મુઝફ્ફરપુરઃ દારૂ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવનાર બિહારમાં શંકાસ્પદ ઝેરી દારૂ પીવાથી બે લોકોના મોત થયા છે જ્યારે ઘણા લોકોની આંખોની રોશની પણ જતી રહી છે, એવી એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ આ માહિતી આપી હતી. આ ઘટના કાઝી મોહમ્મદપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના પોખરિયા પીર વિસ્તારમાં બની હતી. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર તમામે ઝેરી દારૂ પીધો હતો. રવિવારે ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. આ ઘટના બાદ દારૂનો સપ્લાયર ફરાર છે, પરંતુ તેની પત્ની અને પુત્રીની અટકાયત કરવામાં આવી છે.
પોખરિયા પીર વિસ્તારના ઉમેશ શાહ અને પપ્પુ રામનું મૃત્યુ થયું છે. તેના પરિવારજનોએ જણાવ્યું કે તે ત્રણ દિવસ પહેલા દારૂ પીને ઘરે પરત ફર્યો હતો અને પછી બીમાર પડ્યો હતો. મના પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે તેઓ ત્રણ દિવસ પહેલા શંકાસ્પદ ઝેરી દારૂ પીને ઘરે આવ્યા હતા અને બીમાર પડ્યા હતા. સારવાર કરાવવા છતાં તેમની હાલત કથળી હતી અને તેમનું મૃત્યુ થયું હતું. આ ઉપરાંત આ જ ગામના અન્ય બે લોકોની આંખની રોશની ચાલી ગઇ હતી. તેઓએ પણ આ ઝેરી દારૂ પીધો હતો. આંખોની રોશની ગુમાવનાર બંને લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
જિલ્લા પોલીસ હેડક્વાર્ટર તરફથી જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે, જ્યારે ફોરેન્સિક નિષ્ણાતોની ટીમ કેસની તપાસ કરી રહી છે. આંખોની રોશની ગુમાવી ચૂકેલા આ બંને વ્યક્તિઓએ પત્રકારોને જણાવ્યું હતું કે તેઓ અવારનવાર તાડી પીવા માટે સ્થાનિક આઇસ ફેક્ટરીની નજીક આવેલા પાસવાનના ઠેકાણા પર જતા હતા.
ઘટનાના દિવસે પાસવાને તેમને કહ્યું હતું કે તાડી ઉપલબ્ધ નથી અને તેમને “ઝમરુવા” નામનું નશીલા મિશ્રણ ઓફર કર્યું અને વચન આપ્યું કે તે તેમને નશો કરશે. નોંધનીય છે કે બિહારમાં 2016માં નીતીશ કુમારની સરકાર દ્વારા દારૂના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો, તે છતાં પણ સરકારી રહેમ નજર હેઠળ અહીં દારૂનું વેચાણ બેરોકટોક ચાલી રહ્યું છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને