તંદુરસ્તી-મનદુરસ્તી -ભાણદેવ
(ગતાંકથી ચાલુ)
આનો આર્થ એમ કે જો મનોરોગના દરદીની જાગૃતિનું ધોરણ ઊંચું આવે તો દરદી આ જાગૃતિના પ્રકાશમાં પોતાની સમસ્યાઓનું સ્વરૂપ જોઇ શકે છે.
સમજી શકે છે. પોતાની સમસ્યાના સ્વરૂપની સમજ તો સમસ્યામાંથી મુક્ત થવાનો ઉત્તમ ઉપાય છે.
પ્રશ્ર્ન એ છે કે દરદીની જાગૃતિનું ધોરણ ઊંચું આવે કેવી રીતે?
સૌથી પ્રથમ તો દરદીને જાગૃતિ અને સમજનો મહિમા સમજાવવો જોઇએ. દરદીને જાગૃતિ અને સમજના વિકાસ માટે તૈયાર કરવો જોઇએ દરદી તે માટે તત્પર થાય પછી કામ સરળ છે.
આપણે જાગૃતિના વિકાસ માટેની પદ્ધતિઓની વિગતે વિચારણા કરી છે. શિક્ષક જેમ વિદ્યાર્થીની ભૂમિકા સમજીને તેના માટે તદનુરૂપ શિક્ષણકાર્યનું સ્વરૂપ ગોઠવે છે તેમ ચિકિત્સકે દરદીની અવસ્થા સમજીને તેના માટે જાગૃતિ અને સમજના વિકાસ માટેનો કાર્યક્રમ તૈયાર કરવો જોઇએ. જાગૃતિવિકાસના આપણે વિચારેલા ઉપાયોનો વ્યક્તિગત ભિન્નતાને ખ્યાલમાં રાખીને તદનુરૂપ વિનિયોગ કરવો જોઇએ. દરદીમાં જાગૃતિનું તત્ત્વ વિકસે તેમતેમ વિકસે તેમતેમ તેને પોતાની મનની ગતિવિધિને પારખતાં અને પોતાની સમસ્યાઓના સ્વરૂપને સમજતાં શીખવવું જોઇએ.
જાગૃતિના વિકાસની સાથેસાથે યૌગિક પરામર્શનો વિનિયોગ પણ કરવો જોઇએ. યૌકિગક પરામર્શ દ્વારા દરદી જાગૃતિના પ્રકાશની વિનિયોગ પોતાના રોગના મૂળભૂતકારણને સમજવા માટે કરે તેમ થવું જોઇએ.
જાગૃતિવિકાસની ભિન્નભિન્ન પદ્ધતિઓના વિનિયોગ દ્વારા દરદી પોતાની જાત વિશે અને જગત વિશે જાગ્રત મનતો જાય છે. યૌગિક પરામર્શ દ્વારા દરદી પોતાના રોગના સ્વરૂપને સમજે છે. આમ જાગૃતિ અને સમજનો અહીં સુભગ સમન્વય થાય છે. આ બંનેના સમન્વય દ્વારા દરદી પોતાની જાતને, પોતાની સમસ્યાને, પોતાના રોગના સ્વરૂપને યથાર્થ સ્વરૂપે જોઇ શકે છે- સમજી શકે છે.
માનસિક બીમારીઓમાં અવશપણાનું તત્ત્વ હોય છે. દરદી વિચાર અને ક્રિયા અવશપણે, અનિવાર્યપણે અર્થાત્ દબાણપૂર્વક કર્યા કરે છે. દરદી વિચાર અને ક્રિયાનું પુનરાવર્તન કરવા માટે બાધ્ય બની જાય છે. આ અવશપણાના પાયામાં અભાનપણું હોય જ છે. દરદી પોતે પોતાના વિચાર અને ક્રિયાના અવશપણાના કારણને જાણતો નથી. આ અભાનાવસ્થા અનિવાર્ય વર્તનનો આધાર બને છે. જો આ અભાનપણાને સ્થાને જાગૃતિની પ્રતિષ્ઠા થાય અને સમજહીનતાને સ્થાને સમજની પ્રતિષ્ઠા થાય તો પછી માનસિક બીમારીનું જોર સાવ ઘટી જાય છે. આ બીમારીનાં મૂળ જ હલી જાય છે.
