ઇન્ટરનેશનલ

આ ટચુકડા દેશ સામે ફ્રાન્સને કરવી પડી પીછેહઠ, સેના પાછી ફરશે

નિયામી/પેરિસ: નાઇજરના નવા લશ્કરી શાસક સામે બે મહિનાના પ્રતિકાર બાદ આખરે ફ્રાન્સને ઘૂંટણિયે પડવાની નોબત આવી છે અને હવે નાઈજરથી ફ્રાન્સના રાજદૂત અને સેના પરત ફરશે. નાઈજરની સેનાએ 26 જુલાઈએ તખ્તાપલટ કરીને રાષ્ટ્રપતિ મોહમ્મદ બજોમને પદ પરથી હટાવી દીધા હતા. રાષ્ટ્રપતિ મોહમ્મદ બજોમને ફ્રાન્સ તરફી માનવામાં આવતા હતા અને હાલમાં નાઈજરમાં 1500 ફ્રેન્ચ સૈનિકો તહેનાત છે.

સત્તા સંભાળ્યા પછી નાઇજરના સૈન્ય શાસક જનરલ અબ્દુરહમાન ત્ચિયાનીએ ફ્રાન્સના રાજદૂતને 48 કલાકની અંદર જવા માટે કહ્યું હતું. ફ્રાન્સની સેનાને પાછી ખેંચી લેવાની વાત પણ થઈ હતી. નાઈજરના લોકો પણ વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા અને ફ્રેન્ચ સૈનિકોને પાછા ખેંચવાની માંગ કરી રહ્યા હતા. આમ છતાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન આ માટે તૈયાર નહોતા. હવે, લગભગ બે મહિનાના પ્રતિકાર પછી ફ્રાન્સના રાષ્ટ્રપતિ નાઇજરમાંથી તેમના રાજદૂત અને ફ્રેન્ચ સેનાને હટાવવા માટે સંમત થયા છે.

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને કહ્યું હતું કે ફ્રાન્સે પોતાના રાજદૂતને હટાવવાનો નિર્ણય લીધો છે. અમારા રાજદૂત અને અન્ય રાજદ્વારીઓ આગામી થોડા કલાકોમાં ફ્રાન્સ પરત ફરશે. રાષ્ટ્રપતિ મેક્રોને કહ્યું હતું કે આગામી કેટલાક મહિનાઓ કે અઠવાડિયામાં સૈનિકોની હકાલપટ્ટી શરૂ થઈ જશે અને વર્ષના અંત સુધીમાં સૈનિકોને સંપૂર્ણપણે પાછી ખેંચી લેવામાં આવશે.


તેમણે કહ્યું હતું કે અમે બળવાખોરો સાથે ચર્ચા કરીશું, કારણ કે અમે ઈચ્છીએ છીએ કે આ શાંતિપૂર્ણ રીતે થાય. નાઈજરના સૈન્ય શાસકોએ ફ્રાન્સના આ નિવેદનની ઉજવણી કરવાની વાત કરી હતી. તેમજ આ નિર્ણયને નાઈજરની સાર્વભૌમત્વ તરફ એક નવું પગલું ગણાવ્યું હતું. જોકે, નાઈજરની સૈન્યએ ફ્રેન્ચ એરક્રાફ્ટને તેના એરસ્પેસ પર ઉડવા પર પ્રતિબંધ મૂક્યો છે. તે હજી સ્પષ્ટ નથી કે નાઇજરની સૈન્ય ફ્રેન્ચ વિમાનોને રાજદૂતને પરત લઈ જવાની મંજૂરી આપશે કે કેમ એ બાબત સ્પષ્ટ થઈ નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button