પ્રિયંકા-પરિણીતી બંને બહેનોના લહેંગા સહિત ચૂંદડી પણ છે ખાસ, પતિદેવનું નામ લખાવવાનો ઉભો કર્યો નવો ટ્રેન્ડ
પરિણીતી અને રાઘવના લગ્નની તસવીરો આજ સવારથી સોશિયલ મીડિયા પર છવાયેલી છે. કરોડો ચાહકો તેમજ અનેક સેલિબ્રિટીઝ ‘ન્યુલી વેડ કપલ’ને લગ્નની શુભેચ્છાઓ આપી રહ્યા છે. સિનેજગતની કોઇપણ અભિનેત્રીના જ્યારે લગ્ન થાય ત્યારે તેના લહેંગા-જ્વેલરી વગેરેની ખાસ ચર્ચા થતી હોય છે, તેમ પરિણીતીના લગ્નની તસવીરોમાં પણ તેણે પહેરેલા લહેંગાની ડિઝાઇનની લોકો ભરપૂર પ્રશંસા કરી રહ્યા છે.
પરિણીતીએ શેર કરેલી લગ્નની તસવીરોમાં જોઇ શકાય છે કે તેના લહેંગાની ચૂંદડી પર રાઘવના નામના મૂળાક્ષરો અંકિત કરેલા છે. આ પહેલા પ્રિયંકા ચોપરાએ પણ તેના વ્હાઇટ વેડિંગ ગાઉનમાં નિકના નામના અક્ષરો કોતરાવ્યા હતા. આથી કહી શકાય કે ચોપરા સિસ્ટર્સે પોતાના લહેંગાને કારણે ચૂંદડી પર ભાવિ પતિનું નામ લખાવવાનો આ નવો ટ્રેન્ડ ઉભો કર્યો છે. પ્રિયંકાએ નિક સાથેના તેના ખ્રિસ્તી પદ્ધતિ પર આધારિત લગ્નના વેડિંગ ડ્રેસમાં નિકનું નામ લખાવ્યું હતું. નિકનું નામ ઉપરાંત તેણે ‘ડિસેમ્બર 2018’, ‘કંપેશન’, ‘ઓમ નમ: શિવાય’ જેવા શબ્દો પણ કોતરાવ્યા હતા. અમેરિકાના ફેમસ ડિઝાઇનર રાલ્ફ લોરેને પ્રિયંકાનું વેડિંગ ગાઉન તૈયાર કર્યું હતું.
પરિણીતી ચોપરાનો લહેંગો ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ તૈયાર કર્યો છે. તેમજ પરિણીતીના પતિદેવ રાઘવની શેરવાની તેના મામા પવન સચદેવાએ તૈયાર કરી છે.