હુમલા બાદ Donald Trumpનો પ્રથમ ઇંટરવ્યૂ કહ્યું ‘મારે મરી જવું જોઈતું હતું….’
પેસિલ્વેનિયામાં ચૂંટણી સભાને સંબોધી રહેલા પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ગઇકાલે કરવામાં આવેલ હુમલા બાદ તેમણે પ્રથમ ઇંટરવ્યૂ આપ્યો છે. તેમણે કહ્યું હતું કે મારે તો મરી જવું જોઈતું હતું. આ હુમલો મારા માટે એક અવાસ્તવિક અનુભવ હતો. 78 વર્ષીય પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે મને તો ભગવાને બચાવી લીધો છે. શનિવારની સાંજે ટ્રમ્પ પર એક વીસ વર્ષીય યુવકે ફાયરિંગ કર્યું હતું.
ગોળીબાર થયા બાદ પણ ટ્રમ્પ સામાં ઊભા રહીને ફાઇટ ફાઇટ કરવાની વાત કરી હતી. ટ્રમ્પની આ તસવીર હાલ આખી દુનિયામાં છવાઈ ચૂકી છે. આ તસવીર મામલે ટ્રમ્પે કહ્યું હતું કે ઘણા લોકો કહી રહ્યા છે કે આ અત્યાર સુધીની સૌથી બેજોડ તસવીર છે. સામાન્ય રીતે બેજોડ તસવીર માટે આપણે મરવું પડે છે પણ હું બચી ગયો. ટ્રમ્પે રાષ્ટ્રપતિ જો બાઈડનના આવેલા કોલનો પણ ઉલ્લેખ કર્યો હતો.
આ પણ વાંચો: Attack on Donald Trump: ‘આપણે અસહમત હોઈ શકીએ, પરંતુ…’, ટ્રમ્પ પરના હુમલા બાદ બાઈડેનનું રાષ્ટ્રને સંબોધન
સોમવારથી રિપબ્લિકન નેશનલ કન્વેન્શન શરૂ થઈ રહ્યું છે. કન્વેન્શનમાં ભાગ લેવા માટે મિલ્વોક જઈ રહેલા ટ્રમ્પે ખાનગી અખબાર સાથે વાત કરતાં તેના પર થયેલા હુમલાને યાદ કરતાં જણાવ્યું હતું કે મારે અહિયાં નહોતું રહેવું જોઈતું, મારે મરી જવું જોઈતું હતું. સોમવારે શરૂ થઈ રહેલા કન્વેન્શનમાં આગામી નવેમ્બર માસમાં યોજાનારી રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે તેમને પાર્ટીના ઉમેદવાર જાહેર કરવામાં આવનાર છે.
હુમલા અંગે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે મને ખુદને વિશ્વાસ નથી થતો કે હું કેમ બચી ગયો. તેમણે કહ્યું ‘વિશ્વાસ ન આવે તેવી વાત તો એ છે કે મે યોગ્ય સમયે અને યોગ્ય માત્રામાં મારુ મો ફેરવ્યું. નહિતર ગોળી તો આરામથી મારો જીવ લઈ લેત. હોસ્પિટલના ડોકટરોએ પણ આને એક ચમત્કાર જ ગણાવ્યો હતો. ટ્રમ્પે કહ્યું કે ભાગ્ય અને ભગવાનની દયાથી આજે હું અહી છું.