આમચી મુંબઈમહારાષ્ટ્ર

મરાઠા અનામત માટે 20મી જુલાઈથી જરાંગેના ઉપવાસ

મુંબઈ: મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણ માટે મહારાષ્ટ્ર સરકારે 13 જુલાઈ સુધીનો સમય આપ્યો હતો, પરંતુ અનામત અંગે હજી સુધી નિર્ણય લેવામાં આવ્યો નથી. આવી સ્થિતિમાં મરાઠા આરક્ષણની માંગ પર અડગ રહેલા મનોજ જરાંગે પાટીલે એવી જાહેરાત કરી હતી કે તેઓ 20 જુલાઈથી ફરી બેમુદત ઉપવાસ શરૂ કરશે.

મનોજ જરાંગે પાટીલ ફરી એકવાર મરાઠા આરક્ષણ મુદ્દે આક્રમક દેખાઈ રહ્યા છે. આરક્ષણ માટે આંદોલન કરી રહેલા મનોજ જરાંગેએ કહ્યું હતું કે તેઓ 20 જુલાઈથી અનિશ્ચિત સમયના ઉપવાસ શરૂ કરશે. તેમણે મરાઠાઓને આંદોલનના આગામી તબક્કા માટે મુંબઈમાં ભેગા થવાની વિનંતી કરી છે.

છત્રપતિ સંભાજી નગરમાં એક રેલીમાં મનોજ જરાંગે પાટીલે કહ્યું કે 20 જુલાઈએ જાલના જિલ્લાના અંતરવાલી સરાટી ગામમાં મરાઠા આરક્ષણ માટે ફરી આંદોલન શરૂ થશે. તેમણે કહ્યું કે અનામત લાગુ કરવાની એક મહિનાની સમયમર્યાદા આજે પૂરી થઈ ગઈ છે.

જરાંગેએ કહ્યું કે અમે મુંબઈ આવવા માંગતા નથી અને તેમના 288 ઉમેદવારોને હરાવવા પણ માગતા નથી. સરકાર માટે આ છેલ્લી તક છે. હું ઈચ્છું છું કે રાજ્યની સત્તા ગરીબ મરાઠા સમુદાયની તરફેણમાં રહે. આ સાથે તેમણે ચેતવણી પણ આપી હતી કે જો મરાઠવાડાના મરાઠાઓ બહાર આવશે તો મુંબઈના રહેવાસીઓએ શહેર છોડવું પડી શકે છે.

મનોજ જરાંગે પાટિલની ચેતવણી પર મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકાર તરફથી હજુ સુધી કોઈ નિવેદન આવ્યું નથી. હવે જોવું એ રહ્યું કે જરાંગેની ચેતવણી પર સરકાર આગામી દિવસોમાં શું પગલાં ભરે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button