તરોતાઝા

લલચામણી ને સ્વાદિષ્ટ ‘ફ્રેંચ ફ્રાઈસ્’ તાજેતરમાં જ ૧૩ જુલાઈના “વિશ્ર્વ ફ્રેંચ ફ્રાય -ડે’ ઉજવાઈ ગયો…

સ્વાસ્થ્ય સુધા -શ્રીલેખા યાજ્ઞિક

ચાલો, આજે થોડો સમય બાળપણની યાદમાં ખોવાઈ જઈએ. પ્રત્યેક વ્યક્તિના જીવનની સૌથી ઢગલાબંધ યાદગાર પળે એટલે બાળપણ. બાળપણમાં રમવાનું-જમવાનું અને મોજમાં રહેવાનું એ જ મુખ્ય કામ હોય. તેમાં પણ જ્યારે મિત્રો-ભાઈ-ભાંડુની સાથે વિવિધ રમતો રમવાની વાત હોય ત્યારે મિત્ર કરતાં વધુ ભાઈ-બહેનની કાળજી લેવાય. વિવિધ રમતો જેવી કે પકડદાવ, કબ્બડી, ઊભી ખો, બેઠી ખો, લુપ્પા-છુપ્પી, સાતતાળી કે ગોટીની રમતમાં જીતવાનાં જુસ્સાથી હરખાઈએ. જેથી આપમેળે આત્મવિશ્ર્વાસ છલકાવા લાગે. અનેક વખત રમતી વખતે નાના ભાઈ કે બહેનના આનંદ માટે મોટાભાઈ ‘અંચઈ’ કરીને પકડાઈ જતાં બચાવી લે. ચીટિંગ (અંચઈ) કરીને મિત્રોની સામે આંખના પલકારાથી મલકાઈને, નિર્દોષ આનંદમાં ગરકાવ થઈ જવાનું. આવી તો કેટલીય સુખદ પળો મળતી.
આપણે ત્યાં કહે છે કે ‘આહાર તેવા વિચાર તેમજ આહાર તેવું આરોગ્ય’. ભારતીય સંસ્કૃતિમાં ભોજનને કળા ગણવામાં આવે છે. સ્વાદિષ્ટ રસસભર વાનગીઓની વિવિધતાનો આનંદ માણવાનું મન રોકી તો ના જ શકાય તેથી જ આહારતજજ્ઞો તેને ‘ચીટ ડે’ મનાવીને વાનગીનો સ્વાદ માણવાનું કહેતાં હોય છે.

‘ચીટ ડે ’ એ બીજું કાંઈ નહીં, પરંતુ ‘સ્વ સાથે અંચઈ કરવાની કળા.’ આપણે બધા જ જાણીએ છીએ કે તળેલો ખોરાક સ્વાસ્થ્ય માટે બિનઆરોગ્યપ્રદ ગણાય. તેમાં પણ બટાકાને તળવાથી તેમાં કાર્બોહાઈડ્રેટની માત્રા વધી જાય. બજારમાં મળતી ગરમાગરમ ફ્રાઈસમાં ફ્રોઝન ફ્રાઈસનો ઉપયોગ મોટે ભાગે થતો હોય છે. બટાકાની ચીપ્સ કે જે ફ્રેંચ ફ્રાય તરીકે દેશ-વિદેશમાં ઓળખાય છે. તેનો આનંદ વરસતા વરસાદમાં ઘરે બનાવીને માણવાની મજા કાંઈ હટકે જ આવતી હોય છે.

