અમેરિકામાં બનેલું વિશ્વનું બીજું સૌથી મોટું હિન્દુ મંદિર
183 એકર વિસ્તાર, 10000 શિલ્પો અને ભારતીય સંસ્કૃતિની છાપ
ન્યુ જર્સી (અમેરિકા): ભારતથી હજારો માઈલ દૂર, અમેરિકાના ન્યુ જર્સીમાં વિશ્વનું બીજું સૌથી મોટું હિન્દુ મંદિર બનાવવામાં આવી રહ્યું છે, જે જૂની ભારતીય સંસ્કૃતિ અને કલાને પ્રતિબિંબિત કરે છે. આ અમેરિકાનું સૌથી મોટું હિન્દુ મંદિર હશે. આ ભવ્ય મહામંદિર ભગવાન સ્વામિનારાયણને સમર્પિત છે. આપણે આ ભવ્ય મંદિરની વિશેષતા જાણીએ.
સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરનું નિર્માણ 2011માં શરૂ થયું હતું. આ મંદિરના નિર્માણમાં 12,500 થી વધુ સ્વયંસેવકોએ મદદ કરી છે. આ મંદિર ન્યૂ યોર્કમાં ટાઇમ્સ સ્ક્વેરથી લગભગ 60 માઇલ દક્ષિણમાં આવેલું છે, જ્યારે તે વોશિંગ્ટન ડીસીથી લગભગ 180 માઇલ ઉત્તરમાં આવેલું છે. ન્યૂ જર્સીના રોબિન્સવિલે ટાઉનશીપમાં આ મંદિર નિર્માણાધીન છે અને 8 ઓક્ટોબરે તેનું ઉદ્ઘાટન થવાની ધારણા છે.
મંદિર નિર્માણના એક કાર્યકર્તાએ જણાવ્યું હતું કે અહીં ઇતિહાસ રચાઇ રહ્યો છે. આ મંદિર તમામ લોકો માટે ખોલવામાં આવશે, જેથી તેઓ ભારતીય કલા અને સ્થાપત્ય, સંસ્કૃતિના ભવ્ય વારસાને જાણી શકે. અહીં અમેરિકનો પણ આવી શકશે અને ભારતીય સંસ્કૃતિ, ભારતીય કલા અને હિંદુ ધર્મ વિશે ઓળખી શકશે.
જો આધુનિક યુગમાં ભારતની બહાર બનેલા વિશ્વના બીજા સૌથી મોટા હિન્દુ મંદિરની વિશેષતા વિશે વાત કરીએ તો તે કુલ 183 એકરમાં ફેલાયેલું હશે. મંદિરમાં જૂની ભારતીય સંસ્કૃતિની છાપ જોવા મળશે. અધરધામ તરીકે ઓળખાતા આ મંદિરનું નિર્માણ પ્રાચીન હિંદુ શાસ્ત્રો અને સ્થાપત્ય અનુસાર કરવામાં આવ્યું છે. આ મંદિરનું ઔપચારિક ઉદ્ઘાટન 8 ઓક્ટોબરે થશે અને 18 ઓક્ટોબરથી સામાન્ય ભક્તો માટે ખોલવામાં આવશે.