય બાય’ કર્યું.
એ જ પળે જમણી બાજુથી એક માલ લદાયેલી ટ્રક તેજ રફતારથી આવી અને એ જ સ્પીડથી ડાબી બાજુ વળી. જગમોહન હબક ખાઈને પાછળ હટી ગયો. હજી કોઈ કંઈ વિચારી શકે એ પહેલાં જ એક યુનિફોર્મ પહેરેલો આઠેક વરસનો છોકરો ટ્રકની હડફેટમાં આવી ગયો.
બીજી જ સેક્ધડે એ બાળકનું શરીર હવામાં ફંગોળાયું. ચોતરફ લોકોના શ્વાસ્ અધ્ધર થઈ ગયા. પલકવારમાં તો એ છોકરાનું શરીર જગમોહન અને ગાયત્રીની વચ્ચે પટકાયું. ચારેબાજુ હાહાકાર મચી ગયો. ટ્રકના ડ્રાઈવરે ગભરાઈને ભાગવાની કોશિશ કરી પણ ટ્રક પર કાબૂ ગુમાવી બેસતાં ટ્રક ફૂટપાથ પર ચડી ગઈ. લોકોના હાથમાં ડ્રાઈવર ચડી ગયો. લોકોને તો જાણે વરસોની ખીજ હોય તેમ ડ્રાઈવર પર તૂટી પડ્યા.
આ તરફ છોકરો જગમોહનના પગ પાસે તરફડતો હતો. કદાચ ગણતરીની મિનિટોનો મહેમાન હતો, કદાચ એક કલાક-વધુમાં વધુ બે કલાક !
ગાયત્રીએ પ્રશ્નાર્થ નજરે જગમોહન દીવાન સામે જોયું. એની આંખો જાણે કહેતી હોય:
‘કાકુ, તમારે ઉદ્દેશ્યની તલાશ હતી ને આ રહ્યો ઉદ્દેશ્ય. ઊંચકો એને…’
‘હવે શું કરવું ?’
એક તરફ મેટ્રો સ્ટેશનમાં મોત રાહ જોતું ઊભું હતું, બીજી તરફ મોતને ભેટવા જિંદગી પગ પાસે તરફડતી હતી અને સામે એક છોકરી એને આહ્વાન આપતી હતી:
હવે કરો પસંદગી, ખુદ મરવું છે કે કોઈને જિવાડવું છે ?!
વાહ જિંદગી, તું મારો પીછો જ નથી છોડતી. હું જેટલો તારાથી દૂર જવાની કોશિશ કરું છું એટલી જ તું, મારી નજીક આવતી જાય છે. જગમોહનના મનમાં એક વિચાર લિસોટાની જેમ પસાર થઈ ગયો.
હવે શું કરવું? એના પગ પાસે એક બાળકનું લોહીથી લથપથ શરીર, છેલ્લી આંચકી લેતું હતું. જો એ ત્યાં જ પ્રાણ ત્યજી દે તો…
અપરાધનો આટલો વજનદાર ભાર લઈને એ શાંતિથી મરી શકશે? આપઘાત કરતી વખતે એના પોતાના દુ:ખ દર્દ, એની ફરિયાદો બધું ભુલાઈ જશે, માત્ર આ બાળકનો કુમળો ચહેરો નજર સામે તરવર્યા કરશે.
જગમોહને એક નજર છોકરા પર ફેંકી. પછી ગાયત્રી સામે જોયું. ડ્રાઈવરને મારીને અધમૂવો કર્યા બાદ ટોળાનું ધ્યાન હવે અકસ્માતમાં ઘાયલ થયેલા બાળક પર ખેંચાતું હતું.
‘અરે ઈસકો કોઈ અસ્પતાલ પહોંચાઓ… વર્ના બિચારા યહીં હી મર જાયેગા!’ વધતી જતી ભીડમાંથી એક અવાજ ઊઠયો અને ફરી શોરબકોરમાં ખોવાઈ ગયો.
ગાયત્રી આગળ વધી, જગમોહનને લાગ્યું એની આંખમાં તુચ્છકાર હતો, જાણે એ મૂક આક્ષેપ કરતી હોય:
‘છટ, પુરુષ થઈને જીવતાં આવડયું નહીં અને હવે મરતાં પહેલાં કોઈનું જીવન બચાવવાને બદલે સ્વાર્થી થઈને મૃત્યુને જ વળગી રહેવા માગે છે.’