‘ફ્રેંચ ફ્રાઈસ’ એક લલચામણી વાનગી છે. નાના-મોટા બધાને અત્યંત પ્રિય હોય છે. વિશ્ર્વમાં ૧૩મી જુલાઈનો દિવસ ‘ ફ્રેંચ ફ્રાય ડે’ તરીકે ઉજવવામાં આવે છે. ફ્રેચ ફ્રાઈસનું નામ સાંભળીને આપને થશે કે આ વાનગીનો સંબંધ ફ્રાંસ સાથે હશે. વાસ્તવમાં ફ્રેંચ ફ્રાઈસ જેવી સ્વાદિષ્ટ વાનગી ઉપર ફ્રાંસની સાથે બેલ્જિયમ, અમેરિકા પોતાનો હક્ક જતાવે છે. પાર્ટી હોય કે નાની મોટી ઊજવણી હોય ફ્રેચ ફ્રાઈસ વગર પાર્ટી અધૂરી લાગે છે. બર્ગર હોય કે સેન્ડવીચ સાથે તાજી -તાજી ગરમા-ગરમ ફ્રેસ ફ્રાયસ ખાવાનો આનંદ કાંઈ અલગ જ હોય છે. વિશ્ર્વમાં વિવિધ પ્રકારની ફ્રેંચ ફ્રાઈસ બને છે.

કર્લી ફ્રાઈસ
આ એક ખાસ પ્રકારની ફ્રાઈસ છે. સ્પ્રિંગ જેવો ગોળાકાર ધરાવતી આ ફ્રાઈસને સર્પિલ સ્લાઈસરની મદદથી કાપવામાં આવે છે. તેને ‘ગોલ્ડીલૉક્સ ફ્રાઈસ’ તેમજ ‘સૂજી-ક્યૂ-ફ્રાઈસ’ તરીકે ઓળખવામાં આવે છે.
ફ્રેંચ ફ્રાઈસના શોખીનો અનેક વખત તેનો સ્વાદ માણવાનું ટાળતા હોય છે. તેમને માટે હાવર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર ટી.એચ. ચૈનની સલાહ છે કે મનગમતી ફ્રાઈસ અચૂક ખાવી જોઈએ. પરંતુ મર્યાદિત માત્રામાં ખાવાથી તે સ્વાસ્થ્ય માટે હાનિકારક બનતી નથી. ફ્રેંચ ફ્રાઈસ ખાતી વખતે સાથે ભરપૂર પ્રમાણમાં સલાડ ખાવાથી પેટ ઝડપથી ભરાઈ જશે. તેમજ ફ્રાઈસ ખાવાનો સંતોષ મેળવી શકાશે. આમ કરવાનું મુખ્ય કારણ એક પ્લેટ બટાકાની તળેલી ફ્રાઈસમાં ૨૦૦ કૅલરીની માત્રા જોવા મળે છે. વળી તેમાં સ્ટાર્ચ તેમજ મીઠું કે વિવિધ મસાલો ભેળવીને ખાવાથી બ્લડપ્રેશરની તકલીફ થવાની શક્યતા રહે છે.
અનેક વખત તેને એર-ફ્રાય કે બૅક કરીને ખાવાનું પસંદ કરે છે. જેને કારણે કૅલરીની માત્રા ઘટે છે, પરંતુ તેને ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન અચૂક થાય છે. અન્ય પર્યાય વિચારીએ તો બટાકાને બદલે શક્કરિયાંની ફ્રાઈસ સારો પર્યાય ગણી શકાય. તેનું કારણ છે કે શક્કરિયામાં વિટામિન એ, વિટામિન સી તેમજ ફાઈબરની માત્રા વધુ સમાયેલી હોય છે. તેમજ કૅલરીનું પ્રમાણ બટાકાની સરખામણીમાં ઓછું જોવા મળે છે.

ટોર્નેડો ફ્રાઈસ
ટોર્નેડો ફ્રાઈસ દક્ષિણ કોરિયાનું લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ ગણાય છે. જેમાં બટાકાને સ્પાઈરલ કટ કરીને તળવામાં આવે છે. તળાઈ ગયા બાદ તેમાં પનીર, મધ કે અન્ય સિઝનીંગ કરીને પીરસવામાં આવે છે. ફ્રાઈસનો સ્વાદ તેની ઉપર લગાવવામાં આવતાં મસાલાને કારણે વધી જાય છે.

