મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સંત નિળોબારાય પાલખી સાથે વારીમાં ચાલ્યા
પંઢરપૂરમાં આવનારા ભાવિકો માટેની સુવિધાની સમીક્ષા કરી: બમણી સુવિધા આપવાનો દાવો કર્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પંઢરપૂરમાં પગપાળા આવી રહેલા યાત્રાળુઓ (વારકરી)ને બધી જ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે, એમ જણાવતાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રવિવારે પંઢરપુરમાં ભાવિકો માટેની સુવિધાની સમીક્ષા કર્યા બાદ પત્રકારોને કહ્યું હતું કે સંત નિળોબારાયની પાલખી સાથે પગપાળા ચાલવાનો (વારી કરવાની) તક મળી તે માટે હું ભાગ્યશાળી માનું છું. આમાંથી મને જે આનંદ મળ્યો તે શબ્દોમાં વર્ણવી શકાય એમ નથી.
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પંઢરપુરની રવિવારે મુલાકાત લીધી હતી. તેમની સાથે પ્રધાનો ગિરીશ મહાજન, દાદા ભૂસે પણ હતા. પંઢરપૂર નજીક પહોંચેલી સંત નિળોબારાયની પાલખી સાથે આ બધાએ વારી કરી હતી. હાથમાં મંજિરા અને મોંમાં હરિનામ લેતા તેઓ વારીમાં સામેલ થયા હતા.
આ પણ વાંચો : આંધ્રના મુખ્ય પ્રધાન ચંદ્રાબાબુ નાયડુ શિંદેને મળ્યા: રાજનીતિ, સહકાર પર ચર્ચા કરી
ચંદ્રભાગા નદીના તીરે 65 એકર જમીનનું નિરીક્ષણ કર્યું હતું. અનેક સ્થળે યાત્રાળુઓ આવીને રહ્યા હતા તેમને રહેવા માટેની વ્યવસ્થા, પીવાનું પાણી વગેરે વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. તેમમે ચંદ્રભાગા નદીના પાત્રમાં પગ પખાળીને પવિત્ર તીર્થ માથે લગાવ્યું હતું. ત્યારબાદ દર્શન માટેની લાઈનની વ્યવસ્થા જોઈ હતી. લાઈનમાં ઊભા રહેલા કેટલાક યાત્રાળુઓ સાથે તેમણે સંવાદ પણ સાધ્યો હતો. ભાવિકોએ વ્યવસ્થા સારી કરવામાં આવી છે એમ જણાવતાં મુખ્ય પ્રધાનનો આભાર માન્યો હતો. તેમણે એવો દાવો કર્યો હતો કે આ વખતે યાત્રાળુઓ માટે બમણી સંખ્યામાં શૌચાલયો, રહેવાની જગ્યાનું નિર્માણ કરવામાં આવ્યું છે. પંદર લાખ લોકોને પીવાના પાણીની બોટલ અને ઠંડા પીણાનું પેકેટ આપવામાં આવશે એમ પણ તેમણે કહ્યું હતું. તાકીદની આરોગ્ય સેવા માટે ચાર સ્થળે આરોગ્ય શિબિર આયોજિત કરવામાં આવી હોવાની માહિતી પણ તેમણે આપી હતી.
મુખ્ય પ્રધાને કરી બુલેટ સવારી
મુખ્ય પ્રધાન પંઢરપૂર શહેરમાં બુલેટ પર ફર્યા હતા. વિધાનસભ્ય સમાધાન આવાડે તેમના સારથી બન્યા હતા. ચોમાસાનો વરસાદ ઝરમર પડી રહ્યો હતો તેમ છતાં યાત્રાળુઓની ભારે ભીડ હતી અને તેને જોતાં તેમણે કરેલી બુલેટ સવારીની ચર્ચા થઈ રહી હતી.