તણખલા ઓથે ડુંગર
ચિંતન -હેમુ ભીખું
જે નથી દેખાતું તે વિશાળ છે, જે વિશાળને ઢાંકી દે છે તે તુચ્છ છે. વિશાલ પરમાત્મા છે, તેને ઢાંકી દેનાર મોહમાયા તુચ્છ છે. વિશાળ બ્રહ્માંડ છે અને તેના વિસ્તારને પામી ન શકનાર બુદ્ધિ તણખલા સમાન છે. સૃષ્ટિમાં સત્યનો પ્રસાર વિશાળ છે, જેની સરખામણીમાં અસત્યનું અસ્તિત્વ ક્ષણમાત્રનું છે. ઈશ્ર્વરની કૃપા અપાર છે, નિયતિને આધારે ક્યાંક તેનો નિર્ધારિત થતો ગુસ્સો ક્ષણિક છે. બ્રહ્મ અનંત છે જ્યારે જીવનો અહંકાર તણખલા સમાન છે. ડુંગર વિશાળ છે, છતાં પણ આંખ સમક્ષ આવી આવી ચઢેલા તણખલાથી તે ડુંગર દેખાય ના તેમ બની શકે. કાળા ચશ્માં પહેર્યા હોય તો પ્રકાશની માત્રા ન પણ સમજાય. સંકુચિત મનોવૃત્તિ વાળી વ્યક્તિ વિશાળતાના પરિપ્રેક્ષ્યમાં પરિસ્થિતિ સમજી ન પણ શકે. કૂવામાંના દેડકાને આકાશના વિસ્તારનો ખ્યાલ ન આવે. એક્વેરિયમમાં પુરાયેલ માછલી સમુદ્રની વિશાળતા ન સમજી શકે. કોઈ ખૂણામાં નાનકડું દર બનાવીને રહેનાર ઉંદરને હિમાલયની ઊંચાઈ સમજમાં ન આવે. મર્યાદિત સંદર્ભમાં રહેનાર વ્યક્તિ મર્યાદાને જ સંપૂર્ણતા સમજી બેસે તે સંભવ છે, અને સ્વાભાવિક પણ. તેનું વિશ્ર્વ જ્યાં શરૂ થાય ત્યાં જ પૂરું થઈ જાય. તેની સમજ વિકસવાની શરૂઆત થાય ત્યારે જ અટકી જાય. એમ કહેવાય કે તે આંખ ખોલે કે તરત જ તે બંધ થઈ જાય, તેની બુદ્ધિ વિચારવાનું ચાલુ કરે તે પહેલા જ તે ક્ષીણ થઈ જાય, તેની જિજ્ઞાસા જાગૃત થાય તે પહેલા જ તેનો અંત આવી જાય. આ પરિસ્થિતિમાં એક નાનું તણખલું પણ વિશાળ ડુંગરને ઢાંકી દઈ શકે. વ્યક્તિ જે પ્રકારની પરિસ્થિતિમાં રહે તેનાથી તેની ક્ષમતા નિર્ધારિત થાય. આ પરિસ્થિતિ જે તે વ્યક્તિ માટે સંદર્ભ સ્થાપિત કરે. જો વ્યક્તિ સીમિતતામાં રહેતી હોય તો તેના સંદર્ભ પણ મર્યાદિત અને લઘુ દ્રષ્ટિ વાળા રહેવાના. લાંબા સમય સુધી અને એકધારી રીતે આવી પરિસ્થિતિમાં રહેનાર વ્યક્તિને મર્યાદાઓ બાંધી દે. પછી તે ન તો આગળ જોઈ શકે કે ન તો આગળ વિચારી શકે. પછી તેની માટે તણખલું જ સમગ્ર સૃષ્ટિ છે, તણખલું જ વિશાળ ડુંગર છે, અને સાથે સાથે ઊંડો સમંદર પણ તણખલું જ છે. તણખલું જ તેનું વિશ્ર્વ છે, તણખલું જ તેનો સંસાર છે, તણખલામાં જ તેનું અસ્તિત્વ છે, તણખલા વિશે જ તેનું ચિંતન છે, તણખલું જ તેનું પ્રેરક છે, તેની શરૂઆત તણખલાથી થાય છે અને અંત પણ તણખલા પર જ આવે છે. એમ જણાય છે કે તણખલું છે એટલે તેનું અસ્તિત્વ છે. આવા સંજોગોમાં ડુંગરની વાત ક્યાંથી થઈ શકે.
આ તણખલું એટલે વ્યક્તિનું અભિમાન, તેની મમતા, તેનામાં જાગ્રત રાગદ્વેષ, તેનો કામ અને ક્રોધ, તેનામાં પ્રવર્તમાન અસત્ય અને અધર્મ, તેની સ્વાર્થવૃત્તિ, કપટ માટેનો તેનો પુરુષાર્થ, મોહમાં તેની લિપ્તતા, તેનામાં ભરપૂર રહેલી જીજીવિષા, સમાજના પ્રપંચમાં તેનો રસ, દેહભાવથી ભરપૂર તેનું અસ્તિત્વ – આ બધા સાથે શાસ્ત્રો પ્રત્યે તેની અરુચી અને સંત મહાત્મા તથા ગુરુજનથી તેનો અલગાવ. આવી પરિસ્થિતિમાં વિશાળ સત્ય, વિસ્તૃત ધર્મ, અપાર નિસ્વાર્થવૃત્તિ, અઢળક દૈવી સંભાવનાઓ અને સ્વયંમાં સ્થિત પરમાત્માના અંશ સમાન આત્માની ઓળખ ન થાય તે
સ્વાભાવિક છે.