સ્વીટ પોટેટો ફ્રાઈસ
બટાકાને બદલે શક્કરિયાંને તળીને બનાવવામાં આવે છે. તેને વિવિધ રીતે પીરસવામાં આવે છે. જેમ કે વેફલ્સ,
ચીપ્સ કે મીઠાઈના રૂપમાં. જેમાં ખાંડની ચાસણી, માર્શમેલો કે ક્રીમની સાથે પીરસવામાં આવે છે.

પૌટીન
આ ફ્રાઈસ મુખ્યત્વે ૧૯૫૦માં કેનેડાના ક્યૂબેક પ્રાંતમાં બનાવવામાં આવી. ફ્રાઈસની સાથે ચીઝને દહીંમાં ભેળવીને ખાસ પ્રકારની બ્રાઉન ગ્રેવી સાથે તૈયાર કરીને પીરસવામાં આવે છે. તેને રાત્રિના સમયે ચટર-પટર ખાવાની ઈચ્છા થાય ત્યારે ખાવામાં આવે છે.

સ્ટેક ફ્રાઈસ
આ ફ્રાઈસ દેખાવમાં થોડી જાડી હોય છે. તેના કૉર્નર અત્યંત ક્રિસ્પી હોય છે. તો મધ્ય ભાગ મુલાયમ હોય છે. એક -બે ખાધા પછી તેને વધુ ખાવાનું મન રોકી શકાતું નથી.

