આપણું ગુજરાત

ન રસ્તા, ન શાળા, ન શિક્ષક, ન ડોક્ટરઃ ગુજરાતના ગામડાંઓની વાસ્તિક્તા જોઈ અધિકારીઓ મુંઝાયા,

અમદાવાદઃ મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે ભારત દેશ તેના ગામડાંઓમાં વસે છે. દરેક સરકારે ગ્રામ્ય વિકાસના નામે કરોડો ખર્ચ્યા છે અને સુંદર ગામડાથી માંડી સ્માર્ટ વિલેજ સુધીની યોજનાઓ જાહેર કરી છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ છે અને આ કારણે જ શહેરીકરણ આડેધડ થઈ રહ્યું છે.

ગુજરાત સરકારે કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઓને ગામડાઓમાં જઈ સુવિધાઓ કેવી છે તે ચકાસવાનો આદેશ આપ્યો હતો. અધિકારીઓ જઈને તો આવ્યા પણ હવે અહેવાલ બનાવવામાં મુંઝવણ અનુભવી રહ્યા છે. અધિકારીઓ ગયા અને સુવિધાઓને બદલે ફરિયાદો અને સમસ્યાઓનો પહાડ તેમની સામે ખડકવામાં આવ્યો. હવે સમસ્યા એ છે કે સરકારને સાચો અહેવાલ કઈ રીતે આપવો.


આ છે અધિકારીઓની મુંઝવણ
રાજ્યમાં ગ્રામ્ય વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓના આભાવને કારણે લોકો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે ત્યારે સમીક્ષા કરવા ગયેલાં કલેક્ટર-ડીડીઓ તો વાસ્તવિક રિપોર્ટને લઈને અસમંજસમાં મૂકાયા હતાં કેમ કે, જે કડવી હકીકત સાથે રિપોર્ટ કરવામાં આવે તો અધિકારીઓને ડર બેઠો કે, ક્યાંક સરકાર અને પ્રધાનોને નારાજ ન કરી બેસીએ.

ગાંધીનગરમાંથી થોડા દિવસ પહેલાં જ આદેશ કરવામાં આવ્યો હતો કે, કલેક્ટર-ડીડીઓને ગામડામાં પહોંચી ગ્રામજનોને પ્રાથમિક સુવિધાનો અને વિવિધ સરકારી યોજનાનો લાભ મળે છે કે કેમ? આ બધી બાબતની સમિક્ષા કરવા આઈએએસને જવાબદારી સોંપવામાં આવી હતી.


ગામડાઓમાં અધિકારીઓ પર ફરિયાદોનો મારો
ઉચ્ચ અધિકારીઓ પણ સરકારના આદેશને પગલે ગામડામાં પહોંચ્યા હતાં પણ ઢગલાબંધ ફરિયાદોને પગલે મૂંઝવણભરી સ્થિતી સર્જાઈ હતી. મોટા ભાગના ગામડાંઓની સમસ્યાઓ એક સરખી છે કે પાયાની સુવિધાઓ જ નથી. રોડ-રસ્તા, પાણી, શૌચાલયો, શિક્ષણ, આરોગ્ય જેવી સમસ્યાઓ છે, જે જીવનને દોજખ અને અઘરું બનાવી દે છે.

ગ્રામજનોનું કહેવું હતું કે,વ્યાજબી ભાવની દુકાન પર નિયમિત અનાજ વિતરણ થતું નથી. અનાજની ગુણવત્તા યોગ્ય હોતી નથી. ગામમાં શાળા પડું પડું છે. જેમાં બાળકોને અભ્યાસ કરાવવો જોખમી છે. શાળામાં શિક્ષકો પણ પુરતા નથી. એક શિક્ષક આખી શાળાના બાળકોને ભણાવે છે. આરોગ્ય કેન્દ્રમાં પણ આ દશા છે. ડોક્ટરોના અભાવે દર્દીઓને ખાનગી દવાખાનામાં સારવાર મેળવવા મજબૂર થવુ પડે છે. ખાડા વાળા રસ્તાઓ અંગે વાર રજૂઆત છતાં પ્રશ્નોનો ઉકેલ આવતો નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ આઇએએસ ધવલ પટેલે શાળામાં અભ્યાસ કરતાં બાળકોને કક્કો આવડતો નથી અને સરકારી શાળાઓમાં સુવિધા અને શિક્ષણની કથળેલી ગુણવત્તા વિશે એક લેટરબૉમ્બ ફોડ્યો હતો. તે સમયે ભારે હોબાળો મચ્યો હતો. આ ઘટના બાદ ધવલ પટેલે નારાજગી વહોરવી પડી હોવાનું કહેવાય છે. આથી અધિકારીઓ સબ સલામતનો રિપોર્ટ જ આપી રહ્યા છે, પણ અંદરખાને વાસ્તવિકતાની ચર્ચા પણ કરી રહ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button