ધોરણ 11નું ત્રીજું એડમિશન લિસ્ટ 22 જુલાઈએ જાહેર થશે
14થી 17 જુલાઈ દરમિયાન કોલેજની પસંદગીઓ બદલી શકાશે
મુંબઈઃ શૈક્ષણિક વર્ષ 2024 – 25 અંતર્ગત 11મા ધોરણમાં એડમિશન માટે ત્રીજા રેગ્યુલર રાઉન્ડ મુજબ 22 જુલાઈ ને સોમવારે સવારે 10 વાગ્યે ‘થર્ડ એડમિશન લિસ્ટ’ ઓનલાઈન જાહેર કરવામાં આવશે. આ યાદી અનુસાર જે વિદ્યાર્થીઓને કોલેજમાં એડમિશન મળ્યું હશે તેઓ 22 જુલાઇના રોજ સવારે 10 વાગ્યાથી 24 જુલાઈએ સાંજે 6 વાગ્યા સુધી એડમિશન પાકું કરી શકશે. ત્યારબાદ ૧૪ જુલાઈના રોજ સવારે ૧૦થી ૧૭ જુલાઈના રોજ રાત્રે ૧૦ વાગ્યા સુધી નવા વિદ્યાર્થીઓ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી વ્યક્તિગત માહિતી ફોર્મનો ભાગ – ૧ ભરી તેને પ્રમાણિત કરાવી કોલેજ પસંદગીના ફોર્મનો ભાગ-૨ ભરી શકશે. અરજીના ભાગ – 2ને અંતિમ મોહર મારવી ફરજિયાત છે. એવી જ અરજીઓ કોલેજ આપવા માટે (ફાળવણી માટે) ધ્યાનમાં લેવામાં આવશે.
સંસ્થાકીય, લઘુમતી અને મેનેજમેન્ટ ક્વોટા હેઠળ એડમિશન મેળવવા ઇચ્છુક વિદ્યાર્થીઓએ 14 જુલાઈના રોજ સવારે 6 વાગ્યાથી 17 જુલાઇએ સાંજે 6 વાગ્યા સુધી અરજી ફોર્મ ભરીને ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. ત્યારબાદ સંબંધિત વિદ્યાર્થીઓની પ્રવેશ યાદી જુનિયર કોલેજ સ્તરે 19 જુલાઈએ બહાર પાડવામાં આવશે. પસંદ થયેલા વિદ્યાર્થીઓને કવોટા હેઠળ પ્રવેશ માટે જુનિયર કોલેજ તરફથી ટેલિફોનથી સંપર્ક કરવામાં આવશે. ત્યારબાદ ૨૨ જુલાઇના રોજ સવારે ૧૦થી ૨૪ જુલાઇના રોજ સાંજે ૬ વાગ્યા સુધી ક્વોટા હેઠળ એડમિશન નિશ્ચિત કરવામાં આવશે. એ જ પ્રમાણે જુનિયર કોલેજોએ સેન્ટ્રલ એડમિશન પ્રોસેસ અને ક્વોટા હેઠળ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની સ્થિતિ 24 જુલાઇના રોજ રાત્રે 8 વાગ્યા સુધીમાં વેબસાઇટ પર ઓનલાઇન નોંધાવવાની રહેશે અને આગામી રાઉન્ડ માટે 25 જુલાઈએ કેટલી જગ્યા ખાલી છે એ દર્શાવવાનું રહેશે.
આ વર્ષે 11મા ધોરણમાં એડમિશન લેવા માટે કેન્દ્રીય પ્રવેશ પ્રક્રિયા અને ક્વોટાની બેઠકો માટે 2 લાખ 85 હજાર 37 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. એમાંથી એક લાખ 13 હજાર 849 (૩૯.૯૪ ટકા) વિદ્યાર્થીઓને એડમિશન મળી ગયું છે. હજી 1 લાખ 71 હજાર 188 વિદ્યાર્થી એડમિશન મળવાની રાહ જોઈ રહ્યા છે. કેન્દ્રીય પ્રવેશ પ્રક્રિયા અને ક્વોટા પ્રવેશ સહિત કુલ 2 લાખ 86 હજાર 756 (71.58 ટકા) બેઠકો ખાલી છે.