ફ્રાઈસ વિશે અવનવું

  • ફ્રેંચ ફ્રાઈસનો ઈતિહાસ અત્યંત દિલચસ્પ છે. ૧૭મી સદીમાં ફ્રાન્સિસી ક્રાંતિ ચાલી રહી હતી તે સમય દરમિયાન સૈનિકોને ખાવા માટે ફ્રેંચ ફ્રાઈસ આપવામાં આવતી હતી. જે ધીમે ધીમે આમજનતામાં લોકપ્રિય બનવા લાગી.
  • ફ્રાંસમાં આવેલા પૈરિસિયન પુલના નામ ઉપરથી ફ્રાઈડ બટાકાનું નામ ફ્રાઈટ્સ પોન્ટ ન્યૂફ રાખવામાં આવ્યું હતું. ધીમે ધીમે તે ફ્રેંચ ફ્રાઈસના નામથી ઓળખાવા લાગી.
  • અમેરિકન પ્રેસિડેન્ટ થોમસ જેફરસન નવી નવી વાનગી ખાવાના શોખીન હતા. તેમણે પોતાના રસોઈયા પાસે એક વખત ફ્રેંચ ફ્રાઈસ બનાવડાવી. ધીમે ધીમે સ્થાનિકોમાં આ વાનગી લોકપ્રિય બનવા લાગી.
  • ફ્રેંચ ફ્રાઈસનો ઈતિહાસ લોકોના માનસપટ ઉપર સદા માટે અંકિત થાય તે હેતુથી બે માળનું ભવ્ય મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે. આ મ્યુઝિયમું નામ ‘ફ્રાઈટમ્યુઝિયમ’ રાખવામાં આવ્યું છે. મુલાકાતીઓ ચીપ્સ કે વેફર્સના ઈતિહાસ વિશે અનેક જાણકારી મેળવી શકે છે. જેમ કે બટાકાના ગુણો, પહેલાંના વખતમાં ચીપ્સ કઈ રીતે બનાવવામાં આવતી. તો હાલના સમયમાં મોંમાં મુકતાની સાથે કુરકુરીત ચીપ્સ ખાવાનો સંતોષ મળે તે બનાવવાની રીત જાણવા મળશે.
    અમેરિકન લેખક ચાર્લ્સ ડીક્ધસે ફ્રેન્ચ ફ્રાય ઉપર પુસ્તક લખ્યું છે.
  • આફ્રિકી દેશો તેમજ ખાડીના દેશોમાં સૌથી વધુ પસંદગીની વાનગી તરીકે ખવાવા લાગી. યુરોપમાં તેને અન્ય નામથી પણ ઓળખવામાં આવે છે. જેમ કે સ્કિની ફ્રેંચ ફ્રાઈસ, રાઉન્ડ ફ્રેંચ ફ્રાઈસ, ક્લાસિક ફ્રેંચ ફ્રાઈસ વગેરે.
  • ફ્રાંસ તેમજ બેલ્જિયમની આસપાસના વિસ્તારમાં વસતાં લોકો ઠંડીમાં બટાકાને માછલીના આકારમાં કાપ્યા બાદ તેલમાં તળીને તેનો આનંદ માણવા લાગ્યા હતા.
  • ફ્રેંચ ફ્રાયનું સેવન પ્રમાણભાન રાખીને કરવામાં આવે તો તે વ્યક્તિના સ્વાસ્થ્ય માટે ગુણકારી બને છે. તેનું મુખ્ય કારણ છે તેમાં રહેલું વિટામિન બી-૬, વિટામિન સી, મેગ્નેશિયમ તેમજ આયર્ન સમાયેલ છે.
  • પાશ્ર્ચાત્ય દેશોમાં ખાસ પ્રકારનું વેન્ડિંગ મશીન બનાવવામાં આવ્યું છે, જેમાંથી આપ ગરમાગરમ ફ્રાયસ વેચાતી લઈને ખાઈ શકો છો.
  • અમેરિકાના નોર્થ ડકોટા વિસ્તારમાં એક ખાસ ઉત્સવ ઊજવવામાં આવે છે. જેમાં એક સાથે ૧૦ હજાર લોકો ભેગા મળીને ફ્રેંચ ફ્રાયસ ખાવાનો આનંદ મેળવે છે. જે ‘ફ્રેંચ ફ્રાય ફીડ’ના નામે જાણીતો છે.
  • આપણે ત્યાં મેઘરાજાની સવારી આવી પહોંચી છે. ‘ચીટ ડે’ માણવાનું મન થઈ ગયું છે. વરસાદી માહોલમાં શરીરની સંભાળ રાખવાની સાથે સ્વાદની મજા માણવા ઘરે તાજી-તાજી ગરમાગરમ ફ્રેંચ ફ્રાઈસ બનાવીને અચૂક ખાજો. મોજ પડી જશે.

શૂ-સ્ટ્રિંગ
આ એક અત્યંત લોકપ્રિય ફ્રાઈસ
છે. ભારતીયો તેને પાતળી ચીપ્સ કે
કાતરી તરીકે ઓળખે છે. લાંબી-
લાંબી પાતળી બટાકાની તાજી ચીપ્સ સૅન્ડવિચ કે બર્ગર સાથે પીરસવામાં
આવે છે. સૌરાષ્ટ્રના સ્થાનિક રહેવાશી પ્રવાસે જાય ત્યારે ટીમણમાં પૂરી
સાથે કાચરી (ફ્રેંચ ફ્રાઈસ)અચૂક લઈ જતાં હોય છે.
સૌરાષ્ટ્રની મુલાકાતે જશો તો નાની રેકડી ઉપર ફ્રેંચ ફ્રાઈસ ગરમા ગરમ
તમારી સામે કાપીને, તળીને પીરસે છે. જેનો આનંદ માણવાથી મન અત્યંત તાજગીસભર બની જતું હોય છે.
વિદેશમાં તેને ‘પાપા જૂલિયન’ના નામથી ઓળખવામાં આવે છે. ક્યૂબાના વ્યંજનોમાં વિવિધ સ્ટ્રીટ ફૂડની સાથે સૅન્ડવિચની ઉપર ટોપિંગમાં બૂટની દોરી જેવી પાતળી ફ્રાઈસની સજાવટ અચૂક જોવા મળે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button