જગમોહને નિર્ણય લઈ લીધો.બે હાથે છોકરાને ઊંચકીને એ દોડ્યો.
‘ગાયત્રી, તું રસ્તા વચ્ચે ઊભી રહીને કોઈ પણ ગાડી અટકાવી દે… કંઈ થશે તો હું જોઈ લઈશ.’
ગાયત્રીના ચહેરો પર ખુશીની લહેર દોડી ગઈ. એના ચહેરામાં ભાવપલટો આવી ગયો. જગમોહન પ્રત્યે માનની લાગણી ઊભરી આવી હોય એવા ભાવથી એ બોલી…
‘યસ કાકુ, તમે ચિંતા ન કરો… હું કોઈ પણ કારને અટકાવી દઈશ.’
આજુબાજુ ટોળામાં ઊભેલા લોકો કંઈ સલાહ સૂચન કરે એ પહેલાં તો બંને દોડીને મુખ્ય રસ્તા પર આવી ગયાં. ગાયત્રી તો ટ્રાફિકને આંતરીને રસ્તા વચ્ચે ઊભી રહી ગઈ. એની સામે જ કાર ઊભી રહી એનો ડ્રાઈવર આનાકાની કરે એ પહેલાં જ ગાયત્રીએ કારનો પાછલો દરવાજો ખોલી નાખ્યો અને જગમોહનને અંદર બેસવા કહ્યું. જગમોહન બાળકને લઈને પાછળ ગોઠવાયો કે ગાયત્રી આગળ ડ્રાઈવરની પડખે બેસી ગઈ.
‘હું ચલાવું કે તમે ચલાવશો? આ છોકરાની હાલત બહુ જ નાજુક છે. એને તાબડતોબ હોસ્પિટલ ભેગો કરવો પડશે.’ ગાયત્રીઓએ કરડાકીથી ડ્રાઈવરને ધમકાવતી હોય એ ઢબથી કહ્યું.
ડ્રાઈવરે કહ્યું: ‘ના મેડમ, હું ચલાવીશ.’
કાકુ, આ પાર્કની પાછળના નર્સિંગ હોમમાં આપણે જઈએ. દૂર કોઈ હોસ્પિટલ સુધી પહોંચી નહીં શકીએ કદાચ. છોકરાની હાલત સારી નથી લાગતી.’
‘યસ, ગાયત્રી, આઈ થીંક હી ઈઝ સિંકિંગ.’
‘મેડમ, તમને વાંધો ન હોય તો એક વાત કરું.’ ડ્રાઈવરે ડરતાં ડરતાં ગાયત્રીની મંજૂરી માગી. ગાયત્રીએ એને બોલવા માટે ઈશારો કર્યો.
‘જુઓ આ રોડ એક્સિડન્ટનો કેસ છે. કોઈ પણ નર્સિંગ હોમ હાથ નહીં અડાડે. આ પોલીસનો કેસ છે એટલે એને ગવર્નમેન્ટ હોસ્પિટલ લઈ જવો પડશે પછી એનાં જેવાં નસીબ.’
ડ્રાઈવરની વાત સાચી હતી. જગમોહન સામે ગાયત્રીએ જોયું.
‘તમે પ્રાઈવેટ નર્સિંગ હોમ તરફ જ લો.’ જગમોહને મક્કમ સ્વરે કહ્યું. ગાયત્રી ગેલમાં આવી ગઈ.
‘હવે જો, હમારા કાકુ બોલા કી નર્સિંગ હોમ… તો ચલો નર્સિંગ હોમ… નો મોર ક્વેશ્ર્ચન્સ!’
‘મેડમ…’ ડ્રાઈવરનો અવાજ ધ્રૂજતો હતો, આ તો પોલીસનું લફરું થાય ને તો નાહકની ઉપાધિ… અજાણ્યાને બચાવવા જાઓ અને પછી તકલીફનો પાર ન રહે.’
‘તારી વાત સાચી છે. અજાણ્યાને બચાવવા જાઓ અને પછી તકલીફનો પાર જ ન રહે.’ કહીને ગાયત્રીએ પાછળ જોયું. જગમોહન બેહોશ બાળકના ગાલ થપથપાવતો હતો. એનાં કપડાં છોકરાના લોહીથી લથપથ થઈ ગયાં હતાં.
