શેરબજારમાં રોકાણ પર આકર્ષક વળતરની લાલચે 500 લોકો સાથે 170 કરોડ રૂપિયાની છેતરપિંડી
મધ્ય પ્રદેશથી ગુજરાતીની ધરપકડ: રૂ. 1.17 કરોડના દાગીના, રોકડ જપ્ત
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શેરબજારમાં રોકાણ પર વાર્ષિક 84 ટકા વળતરની લાલચે 500થી વધુ લોકો સાથે રૂ. 170 કરોડની છેતરપિંડી આચરવાના કેસમાં ક્રાઇમ બ્રાન્ચના પ્રોપર્ટી સેલે 44 વર્ષના આશિષ દિનેશકુમાર શાહની મધ્ય પ્રદેશથી ધરપકડ કરી હતી. આશિષ શાહ પાસેથી પોલીસે રૂ. 1.17 કરોડના દાગીના અને 25 લાખની રોકડ જપ્ત કરી હતી.
આ પણ વાંચો: પાર્ટ ટાઈમ જૉબને બહાને છેતરપિંડી કરનારી ટોળકી ઓડિશામાં ઝડપાઈ
પોલીસના જણાવ્યા અનુસાર વર્સોવાના રહેવાસી આશિષ શાહે તેની સમરયશ ટ્રેડિંગ કંપની સેબી નોંધણીકૃત છે એવું મુંબઈમાંના તેના પરિચિત લોકોને કહ્યું હતું. શેરબજારમાં રોકાણ કરીને મળેલા વળતરમાંથી પોતે ઓફિસ, ઘર, વાહન અને સોનું કમાયો છે એવું તે કહેતો હતો. તેણે લોકોનું કહ્યું હતું કે હું સેબીનો રજિસ્ટર્ડ એજન્ટ છું. તમે શેરબજારમાં રોકાણ કરો, તમને વાર્ષિક 84 ટકા વળતર મેળવી આપીશ. દરમિયાન તેણે લોકો પાસેથી પૈસા ભેગા કર્યા હતા અને તેમનો વિશ્ર્વાસ સંપાદન કરવા અમુક લોકોને વળતર આપ્યું હતું. આથી અન્ય લોકોએ પણ આશિષ પર વિશ્ર્વાસ રાખીને તેને રોકાણ માટે રૂપિયા આપ્યા હતા.
આ પણ વાંચો: પોલીસના સ્વાંગમાં વેપારી સાથે છેતરપિંડી: આરોપી પકડાયો
દરમિયાન લોકો પાસેથી રૂપિયા લઇને તેમને વળતર ન આપતાં આશિષ પલાયન થઇ ગયો હતો, જેને પગલે તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવાતાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આશિષ વારંવાર પોતાનું નામ બદલીને, જગ્યા બદલતો રહેતો હતો, જેને કારણે તે પોલીસના હાથ લાગતો નહોતો. આશિષની શોધમાં પોલીસની ટીમ મધ્ય પ્રદેશ રવાના થઇ હતી. પોલીસે મધ્ય પ્રદેશમાં તપાસ કર્યા બાદ મળેલી માહિતીને આધારે સ્થાનિક પોલીસની મદદથી આશિષને ઝડપી પાડ્યો હતો. બાદમાં તેને મુંબઈ લાવવામાં આવ્યો હતો. પોલીસને તપાસમાં જાણવા મળ્યું હતું કે આશિષે મુંબઈ, મીરા-ભાયંદર અને તમિળનાડુના લોકો પાસેથી કરોડો રૂપિયા ભેગા કર્યા હતા. આશિષ પાસેથી રોકડ ઉપરાંત દાગીના પણ જપ્ત કયારા હોઇ તેણે લોકો પાસેથી રોકાણને નામે લીધેલા પૈસામાંથી તે ખરીદ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું હતું. આશિષ વિરુદ્ધ તમિળનાડુમાં પણ ગુના દાખલ હોવાનું પોલીસને લાગી રહ્યું છે.