વિશ્ર્વની 32મા નંબરની ક્રૅચિકૉવા વિમ્બલ્ડનનો તાજ જીતી
લંડન: વિમ્બલ્ડન ટેનિસ ચૅમ્પિયનશિપમાં શનિવારે ચેક રિપબ્લિકની બાર્બોરા ક્રૅચિકૉવા (Barbora Krejcikova) વિમેન્સ સિંગલ્સનો તાજ જીતી હતી. તેણે ફાઇનલમાં જાસ્મિન પાઓલિની (Jasmine Paolini)ને 6-2, 2-6, 6-4થી હરાવી દીધી હતી. ક્રૅચિકૉવાની વિશ્ર્વમાં 32મી રૅન્ક છે.
ક્રૅચિકૉવા 2021માં ફ્રેન્ચ ઓપન જીતી હતી એટલે આ તેનું બીજું ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ છે. બીમારી તેમ જ પીઠની ઈજાને કારણે ક્રૅચિકૉવા રૅન્કિંગમાં છેક 32મા સ્થાને જતી રહી છે.
મહિલા વર્ગમાં વિમ્બલ્ડનને આઠ વર્ષમાં આઠ અલગ ચૅમ્પિયન મળી છે. ગયા વર્ષે ચેક રિપબ્લિકની જ અનસીડેડ માર્કેટા વૉન્દ્રોઉસોવા વિમ્બલ્ડન જીતી હતી.
ક્રૅચિકૉવાએ તેના સદ્ગત મિત્ર અને કોચ યાના નૉવોત્ના જેવી સિદ્ધિ મેળવી છે. નૉવોત્ના 1998માં વિમ્બલ્ડન ચૅમ્પિયન બની હતી. 2017માં નૉવોત્નાનું 49 વર્ષની ઉંમરે કૅન્સરને કારણે નિધન થયું હતું.
પાઓલિની વિમ્બલ્ડનમાં સિંગલ્સનું ટાઇટલ જીતનારી પ્રથમ ઇટાલિયન ખેલાડી બનવા માગતી હતી. જોકે તે લાગલગાટ બીજી ગ્રૅન્ડ સ્લૅમ ફાઇનલ હારી છે. આ વર્ષની ફ્રેન્ચ ઓપનની ફાઇનલમાં તેનો ઇગા સ્વૉન્ટેક સામે પરાજય થયો હતો.