‘પણ હવે એક વાત સાંભળી લે…’ ગાયત્રીએ ડ્રાઈવર તરફ ફરીને કહ્યું,
‘ફરી જો પોલીસના લફરાની વાત કરી છે તો ઠીક નહીં થાય. તું ચૂપચાપ ગાડી ચલાવ.’
‘ઓ.કે. મેડમ’ પેલાએ ગાડી મારી મૂકી.
‘ગાયત્રી, જો તો છોકરાની નાડી ચાલે છે ને…’ જગમોહન બેબાકળો થઈને બાળકની નાડી શોધવાની કોશિશ કરતો હતો. ગાયત્રીએ ધ્યાનથી જોયું, છોકરાની છાતી ખૂબ જ મંદ ગતિથી ઊંચી-નીચી થતી હતી. કદાચ એની સ્થિતિ વધુ વણસતી હતી.
‘કાકુ, છોકરો જીવે છે. બટ હી ઈઝ ઈન અ બેડ શેપ… આપણે જલદી હોસ્પિટલ પહોંચીએ તો સારું.’
ગાયત્રીએ ડ્રાઈવર સામે જોયું. પેલાએ સ્પીડ વધારી દીધી. થોડી પળોમાં જ કાર એ.જે.સી. બોઝ રોડના એક પ્રાઈવેટ નર્સિંગ હોમના વિશાળ પ્રવેશદ્વાર પાસે એક આંચકા સાથે ઊભી રહી ગઈ.
જગમોહન બારણું ખોલીને બાળકને ઊંચકીને કાર તરફ દોડ્યો. રિસેપ્શન પાસે જઈને એ બરાડ્યો.
‘ઈમરજન્સી.. હરી અપ.!’
રિસેપ્શનડ ડેસ્ક પાછળ બેઠેલા એક કલાર્કે કાનમાંથી મેલ કાઢતાં કાઢતાં લોહીલુહાણ છોકરા સામે એક અછડતી નજર ફેંકી અને પછી ભાવશૂન્યતાથી કહ્યું:
‘આ તો પોલીસ કેસ છે. આને કોઈ ગવર્નમેન્ટ હોસ્પિટલ લઈ જાઓ.’ આટલું બોલીને એ ફરી નિર્લેપતાથી કાનમાંથી મેલ કાઢવામાં વ્યસ્ત થઈ ગયો.
જગમોહને એક હાથથી બાળકનને પકડી રાખ્યો અને બીજા હાથથી પેલા ક્લાર્કનું ગળું પકડી લીધું:
‘સાંભળ, યુ… તારા ડીનને ફોન લગાડ અને કહે જે જગમોહન દીવાન આવ્યા છે. જો તું હમણાં જ ઈન્ટરકોમ નહીં કરે તો આ છોકરાનું તો જે થવાનું હશે એ જશે પણ એ પહેલાં તારું મોત નિશ્ર્ચિંત છે.’
ક્લાર્ક થરથર કાંપવા લાગ્યો. કાનમાં ખોસેલી સળી કાનમાં જ લટકતી રહી ગઈ.
‘સાહેબ, તમે ગળું છોડો તો હું ફોન કરું ને!’ એ કરગર્યો.
જગમોહને પકડ ઢીલી કરી પણ એને છોડ્યો નહીં. આજુબાજુ પણ ચાર-પાંચ લોકો એકઠાં થઈ ગયાં.
પેલાઓ ઈન્ટરકોમમાં બે નંબર ડાયલ કરીને રિસીવરમાં ઘોઘરા સ્વરે બોલ્યો:
‘સર જગમોહન દીવાન બોલ કે કોઈ આદમી આયા હૈ… ઈમરજન્સી કેસ લે કે…’
બીજી જ પળે એ કારકુનનો ચહેરો પડી ગયો. ડીને જે પણ કહ્યું હોય એની એ જડસુ ક્લાર્ક પર જાદુઈ અસર થઈ.
‘સર, માફ કીજીયેગા…’ કહીને પેલો તો એની જગ્યાએથી ઊછળ્યો. (ક્રમશ:)