આપણું ગુજરાતમધ્ય ગુજરાતવડોદરા

વડોદરામાં ડભોઇની કરનાળી આંગણવાડીમાં બાળકોને નમાઝ પઢાવાતા હંગામો…

વડોદરાઃ બાળકો દરેક ધર્મ પ્રત્યે સમભાવ રાખે અને તેનું સન્માન જાળવે છે તે જરૂરી છે, પણ શૈક્ષણિક સંસ્થાઓમાં બનતી આવી ઘટનાઓ ક્યારેક વિવાદ સર્જે છે. આવો જ વિવાદ વડોદરા જિલ્લાના ડભોઈની કરનાળી આંગણવાડીમાં થયો છે.
અહીં અમુક વાલીઓએ ફરિયાદ કરી હતી કે આંગણવાડીમાં બાળકો પાસે ઇદ પર્વના પાઠ ભણાવવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓના માથે રૂમાલ બંધાવીને નમાજ પણ પઢાવવામાં આવી હતી. આ ઘટનાની ધારાસભ્યને જાણ થતા તેમણે શિક્ષણપ્રધાન અને તંત્રનું ધ્યાન દોર્યું છે.

ઈદની ઉજવણીનું જ્ઞાન આપવા માટે આંગણવાડીના પ્રશાસન દ્વારા બાળકોને માથે રૂમાલ બંધાવી નમાજ અદા કેવી રીતે કરાય તે શીખવવામાં આવતા વિવાદ સર્જાયો હોવાની ઘટના બની છે. આંગણવાડીમાં ઈદની ઉજવણી કરતા ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. નવાઈની વાત એ છે કે આંગણવાડીમાં એક પણ મુસ્લિમ બાળક નથી.

આ અંગે ડભોઇના ધારાસભ્યએ જણાવ્યું હતું કે, આ બાબત મારા ધ્યાને આવી છે. જેમાં કરનાળીએ કુબેરદાદાનું મંદિર છે જેના કારણે લોકોની આસ્થા કરનાળી સાથે જોડાયેલી છે. આંગણવાડીમાં જ્યાં એકપણ લઘુમતી કોમનું બાળક નથી છતાંય આવો પ્રયત્ન કરવામાં આવ્યો છે. જેની સામે અમે કલેકટર, ડીડીઓ તેમજ પ્રાંત અધિકારીનું ધ્યાન દોર્યું છે. આ સાથે જ શિક્ષણમંત્રીને પણ આ અંગે જાણ કરી છે.

આ અંગે ધારાસભ્ય કે આગંણવાડીના સંચાલકો સાથે સીધી વાત થઈ શકી નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button