આમચી મુંબઈમહારાષ્ટ્ર

છગન ભુજબળે શરદ પવાર અંગે કરેલા ઘટસ્ફોટથી ખળભળાટ

મુંબઈ: લોકસભાની ચૂંટણી પહેલા જ મહારાષ્ટ્રમાં મરાઠા આંદોલન (Maharashtra Maratha Agitation)નો મુદ્દો ચાલી રહ્યો હતો અને તેમાં પણ મરાઠા સમાજના લોહીના સંબંધીઓને ઓબીસી શ્રેણી હેઠળ સર્ટિફિકેટ આપી અનામત આપવાની માગણીને પગલે ઓબીસી સમાજ નારાજ થયો હતો. આ બંનેની અસર લોકસભાની ચૂંટણી પર મહાયુતિ (ભાજપ-એકનાથ શિંદે-શિવસેના-અજિત પવાર એનસીપી)ને થઇ હોવાનું કહેવાય છે ત્યારે અજિત પવાર જૂથની એનસીપીના નેતા છગન ભુજબળે મોટો આરોપ શરદ પવાર પર મૂકતા ખળભળાટ મચ્યો છે.

ભુજબળે 9 જુલાઇના રોજ મરાઠા અનામતના મુદ્દે સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી એ અંગે વાત કરતા જણાવ્યું હતું કે વિપક્ષ એટલે કે મહાવિકાસ આઘાડી (એમવીએ)એ સાંજે પાંચ વાગ્યે બારામતીથી આવેલા ફોન આવ્યા બાદ આ બેઠકમાં ગેરહાજર રહેવાનો નિર્ણય લીધો હતો. આમ કહી ભુજબળે આડકતરી રીતે શરદ પવારે બધા પક્ષોને બેઠકમાં હાજર ન રહેવાની સૂચના આપી હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચો: ‘મહારાષ્ટ્રમાં NDA માટે જીતવું સરળ નહીં રહે…’ છગન ભુજબળે આવું કેમ કહ્યું

જ્યારે સામાજિક સમસ્યાઓની વાત આવે ત્યારે શરદ પવાર જેવા વરિષ્ઠ નેતા પાસેથી એ આશા હોય કે તે બેઠકમાં હાજર રહે અને પોતાના મંતવ્યો રજૂ કરે. જોકે, તેમણે જાણીજોઈને બેઠકનો ત્યાગ કર્યો હતો એ પછી તે આ મુદ્દે સલાહ-સૂચનો આપી રહ્યા છે જે ખોટું છે, એમ તેમણે જણાવ્યું હતું. બારામતી ખાતે એક રેલીને સંબોધતા વખતે ભુજબળે પવાર પર આ આરોપ મૂક્યો હતો.

ઉલ્લેખનીય છે કે બારામતી એ શરદ પવારનો ગઢ મનાય છે. ભુજબળે કહ્યું હતું કે તેમણે વિપક્ષના નેતા વિજય વડેટ્ટીવારની સાથે વાત કરીને જિતેન્દ્ર આવ્હાડ અને શરદ પવારને પણ બેઠકમાં આવવા માટે જણાવ્યું હતું. જોકે, વિપક્ષ આખો આ બેઠકથી દૂર રહ્યો હતો.

ભુજબળે વિપક્ષ જાણીજોઇને અનામતનો મુદ્દો ઉકેલાય એ ન ઇચ્છતી હોવાનો તેમ જ જાતિઓ વચ્ચે મતભેદ નિર્માણ થાય તેવી પરિસ્થિતિ ઊભી કરતી હોવાનો આરોપ પણ મૂક્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button