મુખ્ય ન્યાયધીશ ચંદ્રચુડે રામલલ્લાના દર્શન કર્યા, હનુમાનગઢી પહોંચ્યા અને પૂજા કરી
અયોધ્યા: ગત જાન્યુઆરી મહિનામાં રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા (Ram mandir in Ayodhya)બાદ દેશ વિદેશથી લોકો રામલલ્લાના દર્શન માટે આવી રહ્યા છે. ગઈ કાલે શુક્રવારે ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ(CJI DY Chandrachud) અયોધ્યા પહોંચ્યા હતા અને રામ મંદિરમાં રામલલાના દર્શન કર્યા.
જિલ્લા વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, શુક્રવારે બપોરે ૩ વાગ્યે મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ સ્પેશીયલ ફ્લાઈટ દ્વારા અયોધ્યાના મહર્ષિ વાલ્મીકિ ઈન્ટરનેશનલ એરપોર્ટ પહોંચ્યા હતા, જ્યાં અયોધ્યા જિલ્લા મેજિસ્ટ્રેટ નીતિશ કુમારે તેમનું સ્વાગત કર્યું.
સરયુ નદીના કિનારે સરયુ ગેસ્ટ હાઉસમાં થોડીવાર આરામ કર્યા બાદ, તેઓ હનુમા ગઢી ગયા, જ્યાં તેમણે લગભગ 20 મિનિટ સુધી હનુમાનજીની પૂજા કરી.
ગઢીની મુલાકાત બાદ, CJI રામજન્મભૂમિ સ્થળ પર નવનિર્મિત મંદિર પહોંચ્યા જ્યાં તેમણે પૂજા કરી. CJIનું રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય, અયોધ્યા રાજવી પરિવારના વડા અને ટ્રસ્ટના સભ્ય વિમલેન્દ્ર મોહન મિશ્રા, અન્ય ટ્રસ્ટી ડૉ. અનિલ મિશ્રા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
જિલ્લા મેજિસ્ટ્રેટ નીતિશ કુમારે જણાવ્યું કે તેઓ અયોધ્યામાં લગભગ અઢી કલાક રોકાયા, ત્યારબાદ તેઓ સાંજે 5.30 વાગ્યે રામકથા પાર્કના હેલિપેડથી હેલિકોપ્ટર દ્વારા લખનઉ જવા રવાના થયા. રામ મંદિર લોકો માટે ખુલ્યા બાદ તેઓ પહેલીવાર અયોધ્યા પહોંચ્યા હતા.
આજે શનિવારે તેઓ વિંધ્યધામમાં મા વિંધ્યવાસિનીની પૂજા કરવા લખનઉથી મિર્ઝાપુર જવાના છે.
નોંધનીય છે કે, મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડ એ પાંચ જજોની બેંચના એક સભ્ય હતા જેણે 9 નવેમ્બર, 2019 ના રોજ હિન્દુ પક્ષની તરફેણમાં ઐતિહાસિક રામ મંદિરનો ચુકાદો આપ્યો હતો.