આપણું ગુજરાત

ગુજરાતમાં “આપ”નું રણશિંગું , આગામી તમામ ચૂંટણીઓની રણનીતિ ઘડાઈ

અમદાવાદ: આમ આદમી પાર્ટીએ સમગ્ર ગુજરાતના તમામ 55000 બુથોના સંગઠન નિર્માણ માટે મિશન વિસ્તાર કાર્યક્રમની શરૂઆત કરી છે. આજે મિશન વિસ્તાર કાર્યક્રમ હેઠળ ભાવનગર અને અમરેલીમાં બેઠક યોજવામાં આવી હતી. આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, નેશનલ જોઈન્ટ સેક્રેટરી ગોપાલ ઇટાલીયા, ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા ભાવનગર અને અમરેલી ખાતે મિશન વિસ્તાર કાર્યક્રમમાં હાજર રહ્યા હતાં.

આજે અમરેલી અને ભાવનગર ખાતે યોજાયેલી બંને મીટીંગોમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતાઓ, સ્થાનિક હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. હાલ પ્રદેશની તમામ ટીમો મિશન વિસ્તાર કાર્યક્રમ અંતર્ગત સમગ્ર ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં જઈ રહી છે. આગામી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત સહિત તમામ સ્થાનિક સ્વરાજ્ય અને અન્ય ચૂંટણીઓની રણનીતિ અને જે પણ લોકો ચૂંટણી લડવા માંગતા હોય તે મુદ્દે આજે ચર્ચા કરવામાં આવી હતી.

આ પણ વાંચો : ન્યાયયાત્રા નીકળશે, કોંગ્રેસનો માસ્ટર સ્ટ્રોક

આમ આદમી પાર્ટી દ્વારા મીડિયા સાથે વાત કરીને સ્થાનિક સમસ્યાઓ અને આપની રણનીતિને લઈને માહિતી આપી હતી. આપે જણાવ્યું હતું કે ભાવનગર અને અમરેલીમાં ખૂબ જ સમસ્યાઓ વકરી રહી છે. કોર્પોરેશનની સતા ભાજપને આપ્યા બાદ આજે જનતા પછતાય રહી છે. અહી ગટરની સમસ્યા છે, રોડ રસ્તાઓ નથી, પાણીની સમસ્યા છે, ગંદકીની સમસ્યા ખૂબ જ છે. સ્થાનિક વિસ્તારોમાં સારી હોસ્પિટલો અને સારી સ્કૂલો નથી.

આમ આદમી પાર્ટીના ગુજરાતના અધ્યક્ષ ઈશુદાન ગઢવીએ જણાવ્યું કે આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આવનારા સમયમાં અમારી ટીમો સ્થાનિક કક્ષાએ કાર્યક્રમ કરશે. આમ આદમી પાર્ટીનો ઉદ્દેશ્ય ભાજપને સત્તાથી દૂર કરવાનો છે. જે રીતે ભગવાન રામ અને તેમની પ્રજાએ અયોધ્યામાં ભાજપને હરાવી તે જ રીતે ગુજરાતમાં પણ ભાજપને સત્તામાંથી દૂર કરવાનો અમારો ઉદ્દેશ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button