ટ્રમ્પ પર હુમલો થતા જ ચીની રિટેલરો ઉત્સાહમાં, દુનિયાભરના નેતાઓએ ટ્રમ્પ પરના હુમલાને વખોડ્યો
ભૂતપૂર્વ યુએસ પ્રમુખપેન્સિલવેનિયામાં એક પ્રચાર રેલીમાં રહેલા ડોનાલ્ડ ટ્રમ્પ શનિવારે ગોળી વાગતા સહેજમાં બચી ગયા હતા. એક ચીની રિટેલરને આ ઘટનામાં સારી બિઝનેસ તકનો અહેસાસ થયો. એણે ટ્રમ્પના હત્યાના પ્રયાસમાંથી બચી ગયા પછીની ક્ષણને કેપ્ચર કરતા ડિજિટલ પ્રિન્ટીંગ ટેક્નોલોજીના ઉપયોગ દ્વારા બનાવવામાં આવેલા ટી-શર્ટ વેચવાનું શરૂ કર્યું અને ત્રણેક કલાકમાં દેશવિદેશમાં તેના બે હજાર ટિશર્ટ ચપોચપ વેચાઇ ગયા હતા. ડોનાલ્ડ ટ્રમ્પના ટી શર્ટ પર ટેગલાઇન હતી કે, શૂટિંગ મને મજબૂત બનાવે છે. દરમિયાન દેશવિદેશના નેતાઓએઅમેરિકન પ્રેસિડેન્ટ રેસના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ પર જાનલેવા હુમલાની નિંદા કરી હતી. વિશ્વના ઘણા નેતાઓએ સોશિયલ મીડિયા પર આ હુમલા સામે ગુસ્સો વ્યક્ત કર્યો છે અને આ રાજકીય હિંસાની નિંદા કરી તેને લોકશાહી પરનો હુમલો ગણાવ્યો હતો.
યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસના પ્રવક્તા સ્ટીફન ડુજારિકે જણાવ્યું હતું કે, “સચિવ-જનરલ આ રાજકીય હિંસાની સ્પષ્ટ શબ્દોમાં નિંદા કરે છે. તેઓ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પની ઝડપથી સ્વસ્થતાની કામના કરે છે.”
યુએસ વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસે સોશિયલ મીડિયા પર લખ્યું હતું , “અમે તેમના, તેમના પરિવાર અને આ ગોળીબારમાં ઘાયલ અને અસરગ્રસ્ત તમામ લોકો માટે પ્રાર્થના કરીએ છીએ. અમે યુએસ ગુપ્તચર સેવાઓના આભારી છીએ, જેમણે સૌપ્રથમ પ્રતિસાદ આપ્યો. અમે સ્થાનિક સત્તાવાળાઓના તાત્કાલિક પ્રતિભાવ માટે પણ આભારી છીએ,” એમ તેમણે કહ્યું હતું અને વધુમાં જણાવ્યું હતું કે “આપણા દેશમાં આ પ્રકારની હિંસા માટે કોઈ સ્થાન નથી. આપણે બધાએ આ ધિક્કારપાત્ર કૃત્યની નિંદા કરવી જોઈએ અને વધુ હિંસા ન થાય તેની ખાતરી કરવી જોઇએ. “
ભૂતપૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ કહ્યું, “આપણી લોકશાહીમાં રાજકીય હિંસા માટે બિલકુલ જગ્યા નથી. જો કે અમને હજુ સુધી બરાબર ખબર નથી કે શું થયું છે. જોકે, રાહતની વાત છએ કે ટ્રમ્પને ગંભીર ઇજા થઇ નથી. હું અને મારી પત્ની મિશેલ તેમના ઝડપથઈ સાજા થવાની કામના કરીએ છીએ.
આ પણ વાંચો : Donald Trump Rally Shooting: ડોનાલ્ડ ટ્રમ્પ પર ફાયરિંગ, વડા પ્રધાન મોદીએ આપી પ્રતિક્રિયા
ટ્રમ્પને પડકારનાર નિક્કી હેલીએ ટ્વિટર પર એક પોસ્ટમાં કહ્યું હતું કે, “આ દરેક સ્વતંત્રતા પ્રેમી અમેરિકનને ડરવા જેવો બનાવ છે. જોઈએ. રાષ્ટ્રપતિ પદના ઉમેદવારો સામેની હિંસા ક્યારેય સામાન્ય ન થવી જોઈએ. અમે ડોનાલ્ડ ટ્રમ્પ, સમગ્ન પરિવાર અને હાજર રહેલા દરેક લોકો માટે પ્રાર્થના કરીએ છીએ. “
બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટારમેરે હુમલા અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું અને કહ્યું હતું કે સમાજમાં રાજકીય હિંસાને કોઈ સ્થાન નથી. તેમણે ટ્વિટર પર એક પોસ્ટમાં કહ્યું, “હું આઘાતમાં છું. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પની રેલીમાં આઘાતજનક દ્રશ્યો જોવા મળ્યા. અમે તેમને અને તેમના પરિવારને અમારી શુભેચ્છાઓ મોકલીએ છીએ.
ટ્રમ્પના સૌથી નજીકના પશ્ચિમી સાથીઓમાંના એક ગણાતા હંગેરિયન પ્રમુખ વિક્ટર ઓર્બને પોસ્ટ કર્યું હતું કે, “મારા વિચારો અને પ્રાર્થના આ દુઃખદ સમયે રાષ્ટ્રપતિની સાથે છે.”
આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ, જેવિયર મેઇલીએ, આ હુમલા માટે “આંતરરાષ્ટ્રીય ડાબેરીઓ” ને દોષી ઠેરવતા લખ્યું કે “ચૂંટણી હારી જવાના ડરથી તેમના પ્રતિગામી અને સરમુખત્યારી એજન્ડાને લાગુ કરવા માટે આતંકવાદનો આશરો લે છે.”
અમેરિકાના પડોશી દેશના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ પોસ્ટ કર્યું છે કે, હું ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર થયેલા ગોળીબારથી દુઃખી છું.” રાજકીય હિંસા ક્યારેય સ્વીકાર્ય નથી.”
જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદાએ કહ્યું હતું કે, “લોકશાહીને પડકારતી કોઈપણ પ્રકારની હિંસા સામે આપણે મક્કમપણે ઊભા રહેવું જોઈએ.
બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ પોસ્ટ કર્યું હતું કે, “ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પરના હુમલાની લોકશાહીના તમામ લોકોએ સખત નિંદા કરવી જોઈએ.”
દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યુન સુક-યોલે આ હુમલાને “ભયાનક રાજકીય હિંસા” તરીકે વખોડી કાઢી હતી અને ટ્રમ્પના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી હતી.
ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ પોસ્ટ કર્યું હતું કે , “સારાહ અને હું ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ પરના આ સીધા હુમલાથી ચોંકી ગયા છીએ. અમે તેમની સલામતી અને ઝડપી સ્વસ્થતા માટે પ્રાર્થના કરીએ છીએ.” ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્ટોની અલ્બેનિસે લખ્યું કે ચૂંટણી રેલીમાં બનેલી ઘટના “ચિંતાજનક અને પડકારજનક હતી.