મહારાષ્ટ્ર સરકાર રાજ્યપાલના ક્વોટાના વિધાનપરિષદના સભ્યો માટે નવા 12 નામ મોકલશે
મુંબઈ: રાજ્યની વિધાન પરિષદ પર રાજ્યપાલના ક્વોટામાંથી નિયુક્ત થનારા 12 સભ્યો માટે એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની સરકાર પોતાની ભલામણના નામની યાદી નવેસરથી તૈયાર કરીને મોકલશે. અગાઉની મહાવિકાસ આઘાડી સરકાર દ્વારા રાજ્યપાલને મોકલવાની યાદી પરના નામની યાદીને ત્યારના રાજ્યપાલ બી. એસ. કોશ્યારી દ્વારા ધ્યાનમાં લેવામાં આવ્યા નહોતા.
આ પણ વાંચો: ભાજપ વિધાન પરિષદમાં જીત્યો, વિધાનસભામાં કેમ હાર્યો?
વિધાન પરિષદમાં રાજ્યપાલના ક્વોટાના 12 સભ્યો 6 નવેમ્બર, 2020થી એટલે કે લગભગ ચાર વર્ષથી ખાલી પડ્યા છે. ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની સરકારે 12 નામની યાદી રાજ્યપાલ કોશ્યારીને મોકલી હતી, પરંતુ તેમણે આ નામને માન્યતા આપી ન હોવાથી આ સભ્યોની નિયુક્તિ થઈ શકી નહોતી.
કોશ્યારીના અનુગામી રમેશ બૈસે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા કાનૂની વિવાદને કારણે આ યાદી પરના નામને ધ્યાનમાં લીધા નહોતા.
આ પણ વાંચો: Maharashtra MLC Election: વિધાનપરિષદની ચૂંટણીના પરિણામોમાં કોણે મારી બાજી?
રાજ્ય સરકારનાં સૂત્રો પાસેથી એવી માહિતી મળી હતી કે રાજ્યની કેબિનેટ દ્વારા બાર નામની યાદીને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે પછી તે રાજ્યપાલને મોકલી આપવામાં આવશે અને તરત જ તેની માન્યતા આપવામાં આવશે અને ઓગસ્ટના મધ્ય સુધીમાં સભ્યોની નિયુક્તિ થઈ જશે. આ યાદીમાં એક-બે મુસ્લિમ સમાજના લોકોને સ્થાન મળવાની શક્યતા છે.
રાજ્ય સરકાર વિધાન પરિષદના સભાપતિની ચૂંટણી કરાવવા માટે પણ તૈયાર છે, પરંતુ તે પહેલાં રાજ્યપાલ દ્વારા નિયુક્ત કરવામાં આવનારા 12 સભ્યોની નિયુક્તિ કરાવી લેવા માગે છે, એમ પણ સૂત્રોએ કહ્યું હતું. રાજ્ય વિધાનપરિષદના સભાપતિનું પદ 7 જુલાઈ, 2022ના રોજ રામરાજે નાઈક નિંબાળકરની નિવૃત્તિ પછી ખાલી છે. અત્યારે ડેપ્યુટી સ્પીકર નીલમ ગોરે વિધાન પરિષદના કામકાજનું સંચાલન કરી રહ્યાં છે.