હેં, દારૂ પીતા હોય તો વાંચો Excise Deptનો નવો નિયમઃ તમારા પર ત્રીજી આંખ રાખશે નજર
મુંબઈ: મુંબઈ સહિત મહાનગરોમાં હીટ એન્ડ રન કેસમાં વધારો થઈ રહ્યો છે, જેના માટે એક કારણ ડ્રન્ક કેસનું પરિણામ પણ જોવા મળી રહ્યું છે. તાજેતરમાં મુંબઈમાં વરલી ખાતે થયેલો બીએમડબલ્યુ હિટ એન્ડ રન કેસ તેમજ મે મહિનામાં પુણે પોર્શ એક્સિડન્ટના પગલે રાજ્યના આબકારી વિભાગે (એક્સાઇઝ ડિપાર્ટમેન્ટે) એક વિશેષ ઝુંબેશ શરૂ કરી છે. આ ઝુંબેશના પગલે તમામ રેસ્ટોરાં, બાર અને પબમાં મુખ્ય કાઉન્ટરો પર સીસીટીવી કેમેરા (CCTV compulsory at places Serving Liquor) લગાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. કોઈ પણ પ્રકારની ગેરરીતિ પર નજર રાખવા માટે એક્સાઈઝ અધિકારીઓ કેમેરા દ્વારા ચાંપતી દેખરેખ રાખશે.
એક્સાઈઝ ડિપાર્ટમેન્ટે પાંચ સભ્યોની એક ટીમ પણ બનાવી છે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) સાથેના રિઝોલ્યુશન કેમેરાની મદદ કઈ રીતે લેવી એનો અભ્યાસ કરી રહી છે. આ એઆઈ કેમેરા કાઉન્ટર્સ પર બેસાડવામાં આવશે જેથી વ્યક્તિના ચહેરા પરથી તેની ઉંમર નક્કી કરી શકાય. એઆઈ કેમેરા 21 વર્ષથી ઓછી ઉંમરના લોકોને ઓળખી કાઢશે અને સીસીટીવી ફૂટેજ પર નજર રાખનારા એક્સાઇઝ અધિકારીને તેના મોબાઇલ ફોન પર જાણકારી મળશે.
એક વરિષ્ઠ એક્સાઇઝ અધિકારીએ જણાવ્યું હતું કે ‘આ પ્રમાણે કરવાથી દુર્ઘટનાને અટકાવી શકાશે. બાર માલિકો અને મેનેજરોને પણ સૂચના સાથે ચેતવણી આપવામાં આવશે. હાથવગા પુરાવાના આધારે માલિકો અને મેનેજરોને જવાબદાર ઠેરવી શકાય એમ હોવાથી સગીર વયની વ્યક્તિને દારૂ પીવાની મંજૂરી આપતા પહેલા તેઓ બે વાર વિચાર કરશે.’
રાજ્યના એક્સાઇઝ ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર પ્રસાદ સુર્વેએ જણાવ્યું હતું કે ‘હવે ડિપાર્ટમેન્ટ મુંબઈના 2,000 જેટલા બાર, રેસ્ટોરાં અને પબના કેમેરા પર નિયંત્રણ રાખશે. નિયમોમાં આદેશ આપવામાં આવ્યો છે કે માત્ર 21 વર્ષથી ઉપરના લોકો જ બારમાં પ્રવેશી શકે છે. હાર્ડ ડ્રિંક્સ 21 થી 25 વર્ષની વયના લોકોને સર્વ કરવાની મનાઈ છે. તેઓ ફક્ત પાંચ ટકાથી ઓછા આલ્કોહોલનું પ્રમાણ ધરાવતા હળવા બિયર અથવા હળવા વાઇનનું જ સેવન કરી શકે છે.’
Also Read –