ચિકિત્સક જાગૃતિના પ્રકાશમાં દરદીને પોતાના મનને સમજતાં શીખવે છે અને સમજ દરદીને બીમારીમાંથી મુક્ત કરે છે. જાગૃતિ અને સમજનો વિકાસ થતાં દરદીનું અભાનપણું તૂટે છે.
અભાનપણાના વિસર્જનની સાથેસાથે અવશપણું પણ વિસર્જિત થવા માંડે. અવશપણાનું વિસર્જન થવા માંડે એટલે માનસિક બીમારીઓનું જોર અને તીવ્રતા ઘડવા માંડે છે. દરદી પોતાના મૂળભૂત મન:સ્વાસ્થ્ય તરફ દઢ પગલે ગતિ કરવા માંડે છે.
૮. સમાપન:
તીવ્ર મનોવિકૃતિના દરદીઓને જાગૃતિવિકાસના માર્ગે દોરી શકાય તેવી શક્યતા નથી, કારણ કે તેઓનું વ્યક્તિત્વ સાવ વિચ્છિન્ન થઇ ગયું હોય છે, પરંતુ હળવી મનોવિકૃતિઓના દરદીઓને જાગૃતિવિકાસના માર્ગે દોરી શકાય તેમ છે, કારણ કે તેમનું વ્યક્તિત્વ સર્વથા વિચ્છિન્ન હોતું નથી. તેમને સ્વ અને પરનું તથા જાગૃતિ અને બેભાનાવસ્થાના ભેદનું જ્ઞાન હોય છે.
જાગૃતિવિકાસનું કાર્ય ત્વરાથી થઇ જાય તેવું સરળ કાર્ય પણ નથી. ધૈર્યપૂર્વક દીર્ઘકાલપર્યંત આ પ્રકારનો અભ્યાસ ચાલુ રાખવામાં આવે તે આવશ્યક છે. આ કર્યા દરદી અને ચિકિત્સક -બંનેની કસોટી કરે તેવું કાર્ય છે. આમ છતાં આ કાર્ય કરવા જેવું કાર્ય છે. જાગૃતિવિકાસનો આ માર્ગ પગલાં મૂકવા જેવો માર્ગ છે.
જે વ્યક્તિઓને કોઇપણ જાતની બીમારી નથી, તેવા સમધારણ માનવોને પણ મનની કોઇક-કોઇક ગૂંચો અને સમાયોજનની કોઇક-કોઇક સમસ્યાઓ હોય છે. તેઓ આ જાગૃતિવિકાસનો માર્ગ અપનાવે તો તેમની સમસ્યાઓના નિરાકરણમાં પણ સાધન દ્વારા ઘણી સહાય મળી શકે તેમ છે.
બીમારી આવે પછી ચિકિત્સા કરવા કરતાં પ્રથમથી જ સ્વાસ્થ્યની રક્ષા કરવી તે વધુ સારો વિકલ્પ છે. આ સત્ય માનસિક બીમારીઓ અને માનસિક સ્વાસ્થ્યને પણ લાગુ પડે છે. મનના સ્વાસ્થ્યની પ્રથમથી જ રક્ષા કરવી તે વધુ સારો વિકલ્પ છે. જાગૃતિનો વિકાસ તે મનના સ્વાસ્થ્યની જાળવણી માટે મૂલ્યવાન સાધન છે.
૬. યૌગિક પરામર્શ
(yogic counselling)
માનસિક રોગોની આધુનિક ચિકિત્સાપદ્ધતિઓમાં પરામર્શ (coumselling) એક મૂલ્યવાન ચિકિત્સાપદ્ધતિ ગણાય છે. માનસિક રોગોની યૌગિક ચિકિત્સામાં આપણે આ ‘પરામર્શ’નો ઉપયોગ કરી શકીએ તેવી શક્યતા છે. (ક્રમશ:)