ગુજરાતના સીએમ Bhupendra Patel નો આજે જન્મ દિવસ, ત્રિમંદિર ખાતે દર્શન કરીને કાર્યોનો પ્રારંભ કર્યો
અમદાવાદ : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો(Bhupendra Patel)આજે જન્મ દિવસ છે. આ પ્રસંગે તેમણે અડાલજ ત્રિમંદિર ખાતે દર્શન – અર્ચનકરીને તેમના કાર્યોનો પ્રારંભ કર્યો હતો. તેમણે વર્તમાન તીર્થંકર શ્રી સીમંધર સ્વામી ભગવાન સહિત દેવી-દેવતાઓના દર્શન કરી રાજ્યના નાગરિકોના સ્વાસ્થ્ય, સુખાકારી, સમૃદ્ધિ અને રાજ્યના અવિરત સર્વાંગીણ વિકાસ માટે પ્રાર્થના કરી. સીએમ ભૂપેન્દ્ર પટેલે ત્રિમંદિર પરિસરમાં પૂજ્ય દાદા ભગવાનને વંદન તથા પૂજ્ય નીરુમા ની સમાધિ પર શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા.
લાંબા અને સ્વસ્થ જીવનની શુભેચ્છા : પીએમ મોદી
તેમના જન્મ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહે પણ શુભેચ્છા પાઠવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ટ્વિટ કરીને લખ્યું હતું કે ” ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને તેમના જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. તેઓ ગુજરાતના વિકાસને વેગ આપવા અને રાજ્યના યુવાનોને સશક્ત બનાવવા માટે પ્રશંસનીય પ્રયાસો કરી રહ્યા છે. લોકોની સેવામાં તેમને લાંબા અને સ્વસ્થ જીવનની શુભેચ્છા.”
ઈશ્વર ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ પ્રદાન કરે : અમિત શાહ
જ્યારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પણ તેમને જન્મદિવસની શુભકામના આપી હતી. તેમણે ટ્વિટ કરીને લખ્યું હતું કે ” ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલજીને જન્મદિવસની શુભકામનાઓ. ગુજરાતની વિકાસયાત્રાને આગળ વધારવામાં આપના કાર્યો પ્રશંસનીય છે. ઈશ્વર આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ પ્રદાન કરે.”