જમીન વિવાદ કેસ: પૂજા ખેડકરની માતાની શોધ શરૂ
પુણે: વિવાદાસ્પદ પ્રોબેશનરી આઈએએસ અધિકારી પૂજા ખેડકરની માતા મનોરમા ખેડકરને પુણે પોલીસ એક જમીન વિવાદના કેસમાં શોધી રહી છે, પણ તેની કોઈ ભાળ મળી નહોતી.
પુણે પોલીસે મનોરમા અને તેના પતિ દિલીપ ખેડકર સહિત સાત જણ સામે ફર્સ્ટ ઈન્ફર્મેશન રિપોર્ટ (એફઆઈઆર) નોંધ્યો હતો. જમીન વિવાદમાં મનોરમા પિસ્તોલ સાથે અમુક લોકોને ધમકાવતી હોવાનું વીડિયોમાં નજરે પડતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
પુણે ગ્રામીણ પોલીસના વરિષ્ઠ અધિકારી સાથેની ટીમ પુણેના બાણેર રોડ સ્થિત મનોરમાના બંગલો ખાતે ગઈ હતી, પરંતુ પોલીસ મનોરમા સુધી પહોંચી શકી નહોતી.
આ પણ વાંચો: વિવાદાસ્પદ IAS અધિકારી પૂજા ખેડકરની શારીરીક ખોડખાપણ અંગે ચોંકાવનારો ખુલાસો…
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે અમારી ટીમ રવિવારે અને સોમવારે બાણેર રોડ ગઈ હતી, પરંતુ બંગલો પરિસરમાં પોલીસને જવા દેવાઈ નહોતી. તેનો મોબાઈલ ફોન પણ સ્વિચ ઑફ્ફ છે. મનોરમા હાથ લાગ્યા પછી તપાસ હાથ ધરી કાનૂની પગલાં લેવામાં આવશે.
પુણે ગ્રામીણ પોલીસે ખેડકર દંપતી અને અન્ય પાંચ જણ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સુસંગત કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા પછી ગુનો નોંધવામાં આવ્યો હતો. વીડિયોમાં સિક્યોરિટી ગાર્ડ સાથે નજરે પડતી મનોરમા પિસ્તોલ સાથે અમુક લોકો સાથે ઉગ્ર દલીલ કરતી નજરે પડે છે. આ ઘટના પુણેના મુળસી તહેસીલ સ્થિત ધડવલી ગામની હોવાનું પોલીસનું કહેવું છે. (પીટીઆઈ)