સિનેમાની સફ્રર
સાહબ બાથરૂમ મેં હૈ -આશકરણ અટલ
(ભાગ બીજો)
તમે માનવના રૂપમાં દેવતા છો
ફિલ્મોમાં કોઈએ કોઈ પર જરા જેટલો ઉપકાર કર્યો નહીં કે તે સામેની વ્યક્તિને દેવતા બનાવી નાખતો હોય છે અને એમાંય ખાસ કરીને વૃદ્ધ વ્યક્તિને. તોફાની રાતમાં એક નવયુવાન, એક છોકરીને તેના ઘરે પહોંચાડવા માટે જાય છે ત્યારે તે છોકરીનો વૃદ્ધ પિતા સદીઓથી આ એક જ સંવાદ બોલતો આવ્યો છે કે ‘બેટા તુમ ઈન્સાન કે રૂપ મેં દેવતા હો.’ (બેટા તું માનવના દેહમાં ભગવાન છે)
જવાબમાં તે નવયુવાન પણ એક જ ડાયલોગ બોલશે, ‘જી, યહ તો મેરા ફર્ઝ થા.’ (આ તો મારી ફરજ હતી)
એક સુંદર યુવતીને તેના ઘરે પહોંચાડવી એ કોઈ ફરજ-બરજ હોતી નથી. જો આ ફરજ હોય તો દુનિયાનો દરેક વ્યક્તિ આ ફરજને નિભાવવા માટે તૈયાર મળશે, ક્યારેક બે ફરજ નિભાવવા વાળા ટકરાઈ ગયા તો આપસમાં એ લોકો ક્યાંક એ વાત પર લડી ન પડે કે ‘આ ફરજ તો મારી છે, આને હું પૂરી રીતે નિભાવીશ. તું તોફાનમાં ફસાયેલી કોઈ બીજી છોકરીને ગોતી લે.’
સંવાદો અને સીન જાણીતા અને પરિચિત
કેટલાક સંવાદો અથવા સીન સદાબહાર હોય છે, જે હજારો ફિલ્મોમાં સેંકડો વખત વાપરવામાં આવતા હોય છે. આ સંવાદો એટલા જાણીતા અને પરિચિત થઈ જતા હોય છે કે દર્શકોને પહેલેથી જ ખબર પડી જતી હોય છે કે હવે આ પૂછશે એટલે એનો જવાબ આ આવશે. આવો આપણે આજે જોઈ લઈએ આવા જ પરિચિત સંવાદો
આ વાત પોતાના દિલ પર હાથ રાખીને કહો
નાયક નાયિકાને જ્યારે પોતાના પ્રેમનો વિશ્ર્વાસ આપવા માગતો હોય ત્યારે એક ચિર-પરિચિત સંવાદનો ઉપયોગ કરે છે કે ‘આ વાત પોતાના દિલ પર હાથ રાખીને કહો કે હું તને પ્રેમ કરતો નથી.’ અચ્છા સામેની વ્યક્તિ દિલ પર હાથ મૂક્યા વગર જ વિશ્ર્વાસ કરી લેતી હોય છે, કેમ કે દિલ પ્રેમીઓની પહેલી અને આખરી અદાલત હોય છે. અદાલત શું? ઘર-બાર અને કેદખાનું પણ દિલ જ હોય છે. જેવી રીતે કોર્ટમાં ગીતા પર હાથ મુકાવવામાં આવે છે તેવી જ રીતે પ્રેમમાં દિલ પર હાથ મુકાવવામાં આવે છે. જોકે, આને બદલે માથા પર કે પછી પર્સ પર હાથ મૂકવાની વાત આવે તો કદાચ સચ્ચાઈ જલદી બહાર આવી શકે છે. પોતાના પ્રેમનો વિશ્ર્વાસ અપાવવા માટે અન્ય પણ નક્કર પુરાવા આપી શકાય છે. છોકરો કહી શકે છે કે છેલ્લા ત્રણ વર્ષમાં મેં તને આટલી ફિલ્મો દેખાડી, આટલી આઈસક્રીમ ખવડાવી અને આટલા લંચ કરાવ્યા, આટલા કલાકો સુધી બસ-સ્ટોપ પર રાહ જોઈ હતી વગેરે વગેરે, પરંતુ નહીં, ભલે વાસી રહ્યો પરંતુ આ સંવાદ બોલવાની મજા જ અલગ છે કે ‘આ વાત પોતાના દિલ પર હાથ રાખીને કહો કે હું તને પ્રેમ નથી કરતો.’