ગિલ ચોથી વાર ટૉસ જીત્યો અને ફીલ્ડિંગ લીધી, દેશપાંડેનું ડેબ્યૂ
હરારે: ભારત અહીં ઝિમ્બાબ્વે સામેની ચોથી ટી-20માં પહેલા ફીલ્ડિંગ કરશે અને ટાર્ગેટ ચેઝ કરશે. કૅપ્ટન શુભમન ગિલ સતત ચોથી મૅચમાં પણ ટૉસ જીત્યો હતો અને તેણે ફીલ્ડિંગ પસંદ કરી હતી.
પાંચ મૅચની ટી-20 સિરીઝમાં ભારત 2-1થી આગળ છે. જો ભારતીય ટીમ આજે પણ જીતી જશે તો 3-1ના માર્જિન સાથે ટ્રોફી પર કબજો કરી લેશે.
બન્ને ટીમમાં એક-એક ફેરફાર કરવામાં આવ્યો છે. પેસ બોલર આવેશ ખાનના સ્થાને તુષાર દેશપાંડેનો ઇલેવનમાં સમાવેશ કરાયો છે. 29 વર્ષનો રાઇટ-આર્મ મિડિયમ પેસ બોલર પહેલી જ વાર ભારત વતી રમી રહ્યો છે.
આ પણ વાંચો : આજે અભિષેકનું ઓપનિંગમાં કમબૅક?: કૅપ્ટન ગિલ પોતાના ક્રમનો ભોગ આપશે?
મુંબઈનો દેશપાંડે આઇપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને દિલ્હી કૅપિટલ્સ વતી રમી ચૂક્યો છે. તેણે 36 ફર્સ્ટ-ક્લાસ મૅચમાં 97 વિકેટ લીધી છે અને 511 રન બનાવ્યા છે. આઇપીએલ સહિતની તમામ ટી-20 મૅચોમાં તે 80 મૅચમાં 116 વિકેટ લઈ ચૂક્યો છે.
ઝિમ્બાબ્વેએ વેલિંગ્ટન માસાકાદ્ઝાના સ્થાને ફરાઝ અકરમને ઇલેવનમાં સમાવ્યો છે.
ભારતની પ્લેઇંગ ઇલેવનમાં શુભમન ગિલ (કૅપ્ટન), સંજુ સૅમસન (વિકેટકીપર, વાઇસ-કૅપ્ટન), યશસ્વી જયસ્વાલ, અભિષેક શર્મા, ઋતુરાજ ગાયકવાડ, શિવમ દુબે, રિન્કુ સિંહ, વૉશિંગ્ટન સુંદર, રવિ બિશ્ર્નોઈ, તુષાર દેશપાંડે અને ખલીલ અહમદનો સમાવેશ છે.