WCL 2024: યુવરાજ, હરભજન અને રૈનાના વિડીયોને લઈને સર્જાયો વિવાદ; નવી દિલ્હીમાં નોંધાઈ ફરિયાદ

નવી દિલ્હી: શનિવારે વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ 2024નો ખિતાબ યુવરાજ સિંહની આગેવાનીમાં ઈન્ડિયા ચેમ્પિયન્સે જીત્યો હતો. ફાઈનલ મેચમાં પાંચ રનથી ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું. આ મેચ બાદ ભારતીય ખેલાડીઓએ જોરશોરથી ઉજવણી કરી હતી. જોકે આ જીતની ઉજવણીમાં તેણે કંઈક એવું કર્યું જેનાથી હવે વિવાદ સર્જાયો છે. તેમના વાયરલ થઈ રહેલા વિડીયોમાં વિકલાંગોની મજાક ઉડાવવાનો આરોપ લાગ્યો છે. જો કે હવે આ વિવાદ
FIR સુધી પહોંચી ગયો છે.
હકીકતે વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સનો ખિતાબ જીત્યા બાદ યુવરાજ સિંહ, સુરેશ રૈના અને હરભજન સિંહ રમૂજી અંદાજમાં લંગડાતા ચાલતા હોય તેવી રીતે જીતની ઉજવણી કરતા જોવા મળ્યા હતા. તેનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ભારતીય પેરા-બેડમિન્ટન ખેલાડી માનસી જોશીએ આ અંગે નારાજગી વ્યક્ત કરી છે. માનસી જોશીનું માનવું છે કે રૈના-યુવી અને ભજ્જી વિકલાંગ લોકોની મજાક ઉડાવી રહ્યા છે. માનસીએ પોતાની ઈન્સ્ટા સ્ટોરી પર લખ્યું, “તમારા જેવા ક્રિકેટ સ્ટાર્સ પાસેથી જવાબદારીની અપેક્ષા રાખવામાં આવે છે. કૃપા કરીને વિકલાંગ લોકોની મજાક ન ઉડાવો.” માનસીએ આ વીડિયોને અપમાનજનક ગણાવ્યો હતો.
આ મામલે વિવાદ વધુ વકર્યા બાદ હરભજન સિંહે માફી માંગી હતી અને પોતાના ઈન્સ્ટા હેન્ડલ પરથી આ વીડિયો ડિલીટ કરી દેવામાં આવ્યો હતો અને તે સમયે તેણે સ્પષ્ટતા કરી હતી ભારતીય ખેલાડીઓએ કોઈને દુઃખ પહોંચાડવાના ઈરાદાથી આ વીડિયો બનાવ્યો નથી. તેમણે લખ્યું હતું કે “અમે આ વિડિયો કોઈને દુઃખ પહોંચાડવાના ઈરાદાથી શેર નહોતો કર્યો. અમે ફક્ત 15 દિવસ સુધી સતત રમ્યા હોવાથી અમારી હાલતને અમે વિડીયો દ્વારા દર્શાવી હતી. અમે કોઈનું અપમાન કર્યું નથી, પરંતુ જો કોઈને લાગે છે કે અમે કંઈક ખોટું કર્યું છે, તો હું માફી માંગુ છું. “
ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરવામાં આવેલા વીડિયોમાં વિકલાંગ લોકોની મજાક ઉડાવવા બદલ પૂર્વ ક્રિકેટર હરભજન સિંહ, સુરેશ રૈના, યુવરાજ સિંહ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. નેશનલ સેન્ટર ફોર એમ્પ્લોયમેન્ટ પ્રમોશન ફોર પર્સન્સ વિથ ડિસેબિલિટીઝ (NCPEDP)ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અરમાન અલીએ નવી દિલ્હીમાં અમર કોલોની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મળ્યા બાદ આ મામલાની વધુ તપાસ માટે તેને જિલ્લાના સાયબર સેલ સાથે સાંકળવામાં આવશે.