આ બધી બાબતો શાશ્ર્વત, અખંડ અને વિશાળ છે. પણ તે ઢંકાઈ જાય છે. આ બધા પાછળ ક્યાંક અજ્ઞાન કારણભૂત છે તો ક્યાંક ઉદાસીનતા. ક્યારેક પ્રેય મહત્ત્વનું બની જાય છે તો ક્યારેક પ્રેય-શ્રેયના તફાવતની જ ખબર નથી હોતી. ક્યારેક જન્મજાત સંસ્કાર આડા આવે છે તો ક્યારેક ઉછેરમાં ઊણપ રહી ગઈ હોય છે. ક્યારેક ચાર્વાક સિદ્ધાંત પ્રમાણે જીવનને માણી લેવાનો અભિગમ હોય છે તો ક્યારેક ખબર જ નથી હોતી કે યોગ્ય શું છે. ક્યારેક વિવેકની ખામી હોય છે તો ક્યારેક સંયમ નથી પળાતો. ક્યારેક સત્યની જ ખબર નથી હોતી તો ક્યારેક અસત્યનું આકર્ષણ કામ કરી જાય છે. ક્યારેક બુદ્ધિ વિચારવા તૈયાર નથી હોતી તો ક્યારેય અમુક વિચાર કરવાની તેની ક્ષમતા જ વિકસી નથી હોતી. ક્યારેક તો જાતને છેતરવાનો પ્રયત્ન પણ થતો હોય તેમ જણાય છે. કારણ ગમે તે હોય, પરિણામ એક જ છે – તણખલા પાછળ ડુંગર ઢંકાઈ જાય છે.
“સ્વને કેન્દ્રમાં રાખીને જીવનાર વ્યક્તિ પરમની વિશાળ સંભાવનાઓને સમજી ન પણ શકે. સંકુચિત મનોવૃત્તિ ધરાવનાર વ્યક્તિને અસ્તિત્વના વિસ્તારની સમજણ ન પણ પડે. જેણે સાત્વિક વિચારોને બળ આપનાર “શબ્દ પ્રત્યે ધ્યાન ન આપ્યું હોય તેને સાત્વિકતાની સાર્થકતાની ખબર ન પણ પડે. જે પોતાને જ પૂર્ણ જ્ઞાની અને સંપૂર્ણ માનતો હોય તેને વાસ્તવિક પૂર્ણતાની પ્રતીતિ ન પણ થાય. જે વ્યક્તિના મન અને બુદ્ધિના કમાડ બંધ હોય તે વ્યક્તિની સંભાવનાઓ ક્યારેય તેના સીમાડાઓને સ્પર્શી ન શકે. જે વ્યક્તિ વાસ્તવિકતાની સમજ માટે ગુરુદેવનો આદેશ સ્વીકારવા તૈયાર ન હોય તે વ્યક્તિ “ભટકી પડે તે સ્વાભાવિક છે. પછી ડુંગર ગમે તેટલો વિશાળ કેમ ના હોય, એ ન જ દેખાય. તણખલું નાનું છે. તેને ખસેડી શકાય. તેને અવગણી શકાય. તેનો નાશ પણ થઈ શકે. નાનકડી ફૂંક માત્રથી પણ તે ઊડી જાય. તેનું અસ્તિત્વ જ ના હોય તે રીતનો તેની સાથે વ્યવહાર પણ થઈ શકે. જ્યારે દ્રષ્ટિ વિશાળ ડુંગર પર સ્થિર હોય ત્યારે નાનું તણખલું આમ પણ નજરે ન ચડે. જ્યારે દ્રષ્ટિ ઈશ્ર્વર પર સ્થિર હોય ત્યારે સંસારિક બાબતો પર પ્રત્યે મન ન લલચાય. જ્યારે ગતિ પરમ તરફની હોય ત્યારે રસ્તાના નાના આકર્ષણ કે અવરોધ ગતિને રોકી ન શકે. જ્યારે મુક્તિ માટેનો રાજમાર્ગ પકડાઈ ગયો હોય ત્યારે નાના નાના રસ્તા મનને વિચલિત ન કરી શકે. જ્યારે શાશ્ર્વત નિરાકાર બ્રહ્મ તરફ આકર્ષણ જાગ્યું હોય ત્યારે ક્ષણીક ઊભરા જેવી મોહમાયામાં મન ન અટવાય. જ્યારે ડુંગર પર દ્રષ્ટિ પડી હોય ત્યારે તણખલાની શી મજાલ કે તે મનને સવિકલ્પતામાં લઈ જઈ શકે.
અર્થ પકડાઈ ગયા પછી શબ્દનું પ્રયોજન નથી હોતું. ઉપર ચડી ગયા પછી નિસરણીનો પહેલા જેવો ઉપયોગ નથી રહેતો. નદી પાર થઈ ગયા પછી હોડીમાં બેસી રહેવાનો કોઈ અર્થ નથી. તણખલાના ઉદાહરણથી ડુંગરની પ્રતીતિ થઈ ગઈ હોય તો પછી તણખલું કે તેની વાત આગળ વધારવાનો કોઈ હેતુ ન હોય.