સ્પેન રેકૉર્ડ-બ્રેક ચોથી વખત યુરો ફૂટબૉલમાં ચેમ્પિયન
ઇંગ્લૅન્ડ સતત બીજી વાર ફાઇનલ હારી જતાં પ્રથમ ટ્રોફીથી વંચિત
બર્લિન: યુઇફા યુરો 2024માં સ્પેનની ટીમે ઇંગ્લૅન્ડને ફાઇનલમાં 2-1થી હરાવીને વિક્રમજનક ચોથી વખત ‘હેન્રી ડેલૉને કપ’ તરીકે ઓળખાતી યુરોની આ ટ્રોફી જીતી લીધી હતી.
યુરોપિયન ચેમ્પિયનશિપનો નિર્ણાયક જંગ શરૂઆતથી જ રસાકસીભર્યો અને રોમાંચક હતો. સ્પેન આ ટૂર્નામેન્ટમાં સાત મૅચ રમ્યું અને તમામ સાતમાં એણે વિજય મેળવવાના રેકૉર્ડ સાથે ટાઈટલ જીતીને નવો ઇતિહાસ રચ્યો.
હાફ ટાઈમના ઇન્ટરવલ બાદ થોડીક સેકન્ડ પછી નિકો વિલિયમ્સે (47મી મિનિટમાં) ગોલ કરીને સ્પેનને 1-0થી સરસાઈ અપાવી હતી. જોકે કોલ પાલ્મરે 73મી મિનિટમાં ગોલ કરીને ઇંગ્લૅન્ડને 1-1ની બરાબરીમાં લાવી દીધું હતું.
સ્પેનના મિકેલ ઑયાર્ઝાબલે ભારે રસાકસી વચ્ચે 90 મિનિટની મૅચની સમાપ્તિની ગણતરીની ક્ષણો અગાઉ (86મી મિનિટમાં) ગોલ કરીને સ્પેનને 2-1થી સરસાઈ અપાવીને સનસનાટી મચાવી દીધી હતી. છેવટે તેનો એ ગોલ ટાઈટલ-વિનિંગ સાબિત થયો હતો.
ઇંગ્લેન્ડ 1966માં ફિફા વર્લ્ડ કપ જીત્યા બાદ ફૂટબૉલની એક પણ મોટી ટ્રોફી નથી જીતી શક્યું. યુરોની ટ્રોફી ઇંગ્લૅન્ડના હાથમાં ક્યારેય નથી આવી. આ વખતની યુરો ફાઈનલ જીતીને એને 58 વર્ષનો ટ્રોફીનો દુકાળ દૂર કરવાનો મોકો હતો. જોકે 2020ની જેમ 2024માં પણ ‘થ્રી લાયન્સ’ તરીકે જાણીતી ઇંગ્લૅન્ડની ટીમ ફાઇનલ હારી જતાં ફરી એકવાર યુરો ફૂટબૉલની પહેલી ટ્રોફીથી એ વંચિત રહી ગયું છે.
સ્પેન અને જર્મની આ સ્પર્ધા પહેલાં સૌથી વધુ ત્રણ-ત્રણ ટ્રોફી સાથે બરાબરીમાં હતા. જોકે હવે સ્પેને ચોથી વખત ટાઈટલ મેળવીને સૌથી વધુ વખત ટાઈટલ જીતનાર દેશ તરીકેનું ઐતિહાસિક ગૌરવ હાંસલ કર્યું છે.
સ્પેન આ અગાઉ 1964માં, 2008માં અને 2012માં યુરો ચેમ્પિયન બન્યું હતું.