Surat ના ઉમરપાડામાં બે કલાકમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો, જળબંબાકારની સ્થિતિ
સુરત : ગુજરાતના ચોમાસાની(Monsoon 2024) શરૂઆત સાથે જ અનેક જિલ્લામાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ પણ જોવા મળી રહી છે. જેમાં સુરત(Surat) જિલ્લાના ઉમરપાડામાં જ્યારે આભ ફાટ્યું હોય તેમ છેલ્લા બે કલાકમાં 10 ઇંચ પણ વધારે વરસાદ ખાબક્યો છે. જેના લીધે જનજીવન અસર પડી છે. તેમજ સમગ્ર ઉમરપાડામાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે.
રાજ્યના આઠ જિલ્લામાં રેડ એલર્ટ
જ્યારે આ ઉપરાંત ભરૂચના નેત્રંગમાં પણ બે કલાકમાં સાડા પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે પાટનગર ગાંધીનગરમાં પણ બપોરે 12વાગે જોરદાર વરસાદ શરૂ થયો છે.આજે રાજ્યના આઠ જિલ્લામાં રેડ એલર્ટ, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, જ્યારે 10 જિલ્લામાં યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે.
ગીર સોમનાથમાં યલો એલર્ટ
જેમાં રાજ્યમાં ભાવનગર,આણંદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરતમાં રેડ એલર્ટ છે. અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, મહીસાગર, દાહોદ, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, જામનગર, રાજકોટ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં એકસાથે ત્રણ સિસ્ટમ સક્રિય
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે અત્યારે ગુજરાતના માથે એકસાથે ઑફશોર ટ્રફ, સાઈક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટબન્સ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે આગામી દિવસોમાં સુરત, નવસારી અને વલસાડના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાને જોતા એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.