ભારતના શહેરે એક દિવસમાં 11 લાખ વૃક્ષો વાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
ઇન્દોર: વધી રહેલા વાયુ પ્રદુષણને કારણે દર વર્ષે ગરમી વધી રહી છે, શહેરી વિસ્તારોમાં વૃક્ષો ઓછા થઇ જતા ઉનાળામાં શહેરોમાં ગરમી અસહ્ય થઇ જાય છે. એવામાં મધ્યપ્રદેશના ઇન્દોર(Indore) શહેરે ઉમદા કાર્ય કર્યું છે. ઈન્દોરમાં 24 કલાકમાં 11 લાખથી વધુ રોપા વાવી(Plantation)ને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. દેશના સૌથી સ્વચ્છ શહેર ઈન્દોરએ વધુ એક સિદ્ધિ મેળવી છે.
મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન મોહન યાદવે ગીનીસ બુક ઓફ વર્લ્ડરેકોર્ડ (Guinness Book of World Records) નું સત્તાવાર પ્રમાણપત્ર સ્વીકાર્યું હતું. મુખ્ય પ્રધાન મોહન યાદવે X પરની પોસ્ટમાં જણાવ્યું હતું કે “ઇંદોર હવે વિશ્વમાં નંબર વન છે. સ્વચ્છતામાં અમારી સિદ્ધિઓને બાદ વૃક્ષારોપણમાં પણ ઇતિહાસ રચવા બદલ ઇન્દોરના મારા ભાઇઓ અને બહેનોને હૃદયપૂર્વક અભિનંદન અને શુભેચ્છાઓ. તમારી સહભાગિતા બદલ આભાર, મધ્ય પ્રદેશની આર્થિક રાજધાની અને દેશના સૌથી સ્વચ્છ ઇન્દોરે એક જ દિવસમાં 11 લાખથી વધુ રોપા વાવીને વિશ્વ વિક્રમ સ્થાપ્યો છે.”
આ પણ વાંચો : ઈન્દોરમાં ધાર્મિક સ્થળો પરથી લાઉડસ્પીકર હટાવાયા, મુસ્લિમ પ્રતિનિધિમંડળે વાંધો ઉઠાવ્યો
તેમણે વધુમાં લખ્યું કે, “આપણા આદરણીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી જી દ્વારા પ્રેરિત અને કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ જીની સન્માનનીય હાજરી સાથે, મધ્ય પ્રદેશે ગર્વથી આ અદ્ભુત સિદ્ધિ હાંસલ કરી છે, જે પ્રકૃતિ સંરક્ષણ અને ધરતી માતાની સમર્પિત સેવાનો સંદેશો આપે છે. “
ગિનિસ વર્લ્ડ રેકોર્ડના સલાહકાર, નિશ્ચલ બારોટે જણાવ્યું હતું કે અગાઉનો રેકોર્ડ આસામ પાસે હતો, જ્યાં એક જ દિવસમાં 9,26,000 રોપાઓ વાવવામાં આવ્યા હતા.
પ્લાન્ટેશન સાઇટ, રેવતી રેન્જને 9 ઝોન અને 100 પેટા ઝોનમાં વિભાજિત કરવામાં આવી હતી. મેગા પ્લાન્ટેશન ડ્રાઈવનું 100 કેમેરા દ્વારા મોનિટરિંગ કરવામાં આવ્યું હતું અને આ ડ્રાઈવની તૈયારીમાં વહીવટીતંત્રને લગભગ 46 દિવસ લાગ્યા હતા